ઇ.સ. 2005માં એક ઓનલાઈન વીડિયો ગેમે હક્કર નામના વિલનને તેના ગેમિંગ વર્લ્ડમાં ઉમેર્યો. 2009 સુધીમાં આ ગેમ દુનિયાની વીડિયો ગેમની લોકપ્રિયતાના ચાર્ટમાં ટોચના ક્રમે પહોંચીને ઇતિહાસ સર્જવાની હતી. આ ગેમનું નામ– વર્લ્ડ ઓફ વોરક્રાફ્ટ. મલ્ટિપ્લેયર રોલ-પ્લેયિંગ ઓનલાઇનગેમ. આ વીડિયો ગેમ કઇ રીતે રમવાની અને તેમાં કેટલી મજા આવે એ તો જાણતા હશો પણ આ ગેમે વાઇરસ અને રોગચાળાના નિષ્ણાતોને ભવિષ્યની મહામારી વિષે આગાહી કરવા અને તેના માટે તૈયાર રહેવા શીખડાવ્યું. આ ગેમના હક્કર પાસે એવી તાકાત હતી કે ગેમમાંથી કોઇ પણ હીરો તેને ચેલેન્જ કરે તો તેને એક ભયંકર ચેપી બીમારી લાગે પછી તે ચેપ ફેલાવવા મંડે. આ ગેમનું અલગોરિધમ ચેપી રોગોના નિષ્ણાતોને બહુ કામ આવ્યું. કોરોના વાઇરસ બધે ફેલાયો એ પહેલા ઘણા નિષ્ણાતોએ એક કરતા વધુ વખત રોગચાળાના ખતરાની વાત કરી હતી. આ છે વીડિયો ગેમની તાકાત. વીડિયો ગેમનો વિશાળ દરિયો છે
નાની કે મોટી સ્ક્રીન અને હાથથી કંટ્રોલ કરી શકાય એવી કોઈ પણ વીડિયો ગેમનો એક વિશાળ દરિયો છે જે એક ભવમાં ખેડી શકાય એમ નથી. આ દરિયામાં અમુક મોતીઓ પણ છે. ઇતિહાસ ભણાવવાનું કામ કોઇ ઓનલાઇન ગેમ કરી શકે એવું બને ખરું? એસેસીન્સ ક્રિડ નામની વીડિયો ગેમ સ્કૂલ કરતા વધુ રસપ્રદ રીતે બાળકોને ઇતિહાસ ભણાવે છે એવું કહેવાય છે. એસેસીન્સ ક્રિડની એક ફ્રેન્ચાઇઝી બ્રધર હુડ રેનેસાં સમયમાં આકાર લે છે જેમાં રોમ બતાવ્યું છે. અમેરિકન રિવોલ્યુશન, ફ્રેંચ રિવોલ્યુશનના સમયની પણ ફ્રેન્ચાઇઝી છે. સોળમી સદીનું ચાઈના, જેરુસલેમ, દરિયાઇ ચાંચિયાઓના સુવર્ણયુગ સમયના બેકડ્રોપમાં પણ આ ગેમના ઘણા વર્ઝન આવતા રહ્યા છે. યુબીસોફ્ટ કંપનીની આ ખૂબ પ્રખ્યાત ગેમ પાસે હજુ બીજી ચાલીસ ફ્રેન્ચાઇઝી કરતા પણ વધુ મટીરિયલ છે એવું કહેવાય છે. અમેરિકામાં વીડિયો ગેમ્સનું 135 અબજ ડોલરનું માર્કેટ
વીડિયો ગેમ રમવા માટે પ્લે સ્ટેશન કે એક્સબોક્સ જેવા ઇક્વિપમેન્ટ બજારમાં મળે છે. નાની કે મોટી સ્ક્રીન અને રીમોટ જેવું જોયસ્ટીક- આ બન્ને પાસે હોય ત્યારે ગેમ રમનાર કિશોર એક અલગ જ દુનિયામાં પહોંચી જતો હોય છે. અમેરિકાની એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વીડિયો ગેમ્સનું સેગ્મેન્ટ સૌથી વધુ કમાણી કરતા સેગ્મેન્ટમાં ત્રીજા સ્થાને છે. 135 અબજ અમેરિકન ડોલરનું માર્કેટ વીડિયો ગેમ્સની છે. કોરોના વાઇરસની પોઝિટીવ અસર થઇ હોય એવા જુજ ક્ષેત્રોછે, વીડિયો ગેમ તે ક્ષેત્રોમાં ટોચના સ્થાને બિરાજે છે. ગેમિંગ ઇન્ડસ્ટ્રી અને દુનિયા બદલાયા
