back to top
Homeગુજરાત200 મીટરના બિસ્માર રોડથી 10000 વાહનચાલકો પરેશાન:રાજકોટના માધાપર ચોકડી ઓવરબ્રિજનો સર્વિસ રોડ...

200 મીટરના બિસ્માર રોડથી 10000 વાહનચાલકો પરેશાન:રાજકોટના માધાપર ચોકડી ઓવરબ્રિજનો સર્વિસ રોડ 4 વર્ષથી બિસ્માર, કોન્ટ્રાક્ટરે રોડ બનાવવા ના પાડી; એજન્સીને રદ કરવા રજૂઆત

રાજકોટનો માધાપર ચોકડી ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે ઓક્ટોબર 2020ના CRP કન્સ્ટ્રક્શન નામની કંપનીને 15 મિહનામાં કામ પૂર્ણ કરવા માટેની અવધી આપવામાં આવી હતી, પરંતુ8 મહિના સુધી કામ શરૂ થઇ શક્યું ન હતું. બાદમાં SCA ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા મેચને લઇને 25 સપ્ટેમ્બર 2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 62 કરોડના ખર્ચે બનેલા પુલને લોકાર્પિત કરવામાં આવ્યો હતો. જોકે, જમીન સંપાદનના અભાવે એક તરફનો સર્વિસ રોડ શરૂ થઈ શક્યો ન હતો. જેથી લોકોને છેલ્લા એક વર્ષતી રોંગ સાઈડમાં જવું પડતું હતું. 200 મીટરના પાકા રોડનું કામ થયું નથી
હવે કલેક્ટર દ્વારા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઇ ગયઇ છે પરંતુ 3 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં હવે સર્વિસ રોડ પાકો બન્યો નથી. જે કામ માટે એજન્સીએ કામ કરવાની ના પાડી દીધી હતી. જેને કારણે આ એજન્સીને રદ કરવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગને પત્ર લખવામાં આવ્યો છે. ચાલુ માસમાં જ પત્ર લખાયો છે પરંતુ હજુ સુધી સરકારમાંથી કોઇ જવાબ આવ્યો નથી. જેથી 200 મીટરના પાકા રોડનું કામ થયું નથી. છેલ્લા 4 વર્ષથી લોકો પરેશાન
મોરબી અને જામનગરનો પ્રવેશ દ્વાર ગણાતા રોડ પર દરરોજ 10,000 વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ તેઓને જમણી તરફ રોંગ સાઈડમાં જવું પડે છે અન્યથા ડાબી તરફના બિસ્માર રસ્તા પરથી પસાર થવું પડે છે. માધાપર ચોકડી ફ્લાય ઓવરબ્રિજનું કામ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી એટલે કે છેલ્લા 4 વર્ષથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ધૂળના ઢેફા ખાઈએ છીએ: વિરલ શાહ
સ્થાનિક વિરલભાઈ શાહે જણાવ્યું હતું કે, માધાપર ચોકડી ફ્લાય ઓવરબ્રિજનો સર્વિસ રોડ છેલ્લા પાંચ વર્ષથી બન્યો નથી. જેને કારણે ધૂળના ઢેફા ખાઈએ છીએ. રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. જેને લીધે સાયકલ લઈને સ્કૂલે જતા બાળકો અનેક વખત અહીં પડી જાય છે અને અકસ્માત સર્જાય છે. ચોમાસામાં તો અહીં એટલી ખરાબ પરિસ્થિતિ હોય છે કે પાણી ભરાઈ જાય છે. ચોમાસા વખતે અહીં પગપાળા કે વાહન લઈને જઈ શકાતું નથી. રસ્તા ઉપર એટલા બધા ખાડા છે કે, અહીં વારંવાર અકસ્માત થાય છે, પરંતુ તંત્ર કે સરકાર કંઈ ધ્યાન આપતી નથી. તંત્રને એટલું જ કહેવાનું કે આટલા વર્ષથી પુલ બની ગયો છે, પરંતુ એક સર્વિસ રોડ બનાવી શકતા નથી. અધિકારીઓ અહીંથી પસાર થાય તો ખબર પડે કે રસ્તાની હાલત કેટલી ખરાબ છે. કાચો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે: કવિતા ઉપાધ્યાય
