અનિરુદ્ધસિંહ પરમાર
ઝુ માસ્ટર પ્લાન 2024 હેઠળ ગ્યાસપુરમાં 500 એકરમાં સફારી પાર્ક તૈયાર કરાશે. આ પાર્ક દેશનો બીજા નંબરનો કૃત્રિમ બાયોડાયવર્સિટી પાર્ક હશે. મ્યુનિ. હાલ ડિઝાઇનને અંતિમ ઓપ આપી રહી છે. એ પછી સરકારને મંજૂરી માટે મોકલાશે. જંગલ સફારીનું કામ 7 તબક્કામાં પૂરું થશે. 250 કરોડના આ પ્રોજેક્ટમાં વિવિધ કામ માટે ટૂંકમાં ટેન્ડર કરાશે.
આ જંગલ સફારીમાં લોકો રાત્રે પણ રોકાણ કરી શકશે. પક્ષીઓ જોવા માટે 7 કિમીનો રૂટ હશે. પ્રકૃતિ અને પ્રાણીને જોવા માટે લોકોએ શહેરથી દૂર જવું નહીં પડે. હાલની ડિઝાઇન મુજબ સફારી પાર્કમાં એકથી વધુ કૃત્રિમ તળાવ હશે. ગાઢ વૃક્ષો મુજબ જંગલ સફારીની ડિઝાઇન બનાવવામાં આવશે. જ્યાં ઓછા વૃક્ષ હશે ત્યાં રેસ્ટોરાં કે કાફે તૈયાર કરાશે. પ્રોજેક્ટમાં એકપણ વૃક્ષ કાપવામાં નહીં આવે. અહીં ગીર જેવી ઓપન જીપ સફારી હશે. દેશના વિવિધ વિસ્તારના પ્રાણીઓ સાથે વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવશે અને તેમને અનુકૂળ વાતાવરણ તૈયાર કરાશે. સફારીમાં વાઘ, સિંહ, દિપડા સહિતના પ્રાણી જોવા મળશે. ગાઢ જંગલથી ઘેરાયેલા કૃત્રિમ સફારી પાર્કને કારણે વર્ષે અંદાજે 2100 ટન ઓક્સિજન પેદા થશે. સમગ્ર જંગલ સફારી કોર્ડનમાં રહેશે. આ ઉપરાંત માત્ર એક કે બે એન્ટ્રી ગેટ રાખવામાં આવશે. સરકારની મંજૂરી પછી ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ સુવિધા હશે
ઓપન જીપ સફારી
નાઇટ સફારી
કેમ્પિંગ સાઇટ
એડ્વેન્ચર એક્ટિવિટી
જોગિંગ- સાઇકલ ટ્રેક
રેસ્ટોરન્ટ- કેફે
ખુલ્લા પાંજરા
ડાયના પાર્ક
બાળકો માટે પ્લે એરિયા મુલાકાતીઓની જરૂર મુજબ પાર્કને વિવિધ ઝોનમાં વહેંચી દેવાયો છે. વિદેશથી લવાનારા પ્રાણીઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરાશે
હાલના પ્લાન મુજબ, દેશના વિવિધ વિસ્તારોના પ્રાણીઓની સાથે કેન્દ્ર સરકારની મંજૂરી મુજબ વિદેશના પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ તૈયાર કરીને તેઓને પણ અહીં વસાવાશે. જેથી મુલાકાતીઓ જંગલ સફારીમાં દેશના વિવિધ વિસ્તારોની સાથે વિદેશી પ્રાણીઓને પણ જોઇ શકશે. આ માટે ડિઝાઇન ફાઇનલ થયા બાદ તે મુજબ કેન્દ્રની મંજૂરી બાદ અંતિમ નિર્યણ લેવાશે.