જયરામ મહેતા
કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા આખા દેશમાં અત્યારે પ્રકૃતિ પરીક્ષણ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ આના માટે 32 આયુર્વેદ કોલેજ સહિત 40 જેટલા ઇન્સ્ટિટ્યૂટ – સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ પરીક્ષણ કામગીરી માટે આયુર્વેદ કોલેજો અને અને પ્રાઇવેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી, ટીચર્સ, પ્રેક્ટિસનર્સ અને મેડિકલ ઓફિસર્સને કામે લગાવી દેવાયા છે. તેમને પ્રોત્સાહન આપવા માટે 50 પરીક્ષણ કરો તો હાજરીમાંથી છૂટ, 500 કરોડો પરીક્ષામાંથી મુક્તિ અને 1 હજાર પરીક્ષણ કરો તો ઇન્ટરનલ માર્ક્સ જેવી ઑફર્સ કરવામાં આવી છે. આ ઑફરનું પરિણામ એ આવ્યું છે કે એક પરીક્ષણમાં સરેરાશ 20 મિનિટ જેટલો સમય લાગતો હોવા છતાં એક-એક વ્યક્તિ રોજના સરેરાશ 100 પ્રકૃતિ પરીક્ષણ કરી દેતા હોવાનું સામે આવ્યું છે.
એક પ્રકૃતિ પરીક્ષણ કરવા માટે 22 મુખ્ય પ્રશ્ન અને તેના પેટા પ્રશ્નો સહિત કુલ 84 સવાલો પૂછીને એના જવાબ સબમીટ કરવાના હોય છે, એના માટે ઓછામાં ઓછી 20થી 30 મિનિટ જોઈએ. એ દૃષ્ટિએ જોઈએ તો, તાર્કિક રીતે દરરોજ સતત 10 કલાક આ જ કામ કરવામાં આવે તો પણ રોજના વધુમાં વધુ 25થી 30 પરીક્ષણ થઈ શકે. પણ, આ વાસ્તવિકતાને નજરઅંદાજ કરીને પોતાની સંસ્થા કે ઇન્સ્ટિટ્યુશન અન્ય કરતાં આગળ રહે એ માટે ગુજરાતની ઘણી કોલેજોમાં તો વિદ્યાર્થીને રોજ 50, 70 કે 100 પરીક્ષણ કરવાના ટાર્ગેટ અપાયા છે. એક દિવસમાં એક જ વોલન્ટિયર આટલા પરીક્ષણ સાચી રીતે કોઈપણ સંજોગોમાં કરી શકે નહીં. આમ છતાં, વોલન્ટિયર્સ દ્વારા ખોટી રીતે જવાબો ભરીને લક્ષ્યાંક પૂરા કરાઈ રહ્યા છે. પરિણામે, આયુષ મંત્રાલયના એક ઉત્તમ વિચારનું ગુજરાતમાં પડીકું વળી ગયું છે. દેશના તમામ નાગરિકોને પોતાની પ્રકૃતિ જાણવાનો અધિકાર છે અને દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને એ માટે આખા દેશમાં શરૂ થયેલા આ પ્રકૃતિ પરીક્ષણમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે મૂળ હેતુ ભૂલી જઈને બધા માત્ર આંકડા વધારવાની હોડમાં લાગી ગયા છે. ગુજરાતની 32 આયુર્વેદ કોલેજ સહિત 40 સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી આવી રીતે થાય છે ખોટાં પરીક્ષણ
જે નાગરિકનું પ્રકૃતિ પરીક્ષણ કરવાનું હોય તેની શારીરિક માનસિક સ્થિતિ જાણવા માટે તેને 84 પ્રશ્નો પૂછવાના હોય છે. આ પ્રશ્નો પૂછીને તેના જવાબો પ્રકૃતિ પરીક્ષણની એપમાં ટીક કરીને પછી સબમિટ કરવાના હોય છે. આટલી લાંબી પ્રક્રિયાની કડાકૂટમાં અસંભવ ટાર્ગેટ ક્યારેય પુરા ન થાય. આથી, વોલન્ટિયર્સ દ્વારા જે નાગરિકનું પ્રકૃતિ પરીક્ષણ કરવાનું હોય તેની પાસેથી એપમાં આવેલો ક્યુઆર કોડ મંગાવી લેવામાં આવે છે અને પછી તેના આધારે નાગરિકના જવાબો જાતે જ ભરીને મિનિટોમાં સબમીટ કરી દેવામાં આવે છે. આથી તેનું પ્રકૃતિ પરીક્ષણ થઈ ગયાની નોંધ પડી જાય છે પણ તેની સાચી પ્રકૃતિ એ નાગરિકને પોતાને પણ ખબર પડતી નથી.
NCISMની મિટિંગમાં પણ આ મુદ્દો ચર્ચાયો : પ્રેસિડેન્ટે કહ્યું, અમે ફિલ્ટર ગોઠવ્યું છે
આખા દેશમાં આયુષનું સંચાલન કરતા રેગ્યુલેટરી બોર્ડ NCISMની મિટિંગમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. ખોટી રીતે પરીક્ષણ થતું હોવાની બાબત અંગે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. મુકુલ પટેલે રેગ્યુલેટરી બોર્ડનું ધ્યાન દોર્યું હતું ત્યારે NCISMના પ્રેસિડેન્ટ ડો. રાકેશ શર્માએ કહ્યું હતું કે, ‘આવું આખા દેશમાં ઘણી જગ્યાએ થતું હોય છે એટલે અમે એના માટે ફિલ્ટર ગોઠવેલું જ છે. રીયલ ડેટા જ આવે એવું કર્યું છે એટલે આઈપી એડ્રેસ પરથી અમને ખબર પડી જશે.’ આગળ રહેવાની લ્હાયમાં આયુષ મંત્રાલયનો એક ઉત્તમ વિચાર ટાર્ગેટ બેઇઝ્ડ બની ગયો આવી લાલચો અપાઈ, જેથી અસંભવ લક્ષ્યાંકો પણ સાચી ખોટી રીતે પુરા થવા માંડ્યા
રોજના 50થી વધુ પરીક્ષણ કરે એની અટેન્ડન્સ પુરાઈ જાય
મેડિકલ સ્ટુડન્ટ 500 પ્રકૃતિ પરીક્ષણ કરે તો એને પરીક્ષામાંથી મુક્તિ !
રોજના 50થી માંડીને 100 અને કુલ 500થી 1000 પરીક્ષણ કરવામાં ઇન્ટર્નલ માર્કસની લ્હાણી