અન્ય રહેવાસી કવિતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હું માધાપર ચોકડી પાસે જીત પાર્કમાં રહું છુ. આસપાસમાં સત્યમ શિવમ, પરાશર પાર્ક, વોરા સોસાયટી, ક્રિષ્ના નગર, દ્વારિકા હાઇટ્સ સહિતની સોસાયટીઓ આવેલી છે. દરરોજ 10,000થી વધુ વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ થયું તેને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ બ્રિજ બની રહ્યો હતો ત્યારે જમણી તરફ વાહન ચાલકોની અવરજવર ચાલુ હતી. જેથી તંત્રને મારું નિવેદન છે કે આ કાચો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે. ‘અનેક વખત અકસ્માત પણ થાય છે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાચો રસ્તો હોવાને કારણે હું જ્યારે અમારા બાને સ્કૂટર ઉપર બેસાડીને જાઉં છું ત્યારે હાથના પંજા અને ખંભા દુખી જાય છે. સ્કૂટરમાં વડીલોને પાછળ બેસાડ્યા હોય અને બાળકો આગળ ઊભા હોય તો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અનેક વખત અકસ્માત પણ થાય છે. અમે અહીં જ રહેતા હોવાથી શાકભાજી લેવા કે ઘઉં દળાવવા માટે જવું હોય તો અહીંથી જ પસાર થવું પડે છે અને ત્યારે ખૂબ જ મુશ્કેલી પડે છે. શ્રાવણ મહિનામાં અમે દરરોજ શિવ મંદિરે દર્શન કરવા માટે જતા હતા. આ રસ્તો ખૂબ જ ખરાબ હતો. તે વખતે વરસાદ હોવાથી પાણી પણ ભરાઈ ગયા હતા. સામેથી ડમ્પર આવતું હોય તો વાહન ઉભું રાખી દેવું પડે છે. તંત્રની એક જ વિનંતી છે કે, હવે તંત્ર જાગે અને અમને રસ્તો બનાવી આપે. કારણકે હવે ઉનાળો અને ત્યારબાદ ફરી ચોમાસુ આવશે જેથી ચોમાસા પહેલા આ સર્વિસ રોડ બનાવી દેવામાં આવે તેવી અમારી માંગણી છે. ‘બ્રિજની જમણી તરફ રોંગ સાઈડમાં જવું પડે છે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારી સાથે યોગા કરતા 55 વર્ષનાં બહેન છે. જે એક મહિના પહેલા અહીંથી સ્કૂટર લઈને પસાર થતા હતા, ત્યારે પડી ગયા હતા એટલે તેને કારણે તે બહેનને પગના ગોળાનું ઓપરેશન આવ્યું છે. તે બહેનના પતિને કેન્સર હતું જેથી તેઓ અગાઉ મૃત્યુ પામ્યા છે અને તે બહેનની સેવા કરવા વાળું કોઈ નથી. જે બહેન હાલ પથારીવશ છે. બ્રિજની જમણી તરફ રોંગ સાઈડમાં જવું પડે છે તેને કારણે ખૂબ જ તકલીફ થાય છે. સ્કૂટરમાં ડબલ સવારી જતા હોય તો સ્કૂટર એક તરફ નમી જાય છે. એજન્સી હવે કામ કરવાની ના પાડે છે: એસ.આર. પટેલ
આ બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા જિલ્લા માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસ. આર. પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે, CRP કન્સ્ટ્રક્શન નામની કંપનીએ 62 કરોડના ખર્ચે માધાપર ચોકડી ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરેલું છે, પરંતુ તે વખતે જમીન સંપાદન થઈ શક્યું ન હતું અને તેને કારણે ડાબી તરફના સર્વિસ રોડનું કામ થઈ શક્યું ન હતું અને એજન્સી પોતાનું કામ પૂર્ણ કરી ચાલી ગઈ હતી. હવે જમીન સંપાદન થઈ ગયું છે, પરંતુ તે એજન્સી હવે કામ કરવાની ના પાડે છે. 200 મીટરનું બાંધકામ 30 લાખના ખર્ચે અંદાજવામાં આવી રહ્યું છે. જોકે, આ એજન્સી રદ કરવા માટે સરકારમાંથી મંજૂરી આવી જાય ત્યાર બાદ નવી એજન્સીને ટેન્ડર આપવામાં આવશે અને તે પછી સર્વિસ રોડનું કામ શરૂ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments