અમરેલીમાં ખાંભા શહેરમાં છેલ્લા 7 થી 8 દિવસથી સિંહોએ ધામ નાખ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. ખાંભામાં માનકેશ્વર મંદિર જવાના માર્ગે સિંહબાળ સાથે 4 વન્યપ્રાણી શિકારની શોધમાં આવી પહોંચ્યા હતા. રાત્રે બજારમાં સિંહ પરિવારની લટાર જોવા મળી હતી. મોડી રાતે સિંહોની અવર જવર અહીં સતત વધી રહી છે. અહિં રહેણાંક વિસ્તાર હોવાથી રહિશોમાં ડરનો માહોલ પર સર્જાયો છે. ગત રાતે એક સિંહ પરિવાર બજારમાં લટાર મારી રહ્યો હતો, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાત્રીના સમયે સિંહો રેવન્યુ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તારમાં લટાર મારી રહ્યા છે. જેને પગલે વનવિભાગના કર્મચારીઓમાં પણ દોડધામ જોવા મળી રહી છે. આજથી 2 દિવસ પહેલા ખાંભા શહેરમાં સિંહોએ એક ઘોડીનો શિકાર કર્યો હતો. સિંહોની લટાર સતત વધતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વનવિભાગ પેટ્રોલીંગ વધારી સિંહોને જંગલ વિસ્તારમાં ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે.