સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારી શાળાઓમાં રમતગમત ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને ઓલિમ્પિક માટે તૈયારી કરવાની તક મળશે. સુરતમાં પ્રથમવાર સરકારી શાળાના વિદ્યાર્થીઓને ટેબલ ટેનિસ, હોકી, સ્વિમિંગ સહિતની રમતોની સુવિધા પૂરી પાડવામાં આવશે. ઓલમ્પિકને ધ્યાનમાં રાખી તેમને સ્પોર્ટ્સ ડ્રેસ અને શૂઝ આપવામાં આવી રહ્યા છે સાથે આ નવી રમત પણ શામેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ઓલિમ્પિક સ્તરે તૈયારી કરાવી શકાશે
ઓલિમ્પિક માટેની તૈયારીના ભાગરૂપે નવી રમતોની શરૂઆત સરકારી શાળાઓમાં રમોત્સવ હેઠળ હોકી, જુડો, કરાટે અને યોગા જેવી નવ વિવિધ રમતોનો સમાવેશ કરાયો છે. આ રમતો જાન્યુઆરી 2025થી શરૂ કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજેરાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઓલિમ્પિક સ્તરે તૈયારી કરવા માટે મજબૂત આધાર પૂરો પાડવાનો છે. સરકારી શાળાના બાળકોને અમે આજથી જ ઓલિમ્પિક માટે તૈયાર કરી રહ્યા છીએ. અમારું લક્ષ્