અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે દાણાપીઠ વિસ્તારમાં આવેલા સલમાન એવેન્યૂના વિવાદિત બાંધકામના ડિમોલિશનને ગ્રીન સિગ્નલ આપતા સિંગલ જજના ચુકાદાની સામે ડિવિઝન બેંચ સમક્ષ અપીલ કરવામાં આવી છે. જે અપીલની અરજન્ટ સુનાવણી બાદ ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેંચે આદેશમાં નોંધ્યું હતું કે, 24મી ડિસેમ્બરે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. બીજી તરફ અરજદાર દ્વારા પણ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. આ બંને સોગંદનામા કોર્ટ રેકોર્ડ પર લે છે. કોર્પોરેશનના સોગંદનામાને જોયા બાદ અરજદાર તરફથી ઉપસ્થિત એડવોકેટે આ મામલે અરજદાર પાસેથી સૂચના લેવા માટે સમયની માગ કરી છે. જેથી, આ કેસની વધુ સુનાવણી 1 જાન્યુઆરીના રોજ મુકરર કરવામાં આવે છે. ગેરકાયદે બાંધકામ જ દૂર કરવામાં આવ્યું
આ કેસની સુનાવણી દરમિયાન કોર્પોરેશન તરફથી સૌથી પહેલા સોગંદનામુ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ અને ચાર માળના ઇમારત માટેની મંજૂરી કોર્પોરેશને આપી હતી. ત્યારબાદ નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીની ફેક NOC રજૂ કરીને છ માળની મંજૂરી લેવામાં આવી હતી. આ NOC નકલી હોવાથી ડેવલોપમેન્ટ મંજૂરી રદ કરવામાં આવી હતી. જોકે, સલમાન એવેન્યૂના ચાર માળ સુધીના ડિમોલિશનનો કોર્પોરેશનનો કોઇ ઇરાદો નથી અને માત્ર ગેરકાયદે બાંધકામ જ દૂર કરવામાં આવ્યું છે. રિપિટેટિવ પિટિશનો કરવાનો કોઇ અર્થ હોતો નથી
આ કેસમાં હાઇકોર્ટના સિંગલ જજે સલમાન એવેન્યૂના ડિમોલિશન સામેની રિટ ફગાવી કાઢી હતી અને એને નિયમિત કરવાની માગ રદ કરી હતી. બિલ્ડિંગનો પાંચમો અને છઠ્ઠો માળ બાંધવાની પરવાનગી ડેવલોપરે કોર્પોરેશનની બનાવટી NOCના આધારે લીધી હોવાનો ચકચારી ઘટસ્ફોટ પણ થયો હતો અને તેને ધ્યાનમાં લેતાં અને કોર્પોરેશને ડેવલોપર અને રહેવાસીઓને અગાઉથી નોટિસ આપી હોવાની નોંધ પણ હાઇકોર્ટે લઇ રિટ ફગાવી કાઢી હતી. આ આદેશ સામે ડિવિઝન બેંચમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં અગાઉ ખંડપીઠે અપીલકર્તા ડેવલોપરના વલણની ટીકા કરી હતી અને એવી ટકોર કરી હતી કે, રિપિટેટિવ પિટિશનો કરવાનો કોઇ અર્થ હોતો નથી. ઓથોરિટીના આદેશ સામે વાંધો હોય તો પિટિશનમાં એમેન્ડ કરીને પડકારી શકો
હાઇકોર્ટે કહ્યું હતું કે, અરજદાર એક જ પ્રોપર્ટીના ડિસ્પ્યુટ માટે સક્સેસિવ પિટિશનો કરીને રાહત માગે એ ચલાવી લેવાય નહીં અને એ કાયદાકીય રીતે પણ ટકી શકે નહીં. તમે એક જ પિટિશનમાં એમેન્ડમેન્ટ કરીને સુધારા-વધારા કરી શકો છો. અરજદારનું આ વલણ સહેજ પણ સ્વીકાર્ય નથી. તમને નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના આદેશ સામે વાંધો હોય તો તમે એને પણ પિટિશનમાં એમેન્ડ કરીને પડકારી શકો પરંતુ, તમે એક પછી બીજી પિટિશન કરો છો. એક રદ થાય તો બીજી અને બીજી રદ થાય તો ત્રીજી પિટિશન કરો છો. એક પછી એક થતી પિટિશન વાજબી અને યોગ્ય નથી. જો તમારી પિટિશન સફળ થઇ હોય તો તમારે બીજી પિટિશન શા માટે કરવી પડે?