સ્કૂલ ટાઇમમાં આપણે રમેલી મીંડું-ચોકડી જેને પશ્ચિમના દેશો ટીક-ટેક-ટો તરીકે ઓળખે છે એ બધી વીડિયો ગેમની પૂર્વજ ગેમ હતી. ટીક-ટેક-ટો અને ટેનિસ ફોર ટુ વીડિયો ગેમના ઇતિહાસના ‘રાજા હરિશ્ચન્દ્ર’ અને ‘આલમ આરા’ કહી શકાય. 1958માં ભૌતિક શાસ્ત્રી વિલિયમ હિગિનબોથમે પ્રથમ સાદી વીડિયો ટેનિસ ગેમ ‘પોંન્ગ’ બનાવી અને 2020 ની સૌથી લોકપ્રિય વીડિયો ગેમ ‘કોલ ઓફ ડ્યુટી’ બની ત્યાર સુધી ફક્ત ગેમિંગ ઇન્ડસ્ટ્રી જ નહીં પણ દુનિયા પણ બહુ બદલાઇ ચૂકી છે. ગેમિંગના આધારે આખી પેઢી ટકી શકી
એક વાઇરસે આખી દુનિયા ફરતે ભરડો લીધો ત્યારે ઘરે ફરજિયાત પુરાઇ ગયેલા બાળકો પાસે વીડિયો ગેમ નહોત તો તેઓએ શું કર્યું હોત? ટેકનોલોજી સમયને પસાર કરવામાં આપણી વહારે આવે છે. ગેમિંગ ટેક્નોલોજી ફક્ત બાળકો જ નહીં પણ દરેક ઉંમરના માણસોને સમય પસાર કરવાના સાધન તરીકે મદદે આવી અને એક આખી પેઢી ટકી રહી. વીડિયો ગેમ ન હોત તો? (અમુક મનોવિજ્ઞાનીઓ આ સવાલના જવાબમાં કહે છે કે – તો દુનિયામાં ક્રાઇમ રેટ વધુ હોત!) 1958 માં આવેલી પોંન્ગથી લઇને, મારિયો, સ્નેક ગેમ, કેન્ડી ક્રશ, એન્ગ્રી બર્ડ, રોકેટ લીગ, માઇનક્રાફ્ટ, પબજી, વર્લ્ડ ઓફ વૉર ક્રાફટ, હાલો, પોકીમોન, ફાઇનલ ફેન્ટસી વગેરે વગેરે વગેરે… ઓલ ટાઇમ ક્લાસિક ગેમમારિયો, કી-પેડ વાળા ફોનના સમયમાં રાષ્ટ્રીય મોબાઇલ ગેમ બની ગયેલી સ્નેક ગેમ. સૌથી પહેલી ગ્લોબલ લેવલ પર વાઇરલ થયેલી કેન્ડી ક્રશ અને એન્ગ્રી બર્ડ, રોકેટ લીગ,માઇન ક્રાફ્ટ, પબજી, વર્લ્ડ ઓફ વૉર ક્રાફટ, હાલો, પોકીમોન, ફાઇનલ ફેન્ટસી વગેરે વગેરે વગેરે…એ એક આખી પેઢીને ઘેલું લગાડ્યું છે. પબજી ભારતમાં બેન થઇ પછી કેટલાય યુવાનોને ત્યાં ખરખરો કરવા જવું પડે એવી સ્થિતિ ઊભી થઇ. (વર્ષમાંઅડધો ડઝન ફિલ્મો આપનારા અક્ષય કુમારે પબજીના વિકલ્ પતરીકે ફૌ-જીની જાહેરાત કરી દીધી પણ હજુ સુધી એ ગેમ કેમ ન આવી? વીડિયો ગેમ બનાના ઇતના આસાન હૈ ક્યા?) ભારત માં જે ગેમ્સ વધારે રમાય છે અને લોકપ્રિય છે એની વાત કરીયે તો પબજી, પોકીમોન, ગ્રાન્ડ થેફ્ટ ઓટોની વાત કરવી જ પડે. પબજી ગેમ કોરિયન કંપની પબજી કોર્પોરેશને બજારમાં મૂકી
પબજીની ડિઝાઇન જેણે બનાવી એ બ્રેન્ડન ગ્રીનને આ રમતની પ્રેરણા જાપાનીસ ફિલ્મ,’બેટલ રોયલ’ પરથી મળી. આ થીમ પર બહુ બધી ગેમ્સ બની છે પણ પબજીની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ છે કે એને રમવા માટે કોઇ પૈસા નથી આપવા પડતા અને એ મોબાઇલમાં રમી શકાય છે.ભારતમાં મોબાઈલનું માર્કેટ વિશાળ છે અને ભારત જેવા દેશમાં જ્યાં હજુ પણ લોકો પાસે વ્યક્તિગત કોમ્પ્યુટર, કેકોન્સોલસ જેવા સાધનો નથી અને પુષ્કળ નવરાશ છે ત્યાંઆવી ગેમનું લોકોને વ્યસન થવાનું જ…!! ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો હેતુ શું છે?
અમુક વીડિયો ગેમ્સ વ્યસનકારક હોય છે એના કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે.કોઇ પણ નશાકારક ડ્રગની જેમ એ સીધું તમારા મગજ પર અસર કરે છે. ગેમ તમારા મજગમાં ડોપામાઈન નામક દ્રવ્યને ટ્રીગર કરે છે જે તમારા વર્તનને મજબૂત કરે છે અને સરવાળે તમને એવું લાગે છે કે રમતમાં જે સ્થિતિ છે એ તમારા કાબૂમાં છે અને તમે ગેમિંગના કાબૂમાં આવીને વધારેને વધારે એના વ્યસની બની જાઓ એ જ તો છે ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો હેતુ…!! વીડિયો ગેમ્સ માટે આકર્ષક માર્કેટિંગ
આકર્ષક માર્કેટિંગ રીતોથી પહેલા તે ગેમમાં તમારી રુચિ ઊભી કરવી અને તમને એ ખરીદવા મજબૂર કરવા એના પર કરોડો ડૉલર્સનો ગેમિંગ ઉદ્યોગ ઊભો છે.હા એ ગેમની નિષ્ફળતા છેવટે તમને એ એક રમત રમવામાં કેટલી મજા આવે છે એના પર છે.અને કોઈ પણ ગેમિંગ ઇન્ડસ્ટ્રી ‘મજા’ આવે છેની એ જે પ્રથમ ક્ષણો છે એના પર ઊભી છે અને ડિઝાઇન થઇ છે. ગેમ કલ્ચર મોટો આધાર બન્યું
ગ્રાન્ડ થેફ્ટ ઓટો, કોલ ઓફ ડ્યુટી, હેલો, પબજી જેવી ઘણી રમતો ગન ફાઇટ, શૂટિંગ અને હિંસા પર આધારિત છે અને હિંસાને પ્રોત્સાહન આપે છે એવી જૂની માન્યતા હજુ લોકોમાં છે. એ બધી માન્યતાઓ હોવા છતાં, હવા, પાણી અને ખોરાકની જેમ ટેક્નોલોજી અને તેના પરિણામ સ્વરૂપ આવેલું ગેમ કલ્ચર એકવીસમી સદીનો મોટો આધાર બની ગયું છે. જે વીડિયો ગેમની ટિકા કરવામાં આવે છે એ જ ગેમ લાખો યુવાનોને રોજગારી આપે છે. અમેરિકામાં વીડિયો ગેમ ઇન્ડસ્ટ્રીમાં અઢી લાખ લોકો
એકલા અમેરિકામાં 2,58,659 લોકો વીડિયો ગેમ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે અને સ્વતંત્ર રીતે કામ કરતા ગેમર્સ પણ લાખો ડોલર્સ કમાય છે અને સેલિબ્રિટી જેટલી લોકપ્રિયતા ધરાવે છે. નિન્ટેન્ડો, સોની, ઇલેક્ટ્રોનિક્સ આર્ટસ, રોકસ્ટાર ગેમ્સ, માઇક્રોસોફ્ટ, ઝીંગા જેવી વીડિયો ગેમ્સ બનાવતી કંપનીઓ વાર્ષિક બિલિયન્સ ડૉલર્સનું ટર્ન ઓવર ધરાવે છે. વિશ્વની વસતીના 26 ટકા લોકો ગેમર્સ છે
બીજી નવાઇ લાગે એવી વાત છે કે વીડિયો ગેમ ઉદ્યોગ, ફિલ્મ અને સંગીત બન્નેને ભેગા કરીએ એનાથી વધારે મોટો છે અને પરીકથાની રાજકુમારીની જેમ જલદી જલદી વધી જ રહ્યો છે. એવું કહેવાય છે કે આખા વિશ્વમાં લગભગ 2 અબજ ગેમર્સ છે જે વિશ્વની વસ્તીના 26% છે. વીડિયો ગેમ્સ વિશે શું દલીલ થતી?
વીડિયો ગેમ્સ રમનારાની વિરુદ્ધમાં એક દલીલ બહુ લોકપ્રિય છે કે સતત વીડિયો ગેમ રમનારાના મગજને નુકસાન થાય છે. એ તો લિમીટ કરતા વધુ વખત કોઈ પણ પ્રવૃત્તિ કરનારની હાલત આ જ થાય. ફૂટબોલર જો નેવું મિનિટની બદલે નવસો મિનિટ સુધી સળંગ ફૂટબોલને કિક મારવા માટે મેદાનમાં દોડતો રહે તો? વીડિયો ગેમ કરતા તો તે વધુ નુકસાન પહોચાડી શકે. જે સર્જન-ડોક્ટરો વીડિયો ગેમ રમે છે તેમની ઓપરેશનમાં ચોકસાઈ 37 ટકા કરતા વધુ વધી જાય છે. વીડિયો ગેમ એકાગ્રતાવર્ધક અને યાદશક્તિવર્ધક છે આ સંશોધન તો જૂનું થયું. બીજું એક સંશોધન એમ પણ કહે છે કે આવનારા વર્ષોમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનું ટર્ન ઓવર તો વધશે જ પણ ઓગમેન્ટેડ રિયાલિટી(AR) ગેમિંગને વધારે વાસ્તવિકતાની નજીક લઇ જશે. વર્ચ્યુઅલ ગેમિંગમાં ઓગમેન્ટેડ રિયાલિટીનું તત્વ ભળે એટલે ગેમ રમનારા પ્લયેરને એવું જ લાગે કે તે ખુદ જે તે વીડિયો ગેમનો ભાગ છે. (શાહરૂખનું રા.વન મૂવી યાદ આવ્યું કે નહી?) વીડિયો ગેમ પરથી ફિલ્મો બની
વીડિયો ગેમની લોકપ્રિયતાની સાબિતી એ વાતે મળે છે કે જે તે ફિલ્મો ઉપરથી ગેમ બની હોય એવા તો દાખલા આપણી નજર સામે છે જ પરંતુ કોઈ ગેમ પરથી ફિલ્મો બની હોય એવું પણ થયું છે. રેસિડેન્ટ એવિલ ફિલ્મના બધા ભાગે જ નામ ધરાવતી ગેમ ઉપરથી બન્યા છે. પેકમેન, કેન્ડી ક્રશ સાગ કે એંગ્રી બર્ડ જેવી ગેમ્સ ખાસ કરીને ગૃહિણીઓમાં ખુબ લોકપ્રિયતા ધરાવે છે. જુદી જુદી ગેમમાં વાપરી શકાય એવી ટ્રીકના ચીટકોડ્સ વિષે પણ પ્લેયરો જુદા જુદા પ્લેટફોર્મ ઉપર વાતો કરતા હોય છે. ભવિષ્યમાં ગેમિંગના સ્પેશિયલ ઓલિમ્પિક યોજાય તો નવાઇ ન પામતા
વીડિયો ગેમ એ માનવ સભ્યતાનો એક અતૂટ હિસ્સો બની ગઇ છે. ગેમિંગ ઇન્ડસ્ટ્રી કુદકેને ભૂસકે વધતી જાય છે. ભવિષ્યમાં વીડિયો ગેમિંગના સ્પેશિયલ ઓલિમ્પિક યોજાવા મંડે તો નવાઇ નહી. ઇન ફેક્ટ, એની શરૂઆત આપણે ખુદ કેમ ન કરીએ?