અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે યુક્રેન પર રશિયન મિસાઈલ અને ડ્રોન હુમલાની નિંદા કરી છે. બાઈડને આરોપ લગાવ્યો હતો કે રશિયાએ મિસાઈલ અને ડ્રોન હુમલા દ્વારા યુક્રેનના એનર્જી ગ્રીડને નિશાન બનાવ્યું છે. તેના દ્વારા રશિયા શિયાળામાં યુક્રેનિયન લોકોને વીજળીનો પુરવઠો બંધ કરવા માંગે છે. રશિયન હુમલાની નિંદા કરતા, બાઈડને પણ યુક્રેનને સમર્થન આપ્યું હતું. બાઈડનના મતે અમેરિકાએ છેલ્લા કેટલાક મહિનામાં યુક્રેનને સેંકડો મિસાઈલો આપી છે. બાઈડને કહ્યું કે અમેરિકા યુક્રેનને હથિયારોનો સપ્લાય વધારશે. યુક્રેનને ટૂંક સમયમાં મિસાઈલોની નવી બેચ આપવામાં આવશે. આ માટે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને મિસાઇલોની સપ્લાય ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. તેમણે વિશ્વના અન્ય દેશોને પણ યુક્રેનને મદદ કરવા કહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેનના લોકોને શાંતિ અને સુરક્ષા સાથે રહેવાનો અધિકાર છે. બાઈડને કહ્યું કે જ્યાં સુધી યુક્રેન રશિયા સામે જીતશે નહીં ત્યાં સુધી અમે તેને સમર્થન આપવાનું ચાલુ રાખીશું. રશિયન હુમલામાં 1નું મોત, 21 ઘાયલ રશિયાએ પોતાના હુમલામાં યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા હતા. યુક્રેનિયન એરફોર્સના જણાવ્યા અનુસાર, રશિયાએ હુમલા માટે 78 મિસાઈલ અને 106 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 21 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનના મીડિયા અનુસાર સૌથી મોટો હુમલો ખાર્કિવ શહેર પર કરવામાં આવ્યો હતો. આ સિવાય ડીનિપ્રો, ક્રેમેન્ચુક, ક્રિવી રિહ અને ઇવાનો-ફ્રેન્કિવસ્ક પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. અહીં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે રશિયાએ બ્લેસ્ટીક મિસાઈલો વરસાવી હતી. ખાર્કિવના ગવર્નરે જણાવ્યું હતું કે રશિયાએ તેમના શહેર પર ઓછામાં ઓછી 7 મિસાઇલો વરસાવી હતી, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ યુક્રેનના ઘણા શહેરોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ઝેલેન્સકીએ કહ્યું- પુતિન માણસ નથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ તેને ‘અમાનવીય’ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પુતિન માણસ નથી. હુમલા માટે તેઓએ જાણી જોઈને ક્રિસમસનો દિવસ પસંદ કર્યો. તેમજ, યુક્રેનની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની DTEKએ કહ્યું કે યુક્રેનની ઊર્જા વ્યવસ્થા પર રશિયાનો આ 13મો મોટો હુમલો છે. રશિયાએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના હોમ ટાઉન ક્રીવી રિહ પર પણ મિસાઈલ હુમલો કર્યો છે. એક એપાર્ટમેન્ટ પર બેલેસ્ટિક મિસાઇલ વરસાવી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 15 ઘાયલ થયા હતા. તેમજ, યુક્રેનના અન્ય શહેર ડિનિપ્રો પર મિસાઇલ હુમલા થયા હતા. રશિયાના વિદેશ મંત્રીએ યુક્રેનને ચેતવણી આપી હતી અગાઉ, રશિયન વાયુસેનાએ કહ્યું હતું કે તેઓએ 24-25 ડિસેમ્બરની રાત્રે 59 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુક્રેનિયન હુમલા અંગે ચેતવણી આપી છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે યુક્રેનની સરકાર નાગરિકોને નિશાન બનાવી રહી છે. લાવરોવે ચેતવણી આપી હતી કે જો યુક્રેનનો હુમલો ચાલુ રહેશે તો રશિયા વધુ કડક પગલાં લેશે. આ પહેલા 21 ડિસેમ્બરે યુક્રેને 8 ડ્રોન વડે રશિયન શહેર કઝાન પર હુમલો કર્યો હતો. તેમાંથી 6 હુમલા રહેણાંક મકાનો પર થયા હતા. કઝાન શહેર રશિયાની રાજધાની મોસ્કોથી 720 કિલોમીટર દૂર છે. યુક્રેને શુક્રવારે પણ રશિયાની કુર્સ્ક બોર્ડર પર અમેરિકન મિસાઇલો વરસાવી હતી. જેમાં 6 લોકોના મોત થયા હતા. થોડા સમય બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.