દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે.
રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવ્યા બાદ બાકી રહેતા અધિકારીઓને તેમની બદલીનો વસવસો રહી ગયો હોય એવો ઘાટ ઘડાયો હતો. આ પછી નવા વર્ષની શરૂઆત સુધીમાં તેમને પણ બદલીમાં નવું સ્થાન મળી જશે એવું ખુદ બાકી રહેલા IPS અધિકારીઓ જ કહેતા હતા. જોકે, હવે આ બદલીનો લીથો પણ ગોટે ચડ્યો છે હવે આ બદલીના લીથાને પણ કમૂર્તાનું ગ્રહણ લાગી ગયું છે. હોળાષ્ટક સુધી આ ગ્રહણ ચાલુ રહે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે વાત એમ છે કે, હવે આ બાકી રહેલા IPS અધિકારીઓના બદલીનો બીજો લીથો બે કે ત્રણ મહિના પછી બહાર પાડવામાં આવશે. સામાન્ય રીતે હોળાષ્ટક ઉતર્યા પછી સારા કર્યો થાય એવું માનવામાં આવતું હોય છે અને હોળાષ્ટક માર્ચ મહિનામાં ઉતરે તો બાકી રહેલા IPS અધિકારીઓ પોતાની બદલી માર્ચ 2025 આસપાસના સમયમાં થશે એવું માની રહ્યા છે. પોલીસકર્મીઓ પણ પૂછતાં થયા- ‘આજે ક્યા ચેકિંગ લાગે છે?’
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કંટ્રોલમાં લાવવા ઉચ્ચ અધિકારીઓએ સરપ્રાઈઝ ચેકિંગનું આયોજન કર્યું છે. જોકે, આ ચેકિંગથી પોતાના વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવાનું પસંદ કરતા પોલીસ કર્મીઓ અવઢવમાં પડી ગયા છે. અમુક વાહનોમાં તો બ્લેક ફિલ્મની સાથે નંબર પ્લેટ પણ ગુમ છે. જો આ સરપ્રાઈઝ ચેકિંગમાં અધિકારી હાજર હોય અને તેમની ગાડીઓ સામે આવે તો શું જવાબ આપે? આ ચિંતાને હળવી કરવા માટે તેઓ રોજ સાંજે પોતાના મિત્રોને પૂછતા રહે છે કે, આજે ક્યા ચેકિંગ લાગે છે? બુલડોઝર ફર્યું તે જગ્યાએ તો પોલીસ કર્મીઓની મહેફિલ જામતી
અમદાવાદમાં તાજેતરમાં પૂર્વ વિસ્તારમાં ગુનેગારોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જેને લઈને એક એવી ચર્ચા શરુ થઈ છે કે જ્યાં તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ત્યાં કેટલાક પોલીસ કર્મચારીઓ રાતે દારૂ અને મુરઘીની પાર્ટીઓની મહેફિલ માણવા પહોંચી જતા હતા. જો આ પોલીસ કર્મીઓ ઊઘાડા પડે તો ગુનેગારોનો ત્રાસ ઘટે ને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ રહે. પીઆઈએ જાદુગર એનો એ જ રાખ્યો પણ નવું નામ લાવ્યા
પોલીસકર્મીઓના બદલીના દૌરમાં એક પોલીસકર્મીએ શહેર તો છોડ્યું પણ કારોબાર ન છોડી શક્યા. ઉચ્ચ અધિકારીઓના કાને વાત પહોંચતા કારોબાર સંભાળનારનું નવું નામ લાવ્યા ને પોલીસકર્મીએ કારોબાર છોડી દીધો હોવાની વાત ફેલાવી. જોકે, હજુ પણ પડદા પાછળનો જાદુગર તો એ જ રાખ્યો હોવાની વાત ચર્ચાઈ રહી છે. શહેરથી દૂર રહીને પણ પોલીસકર્મી પોતાનો કારોબાર સંભાળે છે ને બદનામ ન થવાય તે માટે કારોબારમાં નવુ નામ લાવવામાં આવ્યું પીએસઆઈને જ કહી દીધુ- સસ્પેન્ડ કરવો હોય તો કરી દો
પોલીસ બંદોબસ્તમાં એક પીએસઆઇએ પોલીસકર્મીને તોછડાઈથી નજીક ઊભુ રહેવાનું કહેતા જબરો વીફર્યો. ગાળ આપીને સસ્પેન્ડ કરવો હોય તો કરી દો સુધીની વાત કરી દીધી. જોકે, પોલીસકર્મીની ઉશ્કેરણી ભરેલા વર્તનનો પીએસઆઈએ વળતો જવાબ આપ્યો નહોતો. આ પોલીસકર્મીએ અગાઉ પણ એક અન્ય ધર્મના પીએસઆઈ ભેદભાવ કરતા હોવાથી આ પ્રકારે જવાબ આપી રવાના કરી દીધા હતા. અધિકારીની બદલી થઈ તો પણ પોલીસ સ્ટેશનનો મોહ ન છૂટ્યો
વડોદરા શહેરના એક પોલીસ અધિકારી જે પોલીસ સ્ટેશનમાં જાય ત્યાં વિવાદમાં ઘેરાયેલા રહે છે. તાજેતરમાં જ હિટ એન્ડ રનમાં થયેલા વૃદ્ધના મૃત્યુના એક કેસમાં આ પોલીસ અધિકારીએ ભીનુ સંકેલવાનો પ્રયાસ કર્યો અને આરોપી બિલ્ડર પુત્રને ધરપકડ કર્યાના 3 કલાકમાં છોડી દીધો હતો. જો કે, હવે તેમની લીવ રિઝર્વમાં બદલી કરી દેવામાં આવી છે. આ પહેલા આ પોલીસ અધિકારી જે પોલીસ સ્ટેશનમાં હતા તે વિસ્તારમાં બેફામ દારૂનું કટિંગ થતું હતું. જેથી, સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડીને લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો. હદ તો ત્યાં ગઇ હતી કે, 10 મહિના પહેલા તેમની બદલી થઈ તો ચાર્જ છોડવા તૈયાર નહોતા અને સામેથી હાજર થવા આવેલા પોલીસ અધિકારીને કહી દીધુ હતું કે, હું પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડવાનો નથી. મારો ઓર્ડર રદ્દ થયો છે. જેને પગલે સામેથી આવેલા પોલીસ અધિકારી પણ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. હાઇકોર્ટે ફરી રાજકોટ પોલીસની ઝાટકણી કાઢી
રાજકોટમાં વેપારીને અરજીના કામે બોલાવી તમારા વિરુદ્ધ ગુનો દાખલ થશે તેમ કહી તેની કિંમતી કાર સર્વિસ સેન્ટરમાંથી બોલાવી લઇ અરજદારને પરત અપાવી હવાલો લીધાના કેસમાં હાઈકોર્ટે ફરી એક વખત રાજકોટ પોલીસની ઝાટકણી કાઢી છે. ડીસીબી પોલીસ સ્ટેશનના CCTV સાચવીને રાખવાની ટકોર સામે હાઈકોર્ટમાં રજુ થયેલા DCPના રીપોર્ટમાં ડીસીબી પોલીસમાં તો CCTV છે જ નહિ એવું જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ અરજી અંગે પોલીસ કમિશનરને જાણ નહિ કરનાર પી.આઈ. અને કોન્સ્ટેબલને સાઈડલાઈન નહિ સ્ટ્રોંગ મેસેજ જાય એવી દાખલારૂપ કાર્યવાહી કરવા હાઈકોર્ટે ટકોર કરી છે. જોકે, આ બધુ તો ઠીક પણ હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં CCTV કેમેરા ઇન્સ્ટોલ કરાવવામાં આવશે કે કેમ અથવા તો કેટલા સમયમાં કરાવવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. ‘કાનૂન કે હાથ લંબે હોતે હે…’ કહેવત રાજકોટ પોલીસ માટે ખોટી સાબિત થઇ
આપણી ગુજરાતી ભાષામાં ઘણી બધી કહેવતો લખાઈ છે અને તે સાચી પણ હોય છે પરં,તુ આ બધા વચ્ચેની એક એવી કહેવત જે રાજકોટ પોલીસ માટે ખોટી સાબિત થઇ રહી હોય એવું લાગી રહ્યું છે. ‘કાનૂન કે હાથ લંબે હોતે હે…’ આ કહેવત બધાએ સાંભળી છે પરંતુ, રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસમાં પખવાડિયા પૂર્વે નોંધાયેલ ડુપ્લિકેટ દસ્તાવેજ કૌભાંડમાં આ કહેવત ખોટી સાબિત થઇ રહી છે કારણ કે, કોઈ મોટા હાર્ડ કોર ક્રિમિનલ ન કહી શકાય એવા બોગસ દસ્તાવેજ કૌભાંડના સામાન્ય બે આરોપીને પોલીસ હજુ સુધી પકડી શકતી નથી અને આજે 15 દિવસથી બંને મુખ્ય આરોપીઓ નાસ્તા ફરે છે, જે પોલીસને સીધો પડકાર ફેંકી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કરી રહી છે. તાજેતરમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 12 વર્ષ પહેલા થયેલ ડબલ મર્ડર કેસમાં છેક યુપીથી આરોપીને ઝડપી લાવતા સારી પ્રશંસા મેળવ્યા બાદ હવે આ સામાન્ય આરોપીને પણ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડે તો કાનૂન કે હાથ લંબે ની કહેવત સાચી ઠરી જાય એટલે ફરી બેય સચવાય જાય એક તો રાજકોટ પોલીસની આબરૂ અને બીજું વડવાઓએ લખેલી સાચી કહેવત. સુરતમાં 15 દિવસમાં સ્ટેટ વિજિલન્સની 5 રેડ
છેલ્લા 15 દિવસમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા સુરત શહેર અને જિલ્લામાં પાંચ રેડ કરી અફરાતફરીનો માહોલ સર્જી દીધો છે. કેસ હોવા છતાં અત્યાર સુધી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી ન થતા અનેક તર્ક-વિતર્ક પણ સર્જાયા છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા 15 દિવસમાં સુરત શહેરમાં બે અને જિલ્લામાં ત્રણ રેડ કરવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે, જિલ્લાના માત્ર કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ 12 દિવસની અંદર ત્રણ રેડ કરાઈ છે. એક જ પોલીસ સ્ટેશનમાં જ્યારે આટલી મોટી કાર્યવાહી થાય ત્યારે પોલીસ મહેકમના લોકો પણ જોતા હોય છે કે, હવે કઈ કાર્યવાહી થશે પરંતુ, અત્યાર સુધી સુરત શહેર કે જિલ્લામાં જે-તે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા સ્ટેટ વિજિલન્સની રેડ બાદ પણ કોઈ ઠોસ કાર્યવાહી ન થતા તેની પાછળ કારણ શું-શું હોઈ શકે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે..