રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનો નજીક આવતો હોવાથી બાકીવેરો વસુલ કરવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. હાલ ટાર્ગેટ પૂરો કરવામાં ઘણું છેટું હોવાથી સરકારી મિલકતોનો બાકીવેરો વસૂલવામાં આવે તેવી શક્યતા છે. જેમાં સૌથી મોટા સરકારી બાકીદાર રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા, MOU, વેરો ભરવા સંમતિ છતાં એક રૂપિયો પણ ભરવામાં આવ્યો નથી. ત્યારે હવે મનપા તંત્ર દ્વારા 17 કરોડના બાકી વેરાને લઈને કન્ટેમપ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા માટેની વિચારણા ચાલી રહી છે. જોકે, મ્યુ. કમિશનરે આ અંગે જણાવ્યું કે, શક્ય ત્યાં સુધી રેલવે તંત્ર સહિત બધી સરકારી કચેરીઓનાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને બાકીવેરો વસૂલવા પ્રયાસ થશે. નાગરિકોના નળ કનેક્શન કાપતી નમપા રેલવે સામે લાચાર
પ્રાપ્ત વિગત મુજબ, અંદાજે 10 વર્ષ અગાઉ બાકી વેરા માટે રેલવે સામે મહાનગરપાલિકા સુપ્રીમ કોર્ટ સુધી લડી હતી. તે સમયે રેલવે તંત્રએ થોડો વેરો ભર્યો હતો અને કેન્દ્રીય કચેરીએ વેરા ભરવાના હોય નહીં, તેવું વલણ અખત્યાર કર્યું હતું. રેલવે તંત્ર સામેના લાંબા કોર્ટ કેસના અંતે મનપાની તરફેણમાં માર્ગદર્શન આવ્યું હતું. આમ છતાં રેલવે દ્વારા વેરો ભરવામાં આવતો નથી. રાજકોટમાં જુદા જુદા રેલવે સ્ટેશન, કવાર્ટર, લોકો કોલોની સહિતની રેલવેની મિલકત દાયકાઓથી આવેલી છે. તમામ નાગરિકોની જેમ અહીં રહેતા અને કામ કરતા કર્મચારીઓ, પરિવારોને ડ્રેનેજ, લાઇટ, પાણી, રસ્તા સહિતની સુવિધા આપવામાં આવે છે. પૂર્વ કમિશનર કાર્યવાહી બાદપણ ચુકવણુ નહિ
જોકે, રેલવે તંત્ર દ્વારા કયારેય વેરો ભરાતો નહોતો. જેને લઈને પૂર્વ કમિશનર વિજય નહેરાના સમયમાં દિલ્હીથી મજબુત કાનુની માર્ગદર્શન મેળવીને રેલવે સામે સુપ્રીમ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. લાંબી કાનુની લડાઇના અંતે સુપ્રીમનો ચુકાદો આવતા બંને પક્ષે MOU મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ કરવામાં આવ્યા હતા. આ બાદ રેલવેએ વેરો ભરવાનો થતો હતો, જે તે સમયે થોડો ટેકસ ચુકવ્યો હતો. પરંતુ બાદમાં ફરી વેરો ભરવાનું બંધ કરી દેતા સરકારી કચેરી સામે કોર્પો. કડક કાર્યવાહી કરતી ન હતી. હાલ રેલવેનો 17 કરોડનો વેરો બાકી
અત્યાર સુધીના રેલવે તંત્રના બાકી વેરાની વાત કરવામાં આવે તો અગાઉ રૂ. 30 કરોડના મુળ લેણા સામે અમુક ચાર્જ બાદ કરી રૂ. 17 કરોડ રૂપિયા ભરશે તેવું રેલવેએ કહ્યું હતું. આમ છતાં તેમાંથી પણ કોઇ ટેકસ ભર્યો નથી. આથી સુપ્રીમના ચુકાદાનો અમલ ન કરવા બદલ હવે કેન્દ્રીય વિભાગ સામે કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરવા વિચારણા શરૂ થઇ છે. જોકે, સરકારી કચેરીના કારણે અન્ય મિલકતોની જેમ જપ્તી કે સીલના પગલા લઇ શકાતા નથી. ત્યારે હવે મનપા દ્વારા અન્ય રસ્તાઓ અપનાવવામાં આવે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ રેલવેએ વેરો ન ભર્યો
સમગ્ર મામલે મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રેલવે સહિત તમામ સરકારી વિભાગોએ ટેક્સ ભરવો ફરજીયાત હોય છે. રેલવેની મેટર અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને તેમાંથી પણ ચુકાદો મનપાની તરફેણમાં આવ્યો હતો. જોકે, રેલવે સહિતની સરકારી કચેરીઓનાં ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન બેઠક કરીને સમસ્યા ઉકેલવા અમારો પ્રયાસ રહેશે. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હજુ મારે ડિટેઇલમાં જોવો પડશે. ત્યારબાદ આગળ કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તે પહેલાં અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમના ધ્યાન ઉપર વાત મુકવામાં આવશે. તેમજ ટેક્સ ન ભરવા માટે જે કોઈપણ કાર્યવાહી નિયમ મુજબ થતી હોય એ કરવામાં આવશે. રાજ્ય સરકારની કચેરીઓ પાસેથી બાકી વેરો વસૂલવા કવાયત
ઉલ્લેખનીય છે કે, મનપાનાં વેરા વિભાગે રૂ. 410 કરોડના લક્ષ્યાંક સામે કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મિલકતવેરા પેટે રૂ. 329 કરોડ જમા થયા છે. ત્યારે સિલિંગ અને જપ્તીની કામગીરીની સાથો સાથ કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ પાસેથી પણ બાકી વેરો વસૂલવા કવાયત હાથ ધરવામાં આવી છે. જો કે મોટા ભાગના રાજયો અને કેન્દ્રના ખાતા માર્ચ એન્ડિંગ સુધીમાં ગ્રાન્ટના આધારે ટેકસ ભરતા હોય છે. હાલમાં સૌરાષ્ટ્ર યુનિ.માં ટેકસ વિભાગ મિલકતો સીલ કરવા જતા અંતે યુનિ. પણ ઠંડી પડી હતી. હવે વર્ષોથી ન ભરેલો વેરો ચૂકવવા સરકાર પાસે ગ્રાન્ટ માંગ્યાનો જવાબ આપ્યો છે. આ ગ્રાન્ટ ચાલુ નાણાકીય વર્ષમાં મળી જાય તો ત્યાંથી પણ મનપાને મોટી આવક થવાની શક્યતા છે.