રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ફાઇનાન્સ કંપનીઓ અને બેંકોની લોન નહીં ચુકાવનારા આસામીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જુદા જુદા બે કિસ્સામાં આવી મિલકતો કબ્જે કરવામાં આવી ચૂકી છે. ત્યારે આજે પૂર્વ મામલતદાર એસ. જે. ચાવડા સહિતનાં અધિકારીઓ દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ વધુ એક મિલકતનો કબ્જો લેવામાં આવ્યો હતો. જેમાં પિરામલ કેપિટલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા મુસ્તાકભાઈ મહંમદભાઈ હેમનાણી અને રેશમાબેન મુસ્તાકભાઈ હેમનાણીની દૂધસાગર રોડ પરની મિલકત કબ્જે કરવામાં આવી હતી. વોર્ડ નંબર 12 સીટી સર્વે નંબર 4778માં આવેલ “રબ્બાની કોમ્પલેક્ષ” નામની બિલ્ડીંગના ત્રીજા માળ પર આવેલ ફ્લેટ નંબર 218નો કબ્જો કલેક્ટર તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. અને રૂ. 31 માર્ચ-2016 સુધીના બાકી રૂ. 1,58,360 પેટે આ મિલકતનો કબ્જો પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના અધિકૃત અધિકારીને સોપવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલ આ કાર્યક્રમમાં નવા 7 પ્રશ્નો તેમજ 8 પેન્ડીંગ પ્રશ્નોની સમીક્ષા કરવામા આવી હતી. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં ટી.પી. શાખાને લગતા પ્રશ્ન, સિંચાઈ વિભાગ માર્ગ અને મકાન વિભાગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, નેશનલ હાઈવે સહિત કચેરી ખાતે રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા જિલ્લા કલેકટરએ કરી હતી. અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન સહિત સંબંધિત સરકારી અધિકારીઓ તેમજ અરજદારો હાજર રહ્યા હતા. ઋષિકેશ પટેલ ભાવનગર, જુનાગઢ, રાજકોટ ને જામનગરની મુલાકાત લેશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટલે આવતીકાલે તારીખ 7 ડિસેમ્બરથી તા. 29 ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે છે. જેમાં તેઓ ભાવનગર, જુનાગઢ , રાજકોટ અને જામનગર જિલ્લાની મુલાકાત કરશે. તેઓ 27નાં ભાવનગર ખાતે વડાપ્રધાનના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, ભાવનગર સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે. તા. 28 ડિસેમ્બરના રોજ જુનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ , સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી વિવિધ રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા કરશે. જેમાં હોસ્પિટલની મુલાકાત લઇને ત્યાની પરિસ્થિતિ, મુખ્ય જરૂરિયાતો, આગામી ડેવલપમેન્ટ પ્લાનની પણ માહિતી મેળવશે. આ સિવાય તા. 29 ડિસેમ્બરે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજીત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્વસ-2024માં પણ ઉપસ્થિત રહેશે. મનપાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા વધુ 4 કિલો પ્લાષ્ટીક ઝડપાયું
રાજકોટ કોર્પોરેશની સોલીડ વેસ્ટ શાખાએ છેલ્લા બે દિવસમાં જુદા જુદા વિસ્તારમાં 97 આસામી પાસેથી વધુ ચાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડી પાડયું હતું. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 25, વેસ્ટમાં 21 અને ઇસ્ટ ઝોનમાં 51 ધંધાર્થીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂા. 23,450નો દંડ લેવામાં આવ્યો હતો. હાલ પ્રોવિઝન સ્ટોર, સુપર માર્કેટ, ખાણીપીણીના સ્થળો, ચા-પાનના ગલ્લા અને પ્લાસ્ટિકના ધંધાર્થીઓ પ્લાષ્ટીક મુક્ત બની સ્વચ્છતાનું પાલન કરે તે માટે ડ્રાઇવ રોજ ચલાવવામાં આવી રહી છે. આજે વધુ 6 મિલકતોને સીલ કરી રૂ. 42.82 લાખ વસુલાયા
રાજકોટ મનપાની વેરા વસુલાત ઝુંબેશમાં આજે 6 મિલ્કત સીલ કરવાની કાર્યવાહી કરાતા ટેકસની રીકવરી થઈ હતી. જેમાં વોર્ડ નં.4 મોરબી રોડ પર નળ કનેકશન કાપતા દોઢ લાખનો ચેક આવી ગયો હતો. કુવાડવા રોડ, વોર્ડ નં.5માં પરમેશ્વર મોટર્સ પેડક રોડ ઉપર સીલીંગની કાર્યવાહી કરતા રીકવરી થઇ હતી. મનહર સોસાયટીમાં એક નળ કનેકશન કાપતા એક લાખનો ચેક જમા થયો હતો. આ જ રીતે વોર્ડ નં.16ના કોઠારીયા રોડ, વોર્ડ નં.18ના પ્રગતિ સોસાયટી અને ઢેબર રોડ પર સીલની કાર્યવાહી કરતા ચેક જમા થયો હતો. જ્યારે આજે 3 મિલ્કતને ટાંચ જપ્તી નોટીસ અપાઇ હતી. અને રૂપિયા 42.82 લાખની રીકવરી સાથે ચાલુ વર્ષમાં કુલ વસુલાત રૂ. 328.84 કરોડે પહોંચી છે. મોરબી રોડ પર પેટ્રોલ પંપની નજીક કારમાં આગ
રાજકોટનાં મોરબી રોડ પર ગઈકાલે સાંજે 6 વાગ્યાં આસપાસ એચપીના પેટ્રોલ પંપની નજીક જ કારમાં આગ લાગી હતી. જાણ થતા ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો અલ્તાફભાઈ, હરેશભાઇ શિયાળ, દિલીપભાઈ ગાંગડીયા, જગદીશભાઈ, તાજસીંગભાઈ, રાજેશભાઈ વગેરે દોડી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જોકે ત્યાં સુધીમાં આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. અનિલભાઈ બેચરભાઈ પોલેરાની આ સેન્ટ્રો સીએનજી કાર હતી. જેમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. રાજકોટ 108ની સેવાએ સુશાસનનું ઉદાહરણ પૂરું પાડ્યું
રાજ્ય સરકાર દ્રારા તા.25 ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ રાજકોટ 108 સેવાએ પુરુ પાડ્યું હતુ. જેમાં શહેરના દુધસાગર રોડ પર આવેલા જ્યોતિનગરમાં રહેતી સગભૉને પ્રસુતિની પીડા ઉપાડતા 108ને કોલ કરી મદદ માંગી હતી. જેને પગલે ટીમે તુરંત પહોંચી સગભૉના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. સગભૉ મમતાબહેન જયસ્વાલને પ્રસુતિની અસહ્ય પીડા થતી હોવાથી નવજાત શિશુનો જન્મ એમ્બ્યુલન્સમા કરાવવા ફરજ પડી હતી. એમ્બ્યુલન્સ કર્મચારી ઇ.એમ.ટી પિયુષ પરમાર અને વિજય વાળાએ ડૉક્ટરને ફોન કરી તેમની સૂચના મુજબ સફળતા પૂર્વક પ્રસુતિ કરવી હતી. એટલું જ નહીં માતાબાળક બંનેને રાજકોટ ESIC હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતી સ્વસ્થ મહિલા શક્તિ યીજના હેઠળ વધુ સારવાર શરૂ કરવામાં આવતા પરિવારે આભાર માન્યો હતો.