સુરતના સચિન વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે દારૂ પીવાની બાબતે ઝઘડો થયા બાદ પતિએ પત્નીની હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે. રાત્રિના સમયે દારૂ પીવાની આદત બાબતે પત્નીએ ઠપકો આપતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિએ પત્નીને માર મારતા મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે પતિ સામે હત્યાનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારે જણાવ્યું હતું કે ઘટના રાત્રે બની હતી. દયારામ યાદવ કામ પરથી દારૂના નશામાં ચૂર બની ઘરે આવ્યો હતો. જેથી પત્ની અનસૂયાએ માત્ર એટલું જ કહ્યું હતું કે તુંમ દારૂ બહુત પીતા હે, બસ આજ વાત પર દયારામે પત્નીને ફટકારી હતી. ત્યારબાદ સુઈ ગયો હતો. જોકે સવારે ઉંઘ ઉડતા જ પત્ની બેડ પર બેભાન હાલતમાં જોઈ દયારામના હોશ ઉડી ગયા હતા. તાત્કાલિક 108ની મદદથી પત્ની અનસૂયા ને સુરત સિવિલ લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ અનસૂયા ને મૃત જાહેર કરતા સચિન પોલીસ ને જાણ કરાઈ હતી. સચિન સ્થિત હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રોડ નં. ૨૦ ના ક્રિષ્ના પ્લાસ્ટિક નામના કારખાનામાં પેકિંગનું કામ કરતી અનસુયા ઉર્ફે નૈમતી દયારામ ચૈતુ યાદવ (ઉ.વ. 29 મૂળ રહે. કૌઅઝરી મોલ, તા. શાહીપુરા, ઢીંડોરી, મધ્યપ્રદેશ) નો ગત રાતે પોતાની સાથે જ કારખાનામાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા પતિ સાથે ઝઘડો થયો હતો. અનસુયાની પાછળની રૂમમાં જ રહેતા તેની બહેન ઓમબાઈ અને બનેવી નરેશ ધાનીરામ યાદવે ઝઘડાનો અવાજ સાંભળ્યો હતો. પરંતુ ચારિત્ય અંગે શંકા રાખી દયારામ વચ્ચે રોજબરોજ ઝઘડો કરતો હોવાથી ઝઘડાને નજર અંદાજ કરી તેઓ સુઇ ગયા હતા. સવારે દયારામે ઓમબાઈને કહ્યું હતું કે,રાતે અનસુયા સાથે ઝઘડો થયો અને મેં તેને બે—ત્રણ તમાચા માર્યા બાદ પલંગ સાથે માથું જોરથી ભટકાડયા બાદ અમે બંને સુઈ ગયા હતા. પરંતુ અનસુયા ઉઠતી નથી જેથી ઓમબાઈ તુરંત જ પતિ નરેશને જાણ કરવાની સાથે દયારામની રૂમમાં દોડી ગઇ હતી. જયાં અનસુયા મૃત હાલતમાં હોવાથી તુરંત જ સચિન પોલીસને જાણ કરી હતી. સચિન પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, પતિએ પત્નીને દારૂના નશામાં બેથી ત્રણ તમાચા માર્યા બાદ તેનું માથું ખાટલા સાથે અથડાવતા ગંભીર ઈજા થઈ હતી. જેથી પત્નીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે પતિ દયારામ સામે પત્નીની હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દયારામ અને અનસુયાના વર્ષ 2008માં લગ્ન થયા હતા અને સંતાનમાં બે પુત્ર છે જેઓ વતનમાં રહે છે.