ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના ચેરપર્સન ઘર્મિષ્ઠાબેન ગજ્જર તા.26 ડીસેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ બાળકોના અધિકારો સંબધિત તમામ વિભાગો/કચેરીઓના તાબા હેઠળની બાળ સંભાળ સંસ્થાઓ, છાત્રાલયો, શાળાઓ, આંગણવાડી, હોસ્પિટલ – બાળ દર્દીઓનો વોર્ડ, પોલીસ સ્ટેશન, સબ જેલ, સખી વન સ્ટોપ સેન્ટર, બાળ કલ્યાણ સમિતિ જેવી તમામ સંસ્થાઓની મુલાકાત લીધી હતી. જેમાં બાળકોને લગતી સેવાઓ જેમ કે, શૈક્ષણિક કાર્ય તથા મનોરંજનાત્મક બાબતો, આરોગ્યલક્ષી સેવાઓ, પોષક આહાર, સામાજિક સુરક્ષા, બાળ અધિકારો વગેરે જેવી બાબતોને લઈ બાળકો સાથે તથા સંબધિત અઘિકારીઓ/કર્મચારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં બાળકોના જન્મ દર તથા જાતિ દર રેશીયો, આરોગ્ય અને શિક્ષણને લગતી સેવાઓ, મધ્યાહન ભોજન, આંગણવાડીના બાળકોની સેવાઓ, અનાથ અને એકવાલીવાળા બાળકોને લગતી યોજનાઓ અને સંસ્થાકીય સંભાળ, દિવ્યાંગ બાળકોને લગતી સેવા, બાળકોને લગતા ગુનાઓ તથા પોક્સો અને જુવેનાઇલ જસ્ટીસ એકટ, દતક વિઘાન, બાળ મજુરી વિગેરે બાબતે સંબધિત અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન જુદી જુદી જગ્યાએ મુલાકાત કર્યા બાદ ચેરપર્સનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે સંબધિત વિભાગના તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયા, નિવાસી અધિક કલેક્ટર આર.કે. ઓઝા, જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.જી.ગોહીલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.વી.ડાભી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એ.કે.મોટકા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી વી.એસ.શાહ, સમાજ કલ્યાણ અધિકારી પી.ડી.ગામીત, મદદનીશ શ્રમ આયુકત કે.એન.ચુડાસમા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભગીરથસિંહ વાઘેલા, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડી.એચ.ડાભી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.