back to top
Homeગુજરાતભરશિયાળે ચોમાસા જેવો માહોલ:સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કરા પડ્યા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ...

ભરશિયાળે ચોમાસા જેવો માહોલ:સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કરા પડ્યા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ; મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના

ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે અષાઢના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યાં છે. ત્યારે ગતરાત્રિ (26/12/2024)થી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે, એટલે કે 27 અને 28 ડિસેમ્બર બે દિવસ હજુ પણ રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના રાઉન્ડની આગાહી કરાઇ છે. ત્યારે આજે (27 ડિસેમ્બર) છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે બરફના કરા વરસી શકે છે. અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ગાંધીનગર, વડોદરા અને દાહોદ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની સવારે 10 વાગ્યાની આગાહી મુજબ આગામી ત્રણ કલાક એટલે કે બપોરના એક વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ જે વિસ્તારમાં વરસાદની સંભવાના છે ત્યાં વાદળોની ગર્જના પણ અનુભવાશે અને મધ્યમ ગતિએ પવન ફૂંકાવવાની સંભાવના છે. હવામાન વિભાગની સવારના 10 વાગ્યાના ફોરકાસ્ટ મુજબ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધુમ્મસ છવાયેલું રહેશે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કરા પડ્યા
સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડબ્રહ્માના દામવાસમાં તો બરફના કરા પડ્યા હતા. આઠમાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાતા વરિયાળી અને બટાકાના પાકને નુકસાન થવાની શક્યતાઓ છે. જ્યારે અરવલ્લીના માલપુર અને મેઘરજમાં પણ રાત્રે કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉભરાણ, સૂલપાણેશ્વર વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ભિલોડા, મોડાસાના ટીંટોઇ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં પડ્યાં હતાં. માવઠાના પગલે ઘઉં, ચણા, ઝીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યના 4 જિલ્લામાં કરા પડવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ ગત સાંજથી જ મધ્ય ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આસપાસના વિસ્તારમાં હળવા વરસાદી ઝાંપટાં પણ પડ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠામાં આજે હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડવાની પણ સંભાવના છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી અને વરસાદ
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અલ્હાદક ઠંડીનો‌ માહોલ જોવા મળ્યો છે. આ સાથે આજે શુક્રવારે વહેલી સવારે ઝરમર વરસાદ પણ જોવા મળ્યો છે. રાજ્યમાં માવઠાની આગહીને લઈને વાતાવરણ પણ બદલાયું છે. આજે શુક્રવારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આલ્હાદક ઠંડીનો‌ માહોલ પણ જોવા મળ્યો છે. દાંતા તાલુકામાં કમોસમી વરસાદી છાંટા
હવામાન વિભાગની આગાહીના પગલે દાંતા તાલુકાનાં અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને આજે પણ વહેલી સવારથી જ દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે રાત્રીના સમયે અંબાજી દાંતા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભરશિયાળે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વધી અને કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ચિંતાનો વધારો થયો છે. આજે પણ દાંતા તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં પણ વરસાદી ઝાંપટા
મહીસાગર જિલ્લામાં આજે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આજે વહેલી સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. જેમાં જિલ્લાના બાલાસિનોર શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું જ્યારે જિલ્લાના લુણાવાડા ગ્રામ પંથક, ધામોદ, લલાસર સહિતના ગામોમાં હળવા છાંટા પડયા હતા તેવીજ રીતે ખાનપુર પંથકમાં પણ હળવા છાંટા પંડ્યા છે આમ જિલ્લાના છા તાલુકા માંથી ત્રણ તાલુકામાં આજે વેહલી સવારથી કમોસમી વરસાદ પડ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વિઝિબીલીટી ઘટી
બનાસકાંઠાના ઇકબાલગઢ પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડતાં ખેડૂતોના વરિયાળી, એરંડા, રાયડા અને બટાટાના પાકોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. જ્યારે ગાંધીનગરના મોટાભાગના વિસ્તારોમાં વિઝિબીલીટી ઘટી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ
અમદાવાદમાં 26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું હતું. ત્યારે નવા ફોરકાસ્ટમાં હજુ પણ સવારના 10 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ આજે વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. તેનું મુખ્ય કારણ છે કે, બંગાળની ખાડી તરફથી જે ભેજ આવી રહ્યા છે તેને સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટન ડીસ્ટર્બન્સ એમ બે સિસ્ટમ ગુજરાત ઉપર સ્થાયી કરી રહ્યા છે. જેને કારણે ગાઢ ધુમ્મસ છવાયેલું છે અને આ સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ ધીમે ધીમે ધુમ્મસનું પ્રમાણ ઘટશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments