સુરતમાં 27 ડિસેમ્બર વહેલી સવારે એક હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. સરથાણા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવકે ચપ્પુ વડે પોતાની પત્ની અને દીકરાની ગળું કાપી હત્યા કરી હતી. ત્યારબાદ માતા પિતાની પણ ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે પોતાને પણ ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ આખી ક્રૂરતાની ઘટનાને યુવકની માતાએ જણાવી હતી. હોસ્પિટલના બિછાનેથી માતાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર એકલા પડી ગયા હોવાનું કહી તમામના ગળા કાપ્યા હતા. સ્મિત જીયાણીએ જ્યારે માતા પર ચપ્પુંથી હુમલો કર્યો ત્યારે માતાએ એક તમાચો ઝીંકી દીધો હતો અને ચપ્પુ પણ તૂટી ગયું હતું. જો કે, દીકરા પર ખુન સવાર હોય તેમ તુટી ગયેલા ચપ્પુથી પોતાના હાથ, ગળું અને છાતી પણ ઘા માર્યા હતા. હાલ તો યુવાન અને તેના માતા પિતા સારવાર હેઠળ છે. જ્યારે યુવક વિરૂદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્મિત એકલો પડી ગયાનું રટણ કરતો હતો- માતા
ગળું કપાયેલી હાલતમાં દીકરા સ્મિત જીયાણીની ક્રૂરતા અંગે જણાવ્યું હતું કે, હું એકલો છું, એટલે મગજમાં ટેન્શન ભરાઈ ગયું છે. હું એકલો છું, હું એકલો રહી ગયો છું સ્મિત કહ્યા કરતો હતો. મારા જેઠનું અવસાન થયું હતું. પાંચ દિવસથી અમે તેમના ઘરે બેસવા જતા હતા. જોકે મારા જેઠના દીકરાઓએ કહી દીધું કે હવે તમે અમારા ઘરે નહીં આવતા. મારા જેઠ અને મારા પતિ બંને હીરાનું સાથે કામકાજ કરતા હતા. જેને લઈને બંને વચ્ચે મન દુઃખ થઈ ગયું હતું. મારા પતિને એ પાંચ ભાઈઓ છે. જેમાં મારા પતિ નો છેલ્લો નંબર છે એટલે કે અમે સૌથી નાના છીએ. મારા બધા જેઠ ને બધા એક થઈ ગયા અને સ્મિત અને તેના પિતાને અલગ કર્યા હતા. મારા જેઠનું અવસાન થઈ ગયું અને ત્યાં જતા અમને આવવાની પણ મનાઈ કરી દીધી હતી. મારો દીકરો એકલો થઈ ગયો હોવાથી ઘાંઘો થયો હતો કહેતો હતો કે મમ્મી હું શું કરું. મેં તેને કહ્યું હતું કે બેટા એકલા હોય તો શું કરીએ ભગવાન બધાના હોય છે. દુનિયામાં એકલા હોઈએ તો એકલા રહેવાય. એ બધાએ એક થઈ ગયા છે અને અમારી પાસે પૈસા માગ્યા કરતા હતા. પૈસા ન આપે તો કહેતા કે તને નહીં આવવા દઈએ. ‘અમે હોલમાં સૂતા હતા ત્યારે સ્મિત આવ્યો અને ચપ્પુના ઘા મારવા લાગ્યો’
હું અને મારા પતિ ફ્લેટમાં હોલમાં સુતા હતા. ત્યારે અચાનક સ્મિત થશે આવ્યો હતો અને ચપ્પુ ના ઘા મારવા લાગ્યો હતો. હું ઊંઘમાંથી જાગી ક્યારે તે ચપ્પુના ઘા મારી રહ્યો હતો. જેથી મેં તેનો હાથ અને ચપ્પુ પકડી લીધા હતા. પછી મેં તેને એક તમાચો પણ માર્યો હતો અને ચપ્પુ પણ તૂટી ગયું હતું. ચપ્પુના ઘા મારવા જતાં જ મેં હાથ આડે કરતા ચપ્પુ ભાંગી ગયું હતું. ત્યાં સુધીમાં મને ગળા પર ઘા મારી દીધો હતો. ત્યારબાદ સ્મિતે પોતાને હાથ છાતી અને ગળા પર ચપ્પુના ઘા માર્યા હતા. દીકરા દ્વારા ક્રૂરતા પૂર્વક હુમલાબાદ માતા ગળું કપાયેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યા હતા અને બુમાબૂમ કરી હતી કે સ્મિતએ બધાને મારી નાખેલ છે મારી નાખેલ છે તેવી બુમાબુમ કરતા હતા. જેથી પાડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી ત્યારબાદ માતા-પિતા અને સ્મિતને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ચાર વર્ષે દીકરો અને પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સ્મિતે ચપ્પુના ઘા મારી પત્ની અને પુત્રની હત્યા નિપજાવી
મુળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં સરથાણામાં સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતાં 35 વર્ષીય સ્મીત જીયાણીએ 27 ડિસેમ્બર વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ બેડરૂમમાં નિંદ્રાધીન 30 વર્ષીય હિરલ અને માત્ર ચાર વર્ષના માસુમ પુત્ર ચાહિત જીયાણીના ચપ્પુ વડે ગળા કાપી મોતને ઘાટ ઉતાર્યા હતા. પુત્ર અને પત્નીને ઊંઘમાં જ મોતને ઘાટ ઉતાર્યા સમયે સ્મિત રટણ કરતો હતો કે હું એકલો પડી ગયેલ છું હવે આપણ કોઇ રહ્યું નથી. માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યા બાદ પોતે પણ મરી જવાનો પ્રયાસ કર્યો
