મહેસાણાના ખેડૂતની 12 વર્ષની સગીર દીકરીને લલચાવી ફોસલાવી ગાંધીનગરના ઉનાવાથી બાઈક પર અપહરણ કર્યું હતું. વડોદરા ખાતે ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચનાર કડીના ઈસમને ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટે તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદ તેમજ 14 હજારનો દંડ ફટકાર્યો છે. મહેસાણા જિલ્લાના કડી ખાતે ખેડૂતની 12 વર્ષની સગીર દીકરી ધોરણ- 8માં અભ્યાસ કરતી હતી. જે ગાંધીનગરના ઉનાવા ગામે તેના મામાનાં ઘરે રહેવા માટે આવી હતી. જૂન 2023ના રોજ ખેડૂત પોતાના ઘરે હાજર હતા. એ વખતે સાળાએ ફોન કરીને જાણ કરેલી કે, સગીરા બપોરના આશરે અઢી વાગ્યે ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતી રહેલી છે. જેની અત્યાર સુધી અમોએ શોધખોળ કરવા છતા ક્યાંય મળી આવેલી નથી. ખેડૂતે દીકરીની ચારે દિશામાં શોધખોળ કરી પણ ન મળી
આ જાણીને ખેડૂત પણ ગાંધીનગર આવી ગયા હતા અને દીકરીની ચારે દિશામાં શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કયાંય પત્તો લાગ્યો હતો. જો કે આશરે ત્રણેક માસ અગાઉ સગીરા મોબાઇલ ફોન ઉપર કોઇક છોકરા જોડે વાત કરતી હતી. જે બાબતે ખેડૂતે તપાસ કરતા તે ગામના મહેન્દ્ર ઉર્ફે પકો દશરથજી ઠાકોર સાથે વાત કરતી હોવાનું જાણવા મળ્યું હતું. અને જે તે વખતે તેમણે દીકરીને સમજાવી મહેન્દ્ર ઠાકોરના ઘરે જઇને ઠપકો પણ આપ્યો હતો. શંકા વ્યક્ત કરી દીકરીને ભગાડનાર પર ફરિયાદ કરી
આથી તેજ દીકરીને ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરી તેમણે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેનાં પગલે પોલીસે તપાસ હાથ ધરી મહેન્દ્ર ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. અને જરૂરી સગીરાનું નિવેદન લેતા મહેન્દ્ર ઠાકોર ઉનાવાથી લલચાવી ફોસલાવી બાઈક પર અપહરણ કરી લઈ ગયો હતો અને વડોદરા ખાતે તેને ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત સામે આવી હતી. જે મામલે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે સગીરાને ચાર લાખનું વળતર
જે કેસ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ એસ. ડી. મેહતા સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ સુનીલ એસ પંડ્યાએ ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે મહેન્દ્ર ઠાકોરને 20 વર્ષની સખત કેદ તેમજ 14 હજારનો દંડ ભોગવવાનો ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે સગીરાને ચાર લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.