દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ફરી ઘરમાં આવ્યો છે. ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળીના ઉપપ્રમુખ અને કમિટીના સભ્યમાંથી નરેશ પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાવા પામ્યું છે. તાપી જિલ્લાની એકમાત્ર અને ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર રાજકારણ ભોગ બનતી આવી છે અને ઘણા વર્ષોથી આ સુગર ફેકટરી બંધ હાલતમાં હતી. છેલ્લા એક વર્ષથી ફરી આ સુગર ધીમી ગતિએ પાટા પર ચડી રહી હતી, ત્યાં જ ફરી રાજકારણનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા વ્યારા સુગર ફેક્ટરીને ફરી ચાલુ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી અને સુગર ફરી ચાલુ થાય તો તાપી જિલ્લાના શેરડી પકાવતા ખેડૂતો માટે આ સુગર એક આશીર્વાદરૂપ સાબિત થાય તેવું હતું, પરંતુ ફરી આ સુગરને રાજકારણનું ગ્રહણ લાગ્યું હોય તેમ વ્યારા સુગરના ઉપપ્રમુખ તેમજ કમિટીના સભ્ય એવા નરેશ પટેલે વ્યારા સુગરના પ્રમુખ અને સુમુલ ડેરીના ચેરમેન એવા માનસિંગ પટેલ પર આક્ષેપ કર્યા છે કે માનસિંગ પટેલ દ્વારા મનસ્વી રીતે સુગરનો વહીવટ કરવામાં આવી રહ્યો છે. જેને પગલે જે સુગરના સભાસદો છે એ સભાસદો નું હિત જોખમાઈ રહ્યું છે તેવા નિવેદન સાથે પોતે સુગરના ઉપપ્રમુખ પદે તેમજ કમિટીના સભ્ય પદેથી રાજીનામું આપતા ફરી સહકરી રાજકારણ ગરમાવા પામ્યું છે. બીજી તરફ ખેડૂત સભાસદો માટે આશીર્વાદરૂપ એવી વ્યારા સુગર ફરી રાજકારણનો ભોગ બનવા તરફ જઈ રહી હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે.