back to top
Homeગુજરાતઆજે 20 જિલ્લામાં વરસાદની આગાહી:આગામી 3 દિવસ કમોસમી વરસાદ રાજ્યના ચારેય ઝોનના...

આજે 20 જિલ્લામાં વરસાદની આગાહી:આગામી 3 દિવસ કમોસમી વરસાદ રાજ્યના ચારેય ઝોનના ખેડૂતોને રડાવશે; ગાઢ ધુમ્મસથી વાહનચાલકો પરેશાન

ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર ઉપર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરશિયાળે ભાદરવાના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે. આજથી ત્રણ દિવસ એટલે કે, 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે, 2.5 મિમીથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ પડે તેવી વકી છે. આ દરમિયાન પ્રતિકલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. કમોસમી વરસાદની શક્યતા 51%થી 75% છે. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી વધશે, એટલે ઠંડી ઘટશે. બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે. કારણ કે, ગાઢ ધુમ્મસને કારણે શિયાળા પાક પર અસર થઈ રહી છે, તેમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. હાલ ખેડૂતો કુદરતને એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે, આ ઘાત માથેથી ટળે… માવઠાં વિશે જ્યોતિષશાસ્ત્રી શું કહે છે?
જ્યોતિષાચાર્ય આશિષ રાવલના કહેવા પ્રમાણે, ધનસંક્રાંતિમાં કર્ક રાશિમાં મંગળનું વક્રીભ્રમણ છે. સાથે વૃશ્ચિકના બુધ ગ્રહ પર શનિની દસમી દૃષ્ટિ પડતી હોવાથી બેઠી ઠંડી વધે. માવઠું પણ પડી શકે. ગાઢ ધુમ્મસ સાથે ભારે પવન ફૂંકાવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહ્યું છે, જેથી આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનું જોર ઓછું રહેશે. ત્યારબાદ ધીમે ધીમે ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થતા ફરી એક વખત ઠંડીનું મોજું ફરી વળશે. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયેલું છે, જે બપોર સુધી યથાવત્ રહેવાની શક્યતાઓ છે. વરસાદની આગાહી સાથે પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથવા તો તેનાથી પણ વધુ ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે. સુરતમાં સૌથી વધુ ભેજનું પ્રમાણ નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં ગતરાત્રિએ 9.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં સૌથી વધુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરા શહેર ગતરાત્રિ દરમિયાન સૌથી ઓછી ઠંડી ધરાવતું શહેર નોંધાયું હતું, જ્યાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 18.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વહેલી સવારે સુરતમાં સૌથી વધુ 92% ભેજનું પ્રમાણ વાતાવરણમાં નોંધાયું હતું. એટલે કે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
મહેસાણાના ખેરવા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લા પાંચેક દિવસથી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતાં ધુમ્મસ અને ઝાકળવર્ષા થઈ રહી છે, એમાં પણ આજથી માવઠાંની શક્યતા છે. ડહોળાયેલા વાતાવરણની સીધી અસર મોટાભાગના પાકો પર પડી શકે છે. જેમાં રાઈના પાકમાં મોલોમસી નામની જીવાત પડી શકે છે. તેમજ વરિયાળી અને જીરુંના પાકમાં ચરમીના રોગની શક્યતા છે. આ ઉપરાંત દિવેલાના પાકમાં કાતરા પડવાની સાથે બેઠેલી માળ પડી જવાની શક્યતા વધી જશે. પાટણ જિલ્લામાં શિયાળુ પાક વાવેતર વિસ્તારની દૃષ્ટિએ જોતા જિલ્લાના સરસ્વતી તાલુકામાં 6000 હેક્ટર વિસ્તારમાં પિયત ઘઉંનું વાવેતર થયેલ છે. જ્યારે રાધનપુર પંથકમાં 4965 હેક્ટર અને પાટણ પંથકમાં. 4014 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયેલું છે. જિલ્લાના સાંતલપુર તાલુકામાં 27240 હેક્ટરમાં જીરું વવાયું છે. તે ઉપરાંત રાધનપુર પંથકમાં પણ 8285 હેક્ટરમાં જીરાનું વાવેતર થયેલ છે. ચણાની વાત કરવામાં આવે તો જિલ્લાના સમી તાલુકા પંથકમાં 33400 હેક્ટરમાં અને શંખેશ્વર વિસ્તારમાં 21020 હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવેલ છે. રાઈના વાવેતરની વાત કરવામાં આવે તો જિલ્લામાં સરસ્વતી તાલુકા વિસ્તારમાં 6500 હેક્ટર અને પાટણ તાલુકા વિસ્તારમાં 4291 હેક્ટર વિસ્તારમાં રાઈનું વાવેતર કરવામાં આવેલ છે. આ ઉપરાંત ચાણસ્મા પંથકમાં 3150, હારીજ પંથકમાં 3250, સાંતલપુર તાલુકામાં 2805 હેક્ટરમાં અને સિદ્ધપુર પંથકમાં 2200 હેક્ટરમાં રાઈનું વાવેતર થયેલું છે. પાટણ જિલ્લામાં મુખ્ય શિયાળુ પાકો ઉપરાંત 6432 હેક્ટરમાં તમાકુ, 4820 હેક્ટરમાં ઇસબગુલ, 9817 હેક્ટરમાં સવા તેમજ 31339 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવેલ છે. આ ઉપરાંત 10379 હેક્ટરમાં અજમો પણ વવાયો છે. જોકે, જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતી, હારીજ પંથકમાં ખેડૂતો દ્વારા બટાટાનું પણ વાવેતર કરાયું છે. વળી, જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં 130 હેક્ટરમાં ડુંગળીનું પણ વાવેતર થવા પામેલ છે. હાલમાં શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની માગ વધુ રહેતી હોવાથી 1957 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરાયું છે. સાથે લીલું લસણ પણ ખેડૂતો દ્વારા વવાયું છે. જોકે, પાટણ પંથકમાં શિયાળામાં લાલચટક ગાજરનું ઉત્પાદન મોટાપાયે થતું રહ્યું છે, પરંતુ હાલમાં અત્યારની સ્થિતિએ પાટણ પંથકમાં 297 હેક્ટરમાં ગાજરનું વાવેતર થવા પામેલ છે કમોસમી વરસાદ પડે તો કચ્છમાં હાલ બાગાયત પાકમાં દાડમના ફાલ ઝાડ ઉપર હોવાથી નુકસાન પામી શકે છે, જ્યારે રોકડિયા પાકમાં કપાસને હાનિ પહોંચવાની ભીતિ છે. શિયાળુ પાકમાં ઘઉં, જીરું, દિવેલા, એરંડા અને રાયડો સહિતના પાકમાં અંકુર ફૂટતા હોઇ આ પાકોમાં ખાસ અસર પહોંચશે નહિ. જિલ્લાઓ પ્રમાણે વાવેતર
આણંદઃ તમાકુ, કપાસ, ઘઉં, રાઈ, દિવેલા, રાજગરા, શાકભાજી અને ફૂલો.
અમરેલીઃ ઘઉં, જીરું, ચણા, ડુંગળી સહિતના પાકનું વાવેતર.
ભરૂચઃ તુવેર અને કપાસનો મુખ્ય પાક.
વલસાડઃ શાકભાજીનું 4,913 હેક્ટરમાં, ઘાસચારાનું 4170 હેક્ટરમાં, તુવેરનું 1859 હેક્ટરમાં, શેરડીનું 2069 હેક્ટરમાં, ચણાનું 2474 હેક્ટરમાં, આંબાવાડી 37,000 હેક્ટર જમીનમાં વાવેતર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments