back to top
Homeગુજરાતઠંડીથી ઠુંઠવાતા ઘરવિહોણાઓને આશરો અપાવવા હેલ્પલાઈન નંબર જાહેર કરાશે:મ્યુ. કમિશનરે ફૂટપાથ પર...

ઠંડીથી ઠુંઠવાતા ઘરવિહોણાઓને આશરો અપાવવા હેલ્પલાઈન નંબર જાહેર કરાશે:મ્યુ. કમિશનરે ફૂટપાથ પર કોઈ સૂતેલુ કે રખડતું જોવા મળે તો જાણ કરવા લોકોને અપીલ કરી

રાજકોટમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, જેમાં ખાસ નિરાધાર તેમજ ઘરવિહોણા લોકો ઠંડીમાં ઠુંઠવાતા હોય છે. આવા લોકો માટે મનપા દ્વારા સામાજિક સંસ્થાઓ સાથે મળીને રેનબસેરા ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઘરવિહોણા લોકોને રહેવાની સાથે જમવાની સુવિધાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. જોકે, મોટાભાગના લોકો આ બાબતથી અજાણ હોવાને કારણે ઠંડીમાં બહાર સૂતા હોય છે ત્યારે આવા લોકો રેનબસેરા સુધી પહોંચે તે માટે નવનિયુક્ત મ્યુ. કમિશનર દ્વારા નંબર જાહેર કરવામાં આવનાર છે. ફૂટપાથ પર સૂતેલા લોકો જોવા મળે તો મનપાનો સંપર્ક કરો
રાજકોટનાં તાજેતરમાં નિમણૂક પામેલા મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ તાજેતરમાં શહેરનાં રેનબસેરાની ખાસ રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ઘણી જગ્યાઓ ખાલી હોવાથી ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકોને વ્હારે આવવા તેમના દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનર દ્વારા રસ્તા પર સૂતા લોકોને રેનબસેરામાં ખસેડવા ટીમો તૈયાર કરવામાં આવી છે. ત્યારે લોકોને પણ અપીલ છે કે, જ્યારે રસ્તા પર રખડતા કે ફૂટપાથ પર સૂતેલા લોકો જોવા મળે ત્યારે મનપાનો સંપર્ક કરે જેથી આવા લોકોને તાત્કાલિક રેનબસેરામાં ખસેડી શકાય. રેનબસેરામાં 1800 લોકો રહી શકે એવી વ્યવસ્થા
મ્યુ. કમિશનર તુષાર સુમેરાનાં જણાવ્યા મુજબ હાલમાં મારા દ્વારા રેનબસેરાની મુલાકાત લઈને વિગતો લેવામાં આવી હતી. જેમાં રાજકોટમાં જુદા-જુદા રેનબસેરામાં મળીને કુલ 1800 જેટલા લોકોનો સમાવેશ કરવા માટેની સગવડ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં રહેવા-જમવા માટેની ખૂબ જ સારી સગવડ પણ રાખવામાં આવી છે. તો આવી કડકડતી ઠંડીમાં લોકોને ફૂટપાથ પર સૂવું પડે નહીં તેના માટે આવા લોકોને રેનબસેરા સુધી પહોંચાડવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. અમારી ટીમો દ્વારા આ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હેલ્પ લાઇન નંબર જાહેર કરવાનું આયોજન હાથ ધર્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં નિરાધાર અને ઘરવિહોણા લોકોને રેનબસેરા આશીર્વાદ રૂપ બને એવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આગામી દિવસોમાં રસ્તા પર સુતા અને ફૂટપાથ પર વસવાટ કરતા લોકોને લઈને હેલ્પ લાઇન નંબર જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નંબર ઉપર સંપર્ક કરતા જ મનપાની ટીમ પહોંચી જશે. અને જે-તે વ્યક્તિને રેનબસેરાની માહિતી આપીને તેમાં ખસેડવા માટેની વ્યવસ્થા તાત્કાલિક કરી આપવામાં આવશે. જો કે કેટલાક લોકો અનેક પ્રયાસો કરવા છતાં રેનબસેરામાં રહેતા નહીં હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. હાલ 270 લોકો રેનબસેરાનો લાભ લઈ રહ્યા છે
આ અંગે પ્રોજેકટ શાખાનાં મેનેજર કાશ્મીરાબેન વાઢેરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેરમાં કુલ 5 રેનબસેરા છે. જેમાં કોર્ટ નજીક, ભોમેશ્વર પ્લોટ, રામનગર આજીવસાહત, મરચા પીઠમાં અને આજીડેમ નજીક રેનબસેરા રહેવા અને જમવાની તમામ સુવિધાઓ સાથે કાર્યરત છે. જેમાં અંદાજે દરેક રેનબસેરામાં 200-200 મળી કુલ 1000થી વધુ લોકોનો સમાવેશ કરવાની ક્ષમતા છે. જોકે, આજની સ્થિતિએ માત્ર 270 જેટલા લોકો આ સેવાનો લાભ લઇ રહ્યા છે. બાકીની જગ્યાઓ ખાલી છે. દરરોજ 400 શ્રમિકો આ સુવિધાનો લાભ લે છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરનાં બેડીનાકા ખાતે પણ એક રેનબસેરા હતું. જોકે તે જર્જરિત બન્યું હોવાથી તેને ડિસમેન્ટલ કરીને નવું બનાવવામાં આવશે. આ માટે જનરલ બોર્ડમાં દરખાસ્ત થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અન્ય તમામ રેનબસેરા સારી રીતે કાર્યરત છે. હાલ તેમાં 270 લોકો વસવાટ કરે છે. જોકે, આ સંખ્યા દરરોજ બદલાતી રહે છે. સરેરાશ જોઈએ તો દરરોજ 400 શ્રમિકો મનપા દ્વારા આપવામાં આવતી આ સુવિધાનો લાભ લેતા હોય છે. ત્યારે બાકીની જગ્યાઓમાં વધુ લોકોને સુવિધાઓ મળે તે માટે મ્યુ. કમિશનર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરી દેવામાં આવનાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments