લવકુશ મિશ્રા
શહેરમાં મેટ્રો લાઇન-1 અને લાઇન-2નું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ લાઈન-1ના મજૂરા ગેટથી ભેસાણ સેક્શન પર અડાજણમાં માત્ર 1900 મીટરમાં ચાર સ્ટેશન આકાર લઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રિંગ રોડ પર બે સ્ટેશન વચ્ચે અંદાજે 1200 મીટરનું અંતર છે. મેટ્રોરેલનો આ એક એવો વિભાગ છે જ્યાં ટ્રેન એક સ્ટેશનથી નીકળશે કે તરત જ આંખના પલકારામાં બીજું સ્ટેશન આવી જશે. સ્ટેર બજારથી એલપી સવાણી સુધીના સીધા રોડ પર એક્વેરિયમ અને એલપી સવાણી સ્ટેશન વચ્ચે આ 4 સ્ટેશન બની રહ્યાં છે. પહેલું સ્ટેશન એક્વેરિયમ, બીજું અડાજણ ગામ, ત્રીજું પરફોર્મિંગ આર્ટ સેન્ટર અને ચોથું એલપી સવાણી સ્ટેશન છે. અડાજણ ગામથી તો સીધી લીટીમાં એક સાથે 3 મેટ્રો સ્ટેશન સ્પષ્ટ જોઈ શકાય એમ છે. લાઇન-2માં 2 કિમીથી ઓછા અંતરમાં કુલ 4 મેટ્રો રેલ સ્ટેશન મેટ્રો લાઇન-2 એટલે કે સારોલીથી ભેસાણ સુધીની ટેક્સટાઇલ ગ્રીન લાઇનની કુલ લંબાઈ 18.74 કિમી છે, જેમાં તમામ 18 સ્ટેશન એલિવેટેડ બનાવાશે. આ લાઇન ભેસાણથી મજૂરા અને મજૂરાથી સારોલી વચ્ચે બે ભાગમાં બનાવવાઈ રહી છે. મજૂરા અને ભેસાણ વચ્ચે માત્ર 1900 મીટરના અંતરમાં જે ચાર મેટ્રો સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. કાપડ માર્કેટના 5.5 કિમીમાં 5 સ્ટેશન
મજૂરા ગેટથી સારોલી સેક્શન પર રિંગ રોડ અને સારોલી ટેક્સટાઇલ માર્કેટ છે, પરંતુ અહીં બે સ્ટેશનો વચ્ચેનું અંતર એકથી દોઢ કિલોમીટર જેટલું છે.
અઠવા ચોપાટી સ્ટેશનથી મજૂરા સ્ટેશનનું અંતર 1155 મીટર છે.
મજૂરા સ્ટેશનથી ઉધના દરવાજા સ્ટેશનનું અંતર 1627 મીટર છે.
ઉધના દરવાજા સ્ટેશનથી કમેલા દરવાજા સ્ટેશન વચ્ચેનું અંતર 601 મીટર છે.
કમેલા દરવાજા સ્ટેશનથી આજણા ફાર્મ સ્ટેશનનું અંતર 1346 મીટર છે.
આંજના ફાર્મથી મોડલ ટાઉનનું અંતર 1042 મીટર છે. અધિકારીનો તર્ક : લોકોની અવરજવર વધુ હોવાથી ચાર સ્ટેશન છે
ભાસ્કરનો સવાલ : રિંગ રોડ પર લાખો લોકો જાય છે ત્યાં કેમ નહીં? ભાસ્કરને મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે DPR બની રહ્યો હતો ત્યારે સ્ટેશનો વચ્ચેનું અંતર નક્કી કરાયું હતું. એલપી સવાણીથી એક્વેરિયમના પટ્ટામાં લોકો વધુ ભેગા થાય છે. કારણ કે ત્યાં એક્વેરિયમ, પરફોર્મિંગ આર્ટસ સેન્ટર અને સ્કૂલ આવેલા છે, જેથી 2 કિમીમાં 4 સ્ટેશન છે. અડાજણમાં આ સૌથી વ્યસ્ત વિસ્તાર છે, જ્યારે રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા અને ભારે વાહનોની અવર-જવરને કારણે આટલા નજીક સ્ટેશન બનાવવા શક્ય ન હતાં.