રાજકોટ શહેરમાં સર્જાયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા કચેરીમાંથી અધિકારીઓ અને કર્મચારીઓનાં રાજીનામાંની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા 7 મહિનામાં 18 જેટલા રાજીનામાં સામે આવતા વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આજે આ મામલે નવનિયુક્ત મ્યુ. કમિશનરતુષાર સુમેરા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં નવા વિસ્તારો ભળતા કામગીરી તો વધવાની જ છે. છતાં કેસ ટુ કેસ અલગ-અલગ કારણો હોઈ શકે છે. જેનો અભ્યાસ કરવામાં આવશે તેમજ જરૂર પડ્યે નવી ભરતી પણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે
રાજકોટ મહાનગરપાલિકામાં રાજીનામાનો દોર યથાવત રહ્યો છે. જેમાં મુખ્યત્વે TRP ગેમઝોન અગ્નિકાંડ પછી મનપામાં અધિકારીઓ કર્મચારીઓ કામ કરવા તૈયાર ન હોવાનો ગણગણાટ છે. તેમાં પણ 16 જેટલા રાજીનામાં આવી ચૂક્યા બાદ વધુ 2 રાજીનામાં પડતા મનપામાં 7 મહિનામાં કુલ 18 લોકોના રાજીનામાં સામે આવ્યા છે. નોકરી છોડવા માટે બધા અંગત કારણોને જવાબદાર ઠેરવી રહ્યા છે પરંતુ, વાસ્તવિક રીતે જોઈએ તો શું ખરેખર અંગત કારણ છે કે પછી કામનું ભારણ અથવા તો TRP અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચારી કચેરીમાં કોઈનો પણ વારો આવી શકે તેનો ડર સતાવી રહ્યો છે. તે એક સૌથી મોટો અને અગત્યનો સવાલ છે. જેને લઈ વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. અગ્નિકાંડ બાદ સ્વૈચ્છીક નિવૃત્તિ કે રાજીનામું આપનારા 18 કર્મચારીઓ અધિકારીઓ કર્મચારીઓનું હિત જોઈને દરેક રાજીનામાં અંગે નિર્ણય લેવાય છે
સમગ્ર મામલે રાજકોટનાં નવનિયુક્ત મનપા કમિશનર દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજીનામા કેમ આવ્યા છે? અને કારણ શું છે? એ જોવાનું રહેશે. દરેક રાજીનામા કેમ આવે છે તેનું કારણ કેસ ટુ કેસ અલગ-અલગ હોય શકે છે. કાયદા મુજબ કોઈને હેલ્થ પ્રોબ્લેમ હોય તો રાજીનામુ મંજૂર કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. કોર્પોરેશન દ્વારા લોકો અને કર્મચારીઓનું હિત જોઈને દરેક રાજીનામાં અંગે નિર્ણય લેવામાં આવે છે. કર્મચારીઓ રિટાયર્ડ થતા બાકીના કર્મીઓ પર કામનું ભારણ વધે
કામનું ભારણ વધવા અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલ મનપામાં અનેક નવા વિસ્તારો ભળ્યા છે. જેને કારણે રોડ-રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય છે. ત્યારે કામનું ભારણ વધે તે સ્વાભાવિક બાબત છે. એ કારણે બધા કર્મચારીઓ રાજીનામાં આપે છે એવું માની લેવું યોગ્ય નથી. કેટલાક કર્મચારીઓને પારિવારિક અને કેટલાકને વયનાં કારણે નાની-મોટી બીમારીઓ હોવાથી પણ રાજીનામાં આવતા હોય છે તેમજ અધિકારીઓ કે કર્મચારીઓ રિટાયર્ડ થતા પણ જગ્યાઓ ખાલી પડતી હોય છે. જેને લઈને સ્વાભાવિક રીતે બાકીના કર્મીઓ ઉપર કામનું ભારણ રહે છે. નવી ભરતી માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે
તાજેતરમાં પણ વધુ બે એન્જિનિયરોના રાજીનામાં આવ્યા છે. આ બંને સાથે પણ વન ટુ વન વાતચીત કરવામાં આવશે અને જો શક્ય હશે તો તેમનો પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે અને નહીં હોય તો રાજીનામાં મંજુર કરવામાં આવશે. બીમારી કારણ હશે તો તે અંગે માનવીય અભિગમ રહેશે. આ રાજીનામાનાં કારણે જે જગ્યાઓ ખાલી પડી છે તેના ઉપર નવી ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. હાલ જ્યા-જ્યાં જગ્યા ખાલી છે તે અંગે અમે પ્રોસેસ મુજબ આગળ વધીશું. અને જરૂર મુજબ નવી ભરતી પણ કરવામાં આવશે.