ગીરના જંગલમાં સિંહ દર્શન કરવા માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દેશ-વિદેશથી પ્રવાસીઓ એશિયાટિક લાયનને નજીકથી નિહાળવા અને પ્રકૃતિના આનંદ માણવા માટે સાસણ આવી રહ્યા છે. સાસણ ગીર માત્ર સિંહ દર્શન માટે જ નહીં, પરંતુ પ્રકૃતિના આનંદ માણવા માટે પણ એક લોકપ્રિય સ્થળ બની ગયું છે. સાસણ ગીરમાં 350થી વધુ રિસોર્ટ, હોટલ અને ફાર્મ હાઉસ હોવા છતાં તહેવારો અને રજાઓમાં બધી જ જગ્યાઓ બુક થઈ જાય છે. આ વર્ષે ક્રિસમસની રજાઓમાં પણ સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નાતાલની રજાઓ ચાલી રહી છે, ત્યારે આ મિની વેકેશનમાં સાસણમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જોધપુરની ખુશ્બુએ માંડમાંડ બુકિંગ કરાવ્યું
જોધપુરથી સાસણ ફરવા આવેલી ખુશ્બુ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે પરિવાર સાથે રાજસ્થાન જોધપુરથી અહીં સાસણ ફરવા માટે આવ્યા છીએ. ખાસ ક્રિસમસની રજાઓ માણવા અને સાસણના સિંહ જોવા માટે આજે અમે અહીં આવ્યા છીએ. આખા એશિયામાં માત્ર સાસણ જ એક એવી જગ્યા છે કે જ્યાં સિંહ વસે છે. હાલ જ્યારે નાતાલની રજાઓ ચાલી રહી છે, ત્યારે માંડ માંડ અમે સફારી પાર્કમાં જવા માટે બૂકિંગ કરાવી શક્યા છીએ. ‘વન્ય પ્રાણીને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત’
પરિવાર સાથે મુંબઈથી સાસણ સિંહ જોવા આવેલી ખુશીએ જણાવ્યું હતું કે, અમે સૌ પરિવાર સાથે અહીં સાસણ સિંહ સદનમાં આવ્યા છીએ અને અહીંનું વાતાવરણ ખૂબ જ રમણીય છે. જીપ્સીમાં બેસી અમે ગીર નેચર સફારી પાર્કમાં સિંહ જોવા માટે જઇશું. હું ગીર નેચર પાર્કના સિંહો અને અન્ય વન્ય પશુ પ્રાણીને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મારું એક સપનું હતું કે હું સાસણ ફરવા આવું- મુંબઈની પ્રીતિ
મુંબઈથી સાસણ ફરવા આવેલા પ્રીતિ તિવારીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી મારું એક સપનું હતું કે હું સાસણ ફરવા આવું. પરંતુ ઘણા સમય બાદ પરિવાર સાથે આજે સાસણ આવવાનો મને મોકો મળ્યો છે. અમે વિચારીએ છીએ કે નવું વર્ષ પણ અમે અહીં જ ઉજવીશું. 350થી વધારે રિસોર્ટ અને હોટલો અને ફાર્મ હાઉસ
સાસણમાં 350થી વધારે રિસોર્ટ અને હોટલો અને ફાર્મ હાઉસ છે. દર વર્ષે દરેક તહેવારો અને રજાના દિવસોમાં અહીંની હોટલ, રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં બુકિંગ ફૂલ થઇ જાય છે. સફારી પાર્કમાં સિંહ, દીપડા, હરણ, વરુ સહિતના વન્ય જીવો
ગીર જંગલ 1400થી વધારે ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. પ્રકૃતિની વિવિધતાથી ભરપૂર એવા આ ગીર વિસ્તારમાં 600થી વધુ વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. ત્યારે ગીર નેચર સફારી પાર્કમાં સિંહ, દીપડા, હરણ, વરુ સહિતના પશુ પક્ષીઓ અને વન્ય જીવો જોવા મળે છે. નાતાલની રજાઓમાં સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાસણ ફોરેસ્ટ ઉમટ્યા છે. સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારી સુવિધાઓ ઉભી કરવામાં આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે
સમગ્ર ભારત અને વિદેશી પ્રવાસીઓમાં સાસણમાં સિંહ દર્શન આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે વિશ્વના 40 દેશો તેમજ સમગ્ર ભારતમાંથી લાખો પ્રવાસીઓ ગીર અભ્યારણની મુલાકાત લઈને ગીરના એશિયાઈ સિંહો તેમજ જૈવિક સૃષ્ટિને નિહાળવા માટે આવે છે. અહીં આવતા પ્રવાસીઓ પ્રકૃતિ અને વન્યજીવોને નિહાળી બોલી ઊઠે છે કે, એક વાર તો સાસણ જરૂર આવવું જોઈએ. અહી સિંહ ઉપરાંત દીપડો, કાટવરણી, જંગલી બિલાડી, ઘોરખોદીયું, કીડીખાઉ, મગર, અજગર જેવા વન્ય પ્રાણીઓનું સાસણ ગીર નિવાસસ્થાન છે. જેને લઇને દર વર્ષે દેશ વિદેશના લાખો પ્રવાસીઓને સાસણ ગીર ખેંચી લાવે છે, ત્યારે નાતાલની રજાઓમાં તા. 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સાસણની મુલાકાત લેવા આવી રહ્યા છે.