કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ, ફ્લાવર શો પણ 2 દિવસ મોડો શરૂ થશે દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન થતાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શોકના પગલે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. એના પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણ રદની AMC દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, સાથોસાથ 1 જાન્યુઆરીથી શરૂ થનારા ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે અષાઢનાં એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યાં છે. ત્યારે ગઈ રાત્રિથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા, જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. પતિએ પત્ની-બાળકનાં ચપ્પાથી ગળાં કાપી હત્યા કરી સુરતના સરથાણામાં એક દીકરાએ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યો છે. સ્મિત જિવાણી નામના યુવકે પત્ની-બાળકનાં ચપ્પાથી ગળાં કાપી હત્યા કરી નાખી તથા માતા-પિતાને પણ ચપ્પાના ઘા માર્યા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેને પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તો માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે પારિવારિક મનદુઃખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો, જેને લઇને આ કરુણ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ-બિયરનું વેચાણ ‘આવી જાઓ… આવી જાઓ…દારૂ લો… દારૂ લો… માંડવી બીચ પર આવ્યા અને દારૂ ન પીધો તો શું કર્યું….’ બજારમાં શાકભાજી વેચતા હોય એ પ્રમાણે બૂમો પાડીને પ્રવાસીઓને ખુલ્લેઆમ દારૂ પીવાની ઓફર માંડવી બીચ પર કરવામાં આવી રહી છે. અહીં આવતા પ્રવાસીઓને માગે એ બ્રાન્ડનો અંગ્રેજી દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો હોવાનો ઘટસ્ફોટ ”ભાસ્કર”ના સ્ટિંગ ઓપરેશનમાં થયો છે. અહીં મોપેડની ડીકીમાં દારૂ ભરીને પ્રવાસીઓને પીરસવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગનો કર્મચારી પોલીસના સકંજામાં અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં PMJAY યોજના હેઠળ ખોટી રીતે ઓપરેશન કરી લીધાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને પછી એવું ષડ્યંત્ર પણ બહાર આવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાંથી ખોટી રીતે અનેક લોકોનાં આયુષ્યમાન કાર્ડ કઢાવી આપ્યાં છે. આ કૌભાંડમાં ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઈમ બ્રાન્ચના રડારમાં હતા. અંતે, ક્રાઈમ બ્રાન્ચે મોડીરાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી લીધી છે. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના બે કર્મચારીની પૂછપરછ ચાલુ છે, જેની ધરપકડ થઈ એ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતો હતો. મોટો ઘટસ્ફોટ તો એ થયો છે કે દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી. આ મિલાપ પટેલ તે ગેંગ સાથે પણ સંડોવાયેલો છે, એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતમાં 24 કલાકમાં 3 અકસ્માત, 2નાં મોત ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની ત્રણ ઘટના સામે આવી છે, જેમાં બે લોકોનાં મોત થયાં છે. રાજકોટમાં જૂના માર્કેટ યાર્ડ પાસે ડમ્પરની અડફેટે ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. જ્યારે કાલાવડ રોડ પર કણકોટ પાટિયા પાસે વિદ્યાર્થીઓને લઈને જતી ઇનોવેટિવ સ્કૂલની બસ થાંભલા સાથે અથડાઈ હતી, જેમાં એક શિક્ષક સહિત વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજા પહોંચી છે. આ ઉપરાંત પાલનપુર અંબાજી હાઇવે ધનપુરા પાટિયા નજીક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં સવાર ડ્રાઇવરનું પણ મોત થયાનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે. 6 હજાર કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ સકંજામાં 6 હજાર કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે પોલીસના હાથ લાગ્યો છે. છેલ્લા એક મહિનાથી ફરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા તેના સગા-વ્હાલાના સંપર્કમાં હતો જેમના કોલ ટ્રેક કરી CIDની ટીમ આ ગામ સુધી પહોંચી હતી. અહીં તપાસ કરતા એક ફાર્મ હાઉસમાંથી 4 વાગ્યે તેને ઝડપી લેવામાં આવ્યો. CIDની ટીમ દ્વારા હાલમાં તેને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યો છે. એક કા ડબલની સ્કીમ અને મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિડી કરવામાં આવી હતી. જેનો ભોગ નિવૃત કર્મચારીઓ,શિક્ષકો,પોલીસ કર્મચારીઓથી લઈ ઘણા રાજકારણીઓ પણ બન્યા છે. 4 રાજ્ય ને 500 CCTV ખૂંદ્યાં બાદ પોલીસે તસ્કરોને ઝડપ્યા સુરતના કીમ ચાર રસ્તા નજીક 10 દિવસ અગાઉ મોડીરાત્રે ધૂમ સ્ટાઇલમાં કોઈને ગંધ પણ ન આવે એ રીતે યુનિયન બેન્કની દીવાલમાં બાકોરું પાડી લોકરો તોડી ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી લીધી છે. દિલ્હી, પંજાબ, બિહાર, વેસ્ટ બંગાળ રાજ્યો અને 500થી વધુ CCTV ખૂંદી 8 ઇસમને ઝડપી કુલ 53.58 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે ચોરીની ઘટનાના પ્લાન ઘડનાર માસ્ટરમાઇન્ડ સૂરજ ભરત લુહાર હજુ પોલીસ પકડથી દૂર છે. રાજકોટની મહિલાના નાકમાં દાંત ઊગ્યો રાજકોટ શહેરમાં મેડિકલ ફિલ્ડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દર્દીના નાકમાં દાંત ઊગ્યો હોવાનું સામે આવ્યું હતું. એને લઈને તેઓ છેલ્લાં 10 વર્ષથી પીડાતાં હતાં. જમણા નાકમાં અવરોધ સાથે દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. એટલું જ નહીં, ગંભીર માથાના દુ:ખાવો અને વારંવાર થતી શરદીની સમસ્યાથી પરેશાન થતાં હતાં, જોકે ખાનગી હોસ્પિટલના ડોક્ટરે દૂરબીન વડે 38 વર્ષીય મહિલાની સફળ સર્જરી કરી હતી. એને લઇને હાલ મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ બની છે. જંગલના રાજાને જોવા સાસણમાં પ્રવાસીઓ ઊમટ્યા ગીરના જંગલમાં સિંહ દર્શન કરવા માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દેશ-વિદેશથી પ્રવાસીઓ એશિયાટિક લાયનને નજીકથી નિહાળવા અને પ્રકૃતિના આનંદ માણવા માટે સાસણ આવી રહ્યા છે. સાસણ ગીર માત્ર સિંહ દર્શન માટે જ નહીં, પરંતુ પ્રકૃતિના આનંદ માણવા માટે પણ એક લોકપ્રિય સ્થળ બની ગયું છે. સાસણ ગીરમાં 350થી વધુ રિસોર્ટ, હોટલ અને ફાર્મહાઉસ હોવા છતાં તહેવારો અને રજાઓમાં બધી જ જગ્યાઓ બુક થઈ જાય છે. આ વર્ષે ક્રિસમસની રજાઓમાં પણ સિંહદર્શન માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નાતાલની રજાઓ ચાલી રહી છે, ત્યારે આ મિની વેકેશનમાં સાસણમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.