વિવેકસિંહ રાજપૂત
સીટીએમમાં રાષ્ટ્રભારતી સ્કૂલ પાછળ કલેક્ટર કચેરીના વર્ગ-3ના કર્મચારીઓ માટે 15686 ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જો કે, હાલ આ જમીન પર અસામાજિક તત્ત્વોએ ગેરકાયદે કબજો જમાવી દીધો છે. 7/12ના ઉતારામાં આ જમીન સરકારના નામે બોલે છે
પરંતુ અહીં 60થી વધુ કાચાં-પાકાં બાંધકામ તેમજ ગોડાઉન ઊભા કરી માત્ર રૂ.10ના સ્ટેમ્પ પર તેનો સોદો કરાય છે.
સરકારી દસ્તાવેજ મુજબ સરવે નંબર 228, ટીપી નંબર 251 અને ફાઈનલ પ્લોટ નંબર 72 પરના પ્લોટ પર ગેરકાયદે કરાયેલા બાંધકામ દૂર કરવા કોઈ કાર્યવાહી કરાઈ નથી. સ્થાનિક અસામાજિક તત્ત્વોએ આ જમીન પર કબજો જમાવી બહારથી આવેલા શ્રમજીવીઓને 80 હજારથી 1 લાખમાં કાચાં-પાકાં મકાન વેચ્યા છે. અત્યારે આ જમીનની બજાર કિંમત અંદાજે 80 કરોડ છે. ગેરકાયદે બાંધકામ કરી બેરોકટોક વેચાણ કરાય છે કે ભાડેપટ્ટે અપાય છે. અસામાજિકતત્ત્વો 80 હજારથી લાખ રૂપિયા વસૂલી સાદા કાગળ પર 10 ટકા રકમનું લખાણ કરી આપે છે. આ જમીન પર પાણીની લાઈન પણ નખાઈ ગઈ છે. કલેક્ટર ઓફિસના કહેવા મુજબ આ તત્ત્વો કોર્ટમાં કેસ લાંબો ખેંચી રહ્યા છે. મણિનગરના મામલતદારે 2022માં આ જમીન ખાલી કરાવવાનો હુકમ કર્યો હતો. પરંતુ હજુ સુધી તેનું પાલન કરવામાં આવ્યું નથી. મકાનો અને ગોડાઉન વેચવાનો કે ભાડેપટે આપવાનો વેપલો છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો હોવા છતાં સરકારને કશી જાણ નથી. અસામાજિકતત્ત્વો પાસેથી કબજો લેવા કોઈ કાર્યવાહી થતી નથી. 7/12માં સરકારનું નામ બોેલે છે, પચાવી પાડેલી જમીન પર પાણીની ગેરકાયદે લાઈન પણ નખાઈ ગઈ 1 લાખ સુધીમાં દુકાન-મકાન વેચાય છે 10 વર્ષથી જમીન પર મકાન બનાવી વેચવાનું કૌભાંડ શરૂ થયું, બહારથી આવતાં શ્રમજીવીઓને રૂ. 80 હજારથી રૂ.1 લાખમાં વેચી દેવાયાં કાચાં-પાકાં મકાન, પેપર, ભંગાર જેવી વસ્તુઓના શેડવાળા ગોડાઉન બન્યાં
પચાવી પાડવામાં આવેલી જગ્યામાં કાચાં-પાકાં મકાન, પતરાવાળાં મકાનો બનાવી દેવાયાં છે. ઉપરાંત નાનાં-મોટાં પેપર, ભંગાર અને અન્ય વસ્તુઓનાં ગોડાઉન બનાવી દેવાયાં છે. જોકે તેમાંથી અમુક બાંધકામ વેચી દેવાયાં છે અને અમુક ભાડાપટ્ટે આપી દેવાયાં છે. અહીંના કેટલાંક કાચાં બાંધકામમાં અગાઉ આગની ઘટનાઓ પણ બનેલી છે, પણ હજુ સુધી તંત્રે કોઈ ગંભીરતા દાખવી નથી. 10 બાય 10ના રૂમ મહિને રૂ.3થી 4 હજારના ભાડાપટ્ટે આપી દેવાય છે
સરકારી કર્મચારીઓ માટે ફાળવાયેલી જમીન પર 10 બાય 10ના રૂમ બનાવી તેને મહિને 3થી 4 હજાર ભાડાપટ્ટે આપી દેવાયા છે. જ્યારે મોટાં મોટાં ગોડાઉનના મહિને રૂ. 15થી 20 હજાર સુધીનાં ભાડાં લેવાય છે. હજુ અહીં 20 ટકા જેટલી જમીન ખાલી છે, પરંતુ કલેક્ટર કચેરીમાં ચાલી રહેલા કેસની જ્યારે પણ મુદત પડે છે ત્યારે કોઈ જતું નથી. અધિકારીઓ પણ તેમાં રસ દાખવતા નથી. જ્યારે ચુકાદો આવશે ત્યારે પ્લોટને ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવશે
કબજો ધરાવતા લોકોએ પૂર્વ વિસ્તારની ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં કેસ કર્યો છે. તેની પર હાલ સુનાવણી ચાલી રહી છે. ઉપરાંત જ્યારે આ કેસનો ચુકાદો આવશે ત્યારે પ્લોટને ખાલી કરાવવાનો નિર્ણય લેવાશે. દબાણ દૂર કરવા અંગે જ્યારથી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારથી ખૂબ જ સાવચેતી રાખીને પ્લોટ ખાલી કરાવવા માટે નિર્ણય લેવામાં આવતો હોય છે.
દીવાકર બધેકા, મામલતદાર, મણિનગર