બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ચોથી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ગઈકાલે એટલે કે પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ દમદાર પરફોર્મન્સ આપતા ભારત સામે 6 વિકેટે 311 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 68 અને કેપ્ટન પેટ કમિન્સ 8 રન પર અણનમ પરત ફર્યા હતા. મેલબોર્નના MCG ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 19 વર્ષના યુવા ઓપનર સેમ કોન્સ્ટાસ (60 રન) અને ઉસ્માન ખ્વાજા (57 રન)એ કાંગારૂ ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 116 બોલમાં 89 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. માર્નસ લાબુશેને 72 રન અને વિકેટકીપર એલેક્સ કેરીએ 31 રનનું યોગદાન આપ્યું હતું. મિચેલ માર્શ 4 રનના અંગત સ્કોર પર અને ટ્રેવિસ હેડ ઝીરો પર આઉટ થયા હતા. ગુરુવારે સ્ટમ્પ્સ સુધીમાં બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. તો આકાશ દીપ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાના ચાર બેટર્સે ફિફ્ટી ફટકારી
પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના ટૉપ-4 બેટર્સે શાનદાર બેટિંગ કરી હતી. ડેબ્યૂટન્ટ ઓપનર સેમ કોન્સ્ટાસે 65 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. તો ઉસ્માન ખ્વાજાએ 57 રન બનાવ્યા હતા. ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલો માર્નસ લાબુશેન 72 રન બનાવીને આઉટ થયો હતો. તો સ્ટીવ સ્મિથ 68 રને અણનમ પરત ફર્યો છે. કોહલીએ કોન્સ્ટાને ધક્કો માર્યો, બોલાચાલી પણ થઈ
10 ઓવર બાદ બ્રેક દરમિયાન ભારતીય બેટર વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના ઓપનર સેમ કોન્સ્ટાસને ધક્કો માર્યો હતો. બંને વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી. આવી સ્થિતિમાં અમ્પાયરોએ દરમિયાનગીરી કરી હતી. આ પછીની ઓવરમાં સેમ કોન્સ્ટાસે બુમરાહના બોલ પર 3 બાઉન્ડરી ફટકારી હતી. જેમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. cricket.com.au અનુસાર, આ બંને ખેલાડીઓ વચ્ચે જે પણ થયું છે, તેની હવે ICC ઑફિશિયલ્સ રિવ્યૂ કરશે. એન્ડી પાયક્રોફ્ટ આ મેચમાં રેફરીની ભૂમિકામાં છે અને તેઓ આ મામલાને જોશે. હાલમાં 5 મેચની સિરીઝ 1-1 થી બરાબર છે. ભારતે પ્રથમ ટેસ્ટ અને બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. મેલબોર્ન ટેસ્ટ માટે બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ. ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.