સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમકદના ઉધોગોને પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ત્રીદિવસીય ગ્લોબલ ઝાલાવાડ એક્સ્પોનું આયોજન સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. જે એક્સ્પોને આજે મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ એક્સ્પોની ત્રણ દિવસમાં ત્રણ લાખ લોકોથી વધુ મુલાકાત લે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને નાના અને મધ્યમકદના ઉધોગોને વેપાર ધંધામાં પ્રોત્સાહન મળે તેમજ આવા ઉધોગકારો દ્વારા ઉત્પાદન કરવામાં આવતી ચીજવસ્તુઓને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ઝાલાવાડ ફેડરેશન આેફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારીખ 27થી 29 ડિસેમ્બર એમ ત્રણ દિવસ ગ્લોબલ ઝાલાવાડ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તેમજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક સહીતનાઆેના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સમિટ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત રાજ્ય અને દેશ લેવલની કંપનીઓ ભાગ લઇ રહી છે અને કુલ 200થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ મહિલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓને પ્રોત્સાહન મળે તે માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ સંપત્તિનો અપૂર ભંડાર છે, તેમજ પુષ્કળ પશુધન છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નાના ઉધોગકારોને જો પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટફોર્મ મળે તો વૈશ્વિક લેવલે ઝાલાવાડની વસ્તુઓ એક બ્રાન્ડ બની શકે છે. અને આ ઉમદા ઉદ્દેશ સાથે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી સુરેન્દ્રનગર જિલ્લાના ઉધોગ ક્ષેત્રે તેમજ પ્રાકૃતિક ખેતીમાં આગામી સમયમાં ચોક્કસ નવી ઉંચાઇ જોવા મળશે અને ફાયદો થશે તેવી આશા છે. આ ઉપરાંત યુવા ઉધોગકારોને પ્રોત્સાહન આપવા યુથઆઇકોન મિટ સહીતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસની આ સમિટમાં ત્રણ લાખથી વધુ લોકો મુલાકાત લેશે તેવી શક્યતાઓ છે.