સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પું માર્યું. સ્મિત જિયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું છે. જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પારિવારિક મનદુઃખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો. જેને લઇને આ કરૂણ ઘટના બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. લોહીલુહાણ હાલતમાં માતા ઘરની બહાર આવી
ઘટનાના હાલ એક CCTV બહાર આવ્યા છે. જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં માતા ઘરની બહાર આવી ગયા હતા અને આજુબાજુના લોકોને જાણ કરી હતી. ત્યાર બાદ પિતા પણ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં ઉભા હોય તેવું CCTVમાં દેખાઈ રહ્યાં છે. માતા-પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ACP, વિપુલ પટેલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આજે(27 ડિસેમ્બર) સવારે સરથાણા પોલીસ સ્ટેશન નજીક રાજહંસ સ્વપ્ન સૃષ્ટિ બંગલોઝ સોસાયટીમાં સુર્યા ફ્લેટની અંદર 8માં માળે એક વ્યક્તિએ પોતાને તથા પોતાના પરિવારને ઈજા પહોંચાડી હોવાનો કોલ મળતા તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં તપાસ કરતા માલુમ પડ્યુ હતું કે, ઘર નં.804માં રહેતા સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ તથા માતા વિલાશબેન, પત્ની હિરલબેન, પુત્ર ચાહત અને પોતાને પણ ઇજા પહોંચાડી હતી. જેમાં તેના પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે તેના માતા-પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પારિવારિક મનદુઃખના પગલે બનાવને અંજામ આપ્યો
આ અંગે તપાસ કરતા વિગત મળી છે કે, હુમલો કરનારના કાકાનું થોડા દિવસ પહેલા આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું. જેના પગલે રિત રિવાજ મુજબ સ્મિત તેઓના ઘરે બેસવા-ઉઠવા જતો હતો. ત્યારે તેમના કાકાના કુટુંબીજનોને અંદરોઅંદર કંઈક મનદુઃખના કારણે તેઓએ સ્મિત અને તેના પરિવારને અમારા ઘરે આવવું નહીં અને તમારા અમારા કોઈ સંબંધ નથી તેમ જણાવ્યું હતું. તેનું લાગી આવતા સ્મિતે આ બનાવને કરુણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. સ્મિતની હાલત વધુ ગંભીર હોવાથી તેને અલગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. સ્મિતે તેના દીકરા અને પત્નીને ચપ્પું મારી દીધું હતું
સ્મિતના મિત્ર મોહિત ધોળિયાએ જણાવ્યું હતું કે, અમને સવાર ફોન આવ્યો કે સ્મિતના ઘરે પરિવારને કોઈકે ચપ્પુના ઘા મારી દીધા છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે, સ્મિતે જ આવું કર્યું છે. પહેલા તેના દીકરા અને તેની પત્નીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ સ્મિતે તેના મમ્મી-પપ્પાને પણ ચપ્પુ માર્યું હતું. જે બાદ પોતે પણ ચપ્પુ મારી પોતાને ઈજા પહોંચાડી હતી. તેમના સગાસંબંધી પરિવારમાં કંઈક અણબનાવ થયો હતો અને તેના કારણે સ્મિતે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. મારા ભાઈ સાથે સ્મિતે કાલે રાત્રે 11:30 વાગતા વ્હોટ્સએપ પર ધંધા બાબતે વાતચીત કરી છેલ્લે OK અને GOOD NIGHTનો મેસેજ કરેલો છે.