મહીસાગર જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા લુણાવાડા પી.એન.પંડ્યા કોલેજ ખાતે વીર બાળ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કલરવ સ્કૂલના બાળકોએ નાટકના માધ્યમથી વીર બાળકો સાહિબજાદાઓના બલિદાનના શૌર્યસભર પ્રસંગને રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વકતા વડોદરા મહાનગરના પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાએ રાષ્ટ્ર અને ધર્મ માટે સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહનું બલિદાન ઇતિહાસમાં હરહંમેશ અમર રહે તે માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના પાવન દિવસે 26 ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ જાહેર કર્યો છે ત્યારે સાહિબજાદાઓની વીરતાને નતમસ્તક વંદન કરી પ્રેરણા લેવાની અપીલ કરી હતી. આ અવસરે મુખ્ય વકતા વડોદરા મહાનગરના પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, સંયોજક અજયસિંહ, ભાજપ હોદ્દેદારો કાર્યકરો, કોલેજના ટ્રસ્ટીઓ,સ્ટાફ ગણ, વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત કોલેજમાં વીર શહીદ સાહિબજાદા જોરાવરસિંહ અને ફતેસિંહજીની શૌર્યગાથાના પ્રસંગો વર્ણવતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સૌએ નિહાળી હતી.