પુત્ર અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ સ્મીતે બાજુના હોલમાં સુઈ રહેલા પોતાના પિતા લાભુ જીયાણી અને માતા વિલાસ જીયાણી પર પણ ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના તમામ સભ્યો પર જીવલેણ હુમલા બાદ સ્મીતે પણ પોતાના હાથની નસો કાપી, ગળા પર અને છાતી પર ચપ્પુના ઘા મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પુત્ર દ્વારા અચાનક કરવામાં આવેલ હુમલાને પગલે માતા અને પિતા અવાક રહી ગયા હતા અને લોહી લુહાણ હાલતમાં ઘરની બહાર નીકળીને બુમાબુમ કરવા લાગતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પડોશીઓ સમગ્ર ઘટના અંગે કંઈ સમજે -વિચારે તે પહેલાં તો ઘરની હાલત જોઈને જ તેઓ ડઘાઈ ગયા હતા. માસુમ બાળક અને પત્નીનું તો ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે સ્મીત સહિત માતા અને પિતાની ગંભીર હાલતને ધ્યાને રાખીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પત્ની -પુત્રની ઘાતકી હત્યા અને માતા- પિતાને પણ જાનથી મારી નાખવાના પ્રયાસ બાદ પોતે આપઘાત કરવાનો પ્રયાસ કરનાર સ્મીતના હિચકારા કૃત્યને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઉચ્ચાધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી ગયો હતો. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન માસુમ પુત્ર ચાહિત અને પત્ની જમીન પર લોહીલુહાણ હાલતમાં નજરે પડ્યા હતા. જ્યારે પિતાના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. માતાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારતાં તેઓની શ્વાસનળીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પણ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હત્યારા સ્મિતે પોતે આપઘાતનો પ્રયાસ કરવા માટે બંને હાથની નસ કાપી, છાતી પર ચપ્પુના ઘા અને ગળા પર પણ ઘા મારી ઇજા કરતા તેને પણ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. હાલના તબક્કે પોલીસ દ્વારા સ્મીત વિરૂદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોટાબાપાના નિધન બાદ પિતરાઈ ભાઈઓ સાથે બોલાચાલી થઈ હતી
સરથાણા ખાતે રહેતા અને ઓનલાઈન ધંધો કરનાર સ્મિત જીયાણીના મોટા બાપાનું પાંચ દિવસ પૂર્વે જ અવસાન થયું હતું. જેને પગલે છેલ્લા પાંચેક દિવસથી જીયાણી પરિવાર પોતાના પિતરાઈ ભાઈને ત્યાં બેસવા માટે જતો હતો. અલબત્ત, ગત રોજ મોટા બાપાના પુત્રની સ્મિત જીયાણી સાથે બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન પિતરાઈ ભાઈએ સ્મિતને કોઈપણ પ્રકારના પારિવારિક સંબંધો ન રાખવાની સાથે બીજી વખત ઘરે ન આપવવા માટે પણ ટકોર કરી હતી. જેને પગલે માઠું લાગી આવતાં સ્મીત દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની પ્રાથમિક તપાસમાં પોલીસ જણાવી રહી છે. સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવનાર હિચકારી ઘટનાને પગલે પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. પોલીસ દ્વારા આરોપી સ્મિતને હાલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. હાલના તબક્કે પારિવારિક કંકાશમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસ દ્વારા હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ તુટી ગયેલું ચપ્પુ જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં સરથાણા પોલીસ દ્વારા આરોપી સ્મિત ના પિતા ની હાલત થોડીક સ્ટેબલ થતા તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પારિવારિક ઘર કંકાસ પણ ચાલતો હતો, આ સાથે જ પિતરાઇ ભાઈઓ દ્વારા પણ સંબંધ તોડી નાખતા આ ઝઘડામાં વધારો થયો હતો. બંને પતિ પત્ની વચ્ચે પણ થોડા ઝઘડાઓ થતા હતા. પત્ની ઓનલાઇન નાની મોટી ચીજ વસ્તુઓ વેચવાનું શરૂ કરવા માગતી હતી. જોકે સ્મિત કહેતો હતો કે તમે કહી દો અને શરૂ થઈ જાય તેવું નથી. જેને લઈને પણ નાના-મોટા ઝઘડાઓ થયા કરતા હતા. ઘરમાં સાસુ વહુના પણ નાના મોટા ઝઘડાઓ થતા રહેતા હતા. આ બધા વચ્ચે થોડું દેવું પણ થઈ જવાના કારણે સ્મિત ટેન્શનમાં રહેતો હતો. સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્મિતે મરવા માટે અલગ અલગ તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. માતા-પિતાને ચપ્પુના ઘા મારવા જતા તૂટી ગયેલા ચપ્પુથી પોતાને ઘા માર્યા હતા. ત્યારબાદ રેઝર વડે બંને હાથના કાંડાઓ કાપ્યા હતા. આ સાથે જ નાની કાતર વડે પણ ગાળાના ભાગે ઘા માર્યા હતા. જ્યારે અન્ય એક ચપ્પુ વડે છાતીના ભાગે પણ ઘા માર્યા હતા. હાલ તો સ્મિતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.