બનાસકાંઠા જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એક ચિંતાજનક તથ્ય સામે આવ્યું છે. પાલનપુરમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થો, ખાસ કરીને મસાલાના નમૂનાઓમાં જંતુનાશક દવાઓની માત્રા મર્યાદા કરતા વધુ હોવાનું જણાયું છે. 9 ઓક્ટોબરના રોજ પાલનપુરમાં વિવિધ દુકાનોમાંથી મસાલાના કુલ 14 નમૂના લેવામાં આવ્યાં હતા. આ નમૂનાઓની તપાસમાંથી 5 નમૂનાઓમાં ફાયપ્રોનિલ, ફેનોક્સાપ્રોપ પી ઇથાઈલ, ક્લોરપાયરીફોસ, થાઇમેથોક્સામ અને એઝોક્સિસ્ટ્રોબિન જેવા ઝેરી તત્વોની માત્રા મર્યાદા કરતા વધુ હોવાનું જણાયું છે. આ નમૂનાઓ એમ.કે. મસાલા થરા, વાંકળ કરિયાણા સ્ટોર્સ થરાદ, એક્સક્લુઝિવ સ્પાઇસીસ પાલનપુર, યમી ફૂડપ્રોડક્ટસ પાલનપુર અને કુલદીપ કરિયાણા સ્ટોર્સ થરાદ માંથી લેવામાં આવ્યાં હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને ખાદ્ય સલામતી અને ધોરણો અધિનિયમ, 2006 હેઠળ આ દુકાનો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.