એજન્સી | મુંબઇ
દેશમાં ચાલુ નાણાવર્ષના પહેલા છ મહિના દરમિયાન બેન્ક ફ્રોડમાં વધારો થતા કુલ 18,461 કેસ નોંધાયા છે, જેમાં રહેલી કુલ રકમ પણ આઠ ગણી વધી રૂ.21,367 કરોડ રહી છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન રૂ.21,367 કરોડની રકમ સાથે 18,461 કેસ નોંધાયા હતા જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ.2,623 કરોડની રકમ સાથે 14,480 કેસ હતા.
ફ્રોડને કારણે ફાઇનાન્સિયલ સિસ્ટમ માટે અનેક પ્રકારે પડકારો ઉભા થાય છે જેમાં પ્રતિષ્ઠાને લગતું જોખમ ઉપરાંત કામગીરી, બિઝનેસ અને ગ્રાહકોના ભરોસામાં ઘટાડો છે. નાણાવર્ષ 2023-24 દરમિયાન RBI અનુસાર બેન્કો દ્વારા કરાયેલા રિપોર્ટિંગ અનુસાર ફ્રોડમાં રહેલી રકમ દાયકા દરમિયાન સૌથી નીચલા સ્તરે હતી, જ્યારે સરેરાશ મૂલ્ય પણ 16 વર્ષમાં સૌથી નીચલા સ્તરે હતું. ફ્રોડની સંખ્યાના આધારે વર્ષ 2023-24 દરમિયાન ઇન્ટરનેટ અને કાર્ડ ફ્રોડનો હિસ્સો રકમની દૃષ્ટિએ 44.7% હતો અને કેસની દૃષ્ટિએ 85.3% હતો. વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેન્કો દ્વારા નોંધાયેલા ફ્રોડ કેસનો હિસ્સો 67.1% હતો. જ્યારે રકમની દૃષ્ટિએ, જાહેર ક્ષેત્રની બેન્કોમાં કાર્ડ અને ઇન્ટરનેટ ફ્રોડનો હિસ્સો સર્વાધિક હતો. બેન્કોની નફાકારકતામાં સતત છઠ્ઠા વર્ષે સુધારો
વર્ષ 2023-24માં બેન્કોની નફાકારકતામાં સતત છઠ્ઠા વર્ષે વધારો થયો છે અને તેઓની NPA પણ ઘટીને 2.7% સાથે 13 વર્ષના નીચલા સ્તરે નોંધાઇ છે. RBIના ડેટા અનુસાર દેશના મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સને કારણે સ્થાનિક બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સેક્ટર્સનું પ્રદર્શન વધુ મજબૂત બન્યું છે. બેન્કોની નફાકારકતા સતત છઠ્ઠા વર્ષે વધી છે અને નાણાવર્ષ 2024-25ના પહેલા છ મહિનામાં પણ સતત વધી છે.