બાબરાના નિલવડામાં મારા મારીની ઘટનાનો મામલો વધુ ગરમાયો છે. અલગ અલગ બે ફરિયાદ મારામારીની નોંધાઈ હતી. જેમાં 5 ઈસમો સામે ગુનો નોંધાવમાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલા કોન્સ્ટેબલની પણ સંડોવણી હોવાના આક્ષેપ સાથે તેનું નામ પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે અનુજાતિ સમાજ દ્વારા કલેક્ટર અને એસપીને ગઈકાલે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જે બાદ મહિલા કોન્સ્ટેબલે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. આજે મહિલા પોલીસ કર્મચારીના સમર્થનમાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ રેલી યોજી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું અને ન્યાયની માંગ કરી હતી. મહિલા પોલીસ કર્મચારી રાજેશ્રીબેન વાળા સામે ખોટા આક્ષેપો અને સંડોવણી નહીં હોવા છતાં પણ પોલીસ દ્વારા માનસિક ટ્રોચર કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહિલા પોલીસ કર્મચારીના સમર્થનમાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો સમાજની વાડીમાં એક્ટ થયા અને ન્યાય અપાવવા માટેની રણનિતિઓ ઘડવામાં આવી છે. ત્યારબાદ રેલીસ્વરૂપે કલેકટર કચેરીમાં પહોંચી આવેદન આપી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈ સીટી પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ સહિત ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રદીપભાઈ ખાચરે જણાવ્યું હતું કે, આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. બાબરાના નિલવડા ગામમાં જે ઘટના બની તેમાં મહિલા પોલીસ કર્મી રાજેશ્રીબેનના નામની સંડોવણી થયેલી હોવાની માહિતી મળતા આ અમને ધ્યાનમાં આવ્યું હતું. આ બેન વિષયમાં ક્યાંય આવતા નથી નિર્દોષ હોવાને કારણે સમાજના લોકો કલેકટર અને એસપીને આવેદન પત્ર આપ્યું છે. અન્ય જ્ઞાતિના આગેવાનો પણ જોડાયા છે. બેન અમારા નિર્દોષ છે, તેને ફિટ કરવા માટેની ચળવળ ચાલી રહી છે. હાલ બેન સારવારમાં છે ગુજરાત સરકારમાં ગૃહમંત્રી સાથે વાતચીત કરવાનો દોર શરૂ થશે. આ બેન નિર્દોષ હોવાને કારણે કોઈ ખલેલ ન પહોંચાડે. શું છે સમગ્ર મામલો?
બાબરા તાલુકાના નિલવડા ગામે થોડા દિવસ પહેલા એક યુવકને ત્રણ શખ્સોએ રાગદ્રેષ રાખી પાઈપ વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી લીધી હતી. જોકે, આ ઘટનામાં મહિલા કોન્સ્ટેબલની પણ સંડોવણી હોવાના આક્ષેપ સાથે તેનું નામ પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે અનુજાતિ સમાજ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. બીજી તરફ મહિલા કોન્સ્ટેબલે પોલીસ મથકમાં ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડવામાં આવ્યાં હતા.