ગુજરાતમાં ખેડૂતોને ખેતી કરવા માટે રાતે પાણી વાળવા જવુ નહીં પડે. રાજ્યના 96 ટકા ગામોમાં કિસાન સુર્યોદય યોજના હેઠળ દિવસે વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવી રહ્યો છે અને બાકીના ચાર ટકા ગામોમાં પણ ખેતી માટે દિવસે વીજળી મળતી થઈ જશે. એમ ઉર્જા મંત્રી કનુ દેસાઈએ મંગળવારે જાહેર કર્યુ હતું. ત્યારે દક્ષિણ ગુજરાતને પણ આ યોજનાનો લાભ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. રાજ્યના 18,225 ગામોમાંથી 17,193 ગામોમાં 20.51 લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો આપી દેવાયા છે. તેમાંથી 19,561 ગામોના 18,95,744 જેટલા ખેડૂતોને દિવસે જ વીજળી મળતી થઈ ગઈ છે. જે પૈકીના 11,927 ગામોના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે આઠથી સાંજના ચાર અને સવારે નવથી સાંજના પાંચ વાગ્યાના સમય વચ્ચે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. જ્યારે 4,634 ગામોના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે પાંચથી બપોરના એક વાગ્યા સુધી અને બપોરના એકથી રાતના નવ વાગ્યા સુધી વીજ પુરવઠો પુરો પાડવામા આવી રહ્યો છે. બાકી રહેલા 632 ગામોમાં પણ સત્વરે દિવસે વીજળી મળતી થઈ જશે. ચાર ટકા બાકી રહેલા 632 ગામોમાં મોટાભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. જ્યાં ખેડૂતોની સંખ્યા 1,55,401 થવા જાય છે. ઉર્જામંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં 30 નવી પેટા વિભાગીય અને 3 વિભાગીય કચેરીઓ મંજૂર કરીને સરકારે સતત ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવા નિર્ણયો કર્યા છે. વિતેલા એક દાયકામાં 10 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. એટલે કે, વર્ષે સરેરાશ એક લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો અપાયા છે. હાલ નવા વીજ જોડાણો આપવામાં કોઈ વાંધો કે વિરોધ ન આવે તો આગામી 3 કે 4 મહિનામાં જ વીજ જોડાણ આપી દેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, વીજ ઉત્પાદન ક્ષેત્રે સરપ્લસ રહેલા રાજ્યમાં લાંબા સમયથી ખેડૂતો દ્વારા દિવસે વીજળી આપવા માંગણી થતી રહેતી હતી. જે હવે 100 ટકા પૂર્ણતાને આરે છે. ત્યારે સરકારના આ નિર્ણયને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આવકાર્યો હતો. સુરત જિલ્લાના સહકારી અગ્રણી જયેશ દેલાડએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજ સૂર્યોદય યોજના હેઠળ સરકારે 2020માં ખેતીને દિવસે વીજ આપવાની શરૂઆત કરી હતી, પરતું દક્ષિણ ગુજરાતમાં થોડો વિલંબ થયો છે. હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હવે દિવસે આપવાનું શરૂ કર્યું છે. આ નિર્ણયને આવકારીએ છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતને દિવસે વીજળી આપવાનું આપેલું વચન પાળ્યું છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતોને લાભ થશે.