back to top
HomeભારતEDITOR'S VIEW: હવે સંઘ સામે સંત:મોહન ભાગવતનાં નિવેદનો સામે સંતોએ ત્રીજું નેત્ર...

EDITOR’S VIEW: હવે સંઘ સામે સંત:મોહન ભાગવતનાં નિવેદનો સામે સંતોએ ત્રીજું નેત્ર ખોલ્યું, રામભદ્રાચાર્યજીએ કહ્યું, એ RSSના વડા, હિન્દુ ધર્મના નહીં

હવે સંઘની સામે સંતો પડ્યા છે. સંઘના વડા મોહન ભાગવત એવાં નિવેદનો કરતાં રહે છે કે દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી. રામ મંદિરના નિર્માણ પછી આવી ઘટનાઓ વધી છે. આ નિવેદન પછી સંત સમાજ ઊકળ્યો છે. રામભદ્રાચાર્યજી મહારાજ અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સહિતના સંતોએ ભાગવતના નિવેદનને પોલિટિકલી ગણાવીને સંઘની શાખ પર સવાલ ઉઠાવ્યા છે. નમસ્કાર, હિન્દુત્વના નામે રાજનીતિ કરતા ભાજપ માટે સંઘના વડા મોહન ભાગવત અવારનવાર નિવેદનો કરતા રહે છે. હવે ભાગવતે મસ્જિદોના સર્વે માટે નિવેદનોનો જવાબ સંતોએ આપ્યો છે. સંતોએ સોઈ ઝાટકીને કહી દીધું કે ભાગવત સંઘના નેતા છે, હિન્દુ સમાજના નહીં. મોહન ભાગવતે શું કહ્યું હતું?
20 ડિસેમ્બરે પુણેના એક કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે અન્ય સ્થળોએ પણ આ જ મુદ્દા ઉઠાવવાથી તેઓ ‘હિન્દુઓના નેતા’ બની જશે. ‘વિશ્વગુરુ ભારત’ વિષય પર પ્રવચન આપતાં ભાગવતે કહ્યું, ‘રામ મંદિર આસ્થાનો વિષય હતો અને હિન્દુઓને લાગ્યું કે એનું નિર્માણ થવું જોઈએ… નફરત અને દુશ્મનીને કારણે કેટલાંક નવાં સ્થળો વિશે મુદ્દા ઉઠાવવા અસ્વીકાર્ય છે. ભારતે તમામ ધર્મો અને વિચારધારાઓના સુમેળભર્યા સહઅસ્તિત્વનું ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ. ઉગ્રવાદ, આક્રમકતા, બળપ્રયોગ અને બીજાના દેવતાઓનું અપમાન કરવું એ આપણી સંસ્કૃતિ નથી… અહીં બહુમતી કે લઘુમતી નથી; આપણે બધા એક છીએ. આ દેશમાં દરેકે પોતાની પૂજા પદ્ધતિનું પાલન કરવું જોઈએ, કરવા દેવું જોઈએ. રામ મંદિર વિવાદ અને પાકિસ્તાનનો જન્મ
મોહન ભાગવતે આ દરમિયાન કહ્યું હતું કે રામ મંદિર વિવાદ અંગ્રેજો દ્વારા ઊભો કરવામાં આવ્યો હતો. તેમણે સમજાયું કે આ હિન્દુઓને આપવું જોઈએ, તેથી તેમણે બે સમુદાય વચ્ચે તિરાડ ઊભી કરી. ત્યારથી અલગતાવાદની લાગણી જન્મી. એના કારણે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. અન્ય દેશોમાં લઘુમતીઓ સાથે શું થઈ રહ્યું છે એ તેઓ જોઈ રહ્યા છે. આ બાબત ભારતમાં ચર્ચાઈ રહી છે અને અન્ય દેશોમાં તેઓ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અયોધ્યાથી મંદિર-મસ્જિદનો વિવાદ થયો, અયોધ્યા પછી 9 વિવાદ સામે આવ્યા
ભારતમાં સદીઓથી મંદિરો અને મસ્જિદોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. 2019 સુધી અયોધ્યામાં બાબરી મસ્જિદ અને રામ મંદિરને લઈને સૌથી વધુ ચર્ચિત વિવાદ હતો. 9 નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અહીં મંદિરના અસ્તિત્વને સ્વીકાર્યું અને એનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે અહીં મંદિર છે અને રામ મંદિર માટે આખી જમીન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મસ્જિદ માટે અલગ જગ્યા આપવામાં આવી હતી. જ્યારે રામ મંદિરનો નિર્ણય આવ્યો ત્યારે જોરદાર નારા લગાવવામાં આવ્યા હતા. નારો હતો- ‘અયોધ્યા એક ઝાંખી છે, કાશી-મથુરા બાકી છે.’ આ કાશી-મથુરા એટલે કાશીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ. હિન્દુ પક્ષનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ એક શિવ મંદિર હતું, જ્યારે શાહી ઇદગાહ મસ્જિદની જગ્યાએ કૃષ્ણ મંદિર હતું. દાવો કરવામાં આવે છે કે આ મંદિરોને તોડીને તેમના અવશેષોમાંથી આ મસ્જિદો બનાવવામાં આવી હતી. હવે વારાણસી અને મથુરા બંનેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે, પરંતુ આ માત્ર બે જ કિસ્સા નથી, જ્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ યુપીના સંભલમાં આવેલી જામા મસ્જિદને લઈને પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે. આ સિવાય અયોધ્યાના નિર્ણય પછી મંદિર-મસ્જિદ સાથે જોડાયેલા ઓછામાં ઓછા 9 વિવાદ સામે આવ્યા છે. મોહન ભાગવતનાં નિવેદનો સામે સંતોએ ત્રીજું નેત્ર ખોલ્યું… જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યજીએ કહ્યું, ભાગવત સંઘના નેતા છે, હિન્દુ ધર્મના નહીં
જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ રાષ્ટ્રીય સ્વયંસેવકના વડા મોહન ભાગવતના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. સ્વામી રામભદ્રાચાર્યએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં કહ્યું કે આ સંઘ-પ્રમુખનું અંગત નિવેદન છે. તેમણે આ સારી વાત નથી કરી. સંઘની રચના પણ હિન્દુત્વના આધારે જ થઈ છે. જ્યાં પણ મંદિરોના અવશેષો મળશે, અમે ત્યાં સ્ટેન્ડ લઈશું. જ્યાં અવશેષો નથી ત્યાં સ્ટેન્ડ નહીં લઈએ. જ્યાં હિન્દુ મંદિરના અવશેષો નીકળશે ત્યાં વોટથી કે કોર્ટથી કબજો લઈને રહીશું. મોહન ભાગવત સંઘના વડા છે, અમે ધર્માચાર્યો છીએ. અમારું ક્ષેત્ર અલગ છે, તેમનું ક્ષેત્ર અલગ છે. તેઓ સંઘના નેતા છે, હિન્દુ ધર્મના નેતા નહીં. રામ મંદિર પર નિવેદન આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. રામભદ્રાચાર્યજીએ કહ્યું હતું કે એક યહૂદીને કોઈ મારી નાખે છે તો ઈઝરાયલ તેની ઐસીતૈસી કરી નાખે છે. હજારો હિન્દુ માર્યા જાય છે, સરકાર કાંઈ કરતી નથી. સરકારે બાંગ્લાદેશને બરાબરનો પાઠ ભણાવવો જોઈએ. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, સત્તા જોઈતી હતી ત્યારે મંદિર-મંદિર કરતા હતા
જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ સંઘ-પ્રમુખ મોહન ભાગવતના નિવેદનને વખોડ્યું છે. શંકરાચાર્યએ તેમના પર આરોપ લગાવ્યો છે કે રાજકીય માહોલ મુજબ નિવેદનો કરે છે. જ્યારે સત્તા મેળવવાની હતી ત્યારે મંદિર-મંદિર કરતા હતા. હવે સત્તા મળી ગઈ એટલે મંદિર નહીં શોધવાની સલાહ આપે છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે એમ પણ કહ્યું, જો હિન્દુ સમાજ પોતાનાં મંદિરોને પુનર્જીવિત કરવા અને સાચવવા માગતો હોય તો એમાં ખોટું શું છે. ભૂતકાળમાં હિન્દુ સમાજ પર ઘણા અત્યાચારો થયા છે અને હિન્દુ ધાર્મિક સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આક્રમણકારો દ્વારા કથિત રીતે તોડી પાડવામાં આવેલાં મંદિરોની યાદી બનાવવી જોઈએ. તેમના ASI સર્વે કરાવી હિન્દુ સમાજનું ગૌરવ ફરીથી સ્થાપિત કરવું જોઈએ. સંતો જે નિર્ણય લેશે એ સંઘે સ્વીકારવો પડશે : સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતી
અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે ધર્મનો મુદ્દો ઊભો થાય ત્યારે ધાર્મિક ગુરુઓએ નિર્ણય લેવો પડે છે અને તેઓ જે પણ નિર્ણય લેશે એ સંઘ અને વિહિપે સ્વીકારવો પડશે. તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ભાગવતે આવી ટિપ્પણીઓ કરી છે છતાં આ વિવાદો વચ્ચે 56 નવાં સ્થળે મંદિરની સંરચનાઓ મળી આવી છે. ધાર્મિક સંગઠનો મોટેભાગે રાજકીય એજન્ડાને બદલે જાહેર જનતાની ભાવનાઓ સંકળાયેલી હોય ત્યાં કામ કરે છે. અડવાણીએ પાકિસ્તાનમાં ઝીણાની કબર પર હાર ચડાવ્યો તો સંઘે રાજીનામું લઈ લીધું હતું
રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના આમંત્રણથી લાલકૃષ્ણ અડવાણી સાત દિવસ માટે પાકિસ્તાન ગયા હતા. 4 જૂન 2005ના દિવસે તેઓ પાકિસ્તાન પહોંચ્યા હતા. અડવાણીની આ બીજી પાકિસ્તાન મુલાકાત હતી. આ પહેલાં તેઓ દેશના માહિતીમંત્રી તરીકે 1979માં પાકિસ્તાન ગયા હતા. ભારતમાં ત્યારે ભાજપ વિપક્ષમાં હતો અને અડવાણી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા. પાકિસ્તાન ગયેલા લાલકૃષ્ણ અડવાણીએ ભારત-પાકિસ્તાનના ભાગલા પડાવનાર નેતા મહમદ અલી ઝીણાને શ્રદ્ધાંજલિ આપી હતી. અડવાણીએ ઝીણાને બિનસાંપ્રદાયિક ગણાવ્યા હતા
આ ઘટના પછી વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ અડવાણી પર નારાજ થયા હતા, પણ અટલ બિહારી વાજપેયીએ અડવાણીનો બચાવ કર્યો હતો. આ એ સમય હતો, જ્યારે સંઘ નેતૃત્વ અડવાણીની વિરોધમાં હતું અને સંઘ ઈચ્છતો હતો કે અડવાણી ભાજપના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દે. અંતે સંઘની જીદને કારણે અડવાણીને રાજીનામું આપવું પડ્યું હતું. અટલજીના નિર્ણયોનો સંઘે વિરોધ કર્યો હતો…
એકવાર અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે હું છેલ્લા શ્વાસ સુધી સંઘનો સ્વયંસેવક રહીશ. આ જ અટલજીને એકવાર સંઘ વચ્ચે સંબંધો બગડી ગયા હતા. વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે બાબરી મસ્જિદ અને ગોધરા અંગેના તેમના વિચારો ખુલ્લા પુસ્તકની જેમ બધાની સામે હતા. બીજી તરફ તેમણે કાશ્મીરના લોકોનાં દિલ પર રાજ કરવાનું શરૂ કર્યું. અલગતાવાદીઓ સાથે વાતચીતનો માર્ગ ખુલ્લો કર્યો. તેઓ પાકિસ્તાનને સમજાવતા હતા કે મિત્રો બદલી શકાય છે, પરંતુ પાડોશીઓ નહીં. જાણે ઈતિહાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો હતો, પરંતુ સંઘનો એક વર્ગ તેમના વિરુદ્ધ થઈ ગયો હતો. તેમની આર્થિક નીતિઓ અને વિદેશી બાબતોનો વિરોધ થઈ રહ્યો હતો. એ વખતે સંઘના વડા સુદર્શન હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે સંઘના પહેલા સ્વયંસેવક વાજપેયી છે. તેમની સરકાર ઘણું સારું કરી શકી હોત, પરંતુ તે એમાં નિષ્ફળ ગઈ. સુદર્શન રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો ન કરી શકવાથી નારાજ હતા. તેઓ એટલે પણ નારાજ હતા કે વાજપેયીના જમાઈ સરકારમાં દખલગીરી કરતા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા અંગે પણ નારાજગી જોવા મળી હતી. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે મિશ્રાની નિષ્ઠા શંકાસ્પદ છે. તેમનો આરોપ હતો કે તેઓ ભાજપ અને કોંગ્રેસ બંને સાથે જોડાયેલા છે. મામલો એ હદે ગયો કે બ્રજેશ મિશ્રાનું એક નિવેદન વિવાદમાં આવ્યું, જેમાં તેમણે ટિપ્પણી કરી હતી કે કૂવાના દેડકા તેમની નીતિઓને સમજી નહીં શકે. સંઘ-પ્રમુખ સુદર્શને કહેલું, હવે અટલજી અને અડવાણીએ ભાજપમાંથી રિટાયર થઈ જવું જોઈએ
ભાજપ હાઇકમાન્ડ માટે સંઘ-પ્રમુખ સુદર્શનના આ પ્રહારોનો સામનો કરવો મુશ્કેલ બની ગયો હતો. એ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી અને મહામંત્રી અરુણ જેટલી હતા. ભાજપ હાઇકમાન્ડે તાત્કાલિક બેઠક યોજી હતી અને એક અખબારી નિવેદન જારી કર્યું કે પાર્ટીને અટલ અને અડવાણીના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ છે. અટલજીની સરકારના કુલ છ વર્ષમાં દેશ વિકાસ અને સ્થિરતા સાથે આગળ વધ્યો છે. સંઘના વડા સુદર્શન સ્પષ્ટ વક્તા હતા. તેમણે તો એકવાર કહી દીધું હતું કે અટલજી અને અડવાણીની હવે ઉંમર થઈ, બંનેએ ભાજપમાંથી રિટાયર થઈ જવું જોઈએ. છેલ્લે, અટલજીની જન્મ શતાબ્દી નિમિત્તે ઉત્તરપ્રદેશમાં એક કાર્યક્રમ થયો. એમાં કવિ કુમાર વિશ્વાસે કહ્યું હતું કે તમારાં બાળકોને રામાયણ, મહાભારત વંચાવો અને શીખવો. એનાથી ફાયદો થશે. મને ફાયદો થયો. જ્યારે મેં મહાભારત વાંચ્યું ત્યારે મને ખબર હતી કે જો મિત્ર દુર્યોધન જેવો નીકળે તો રથમાંથી ઊતરીને ભાગો, નહીંતર કર્ણની જેમ માર્યા જશો. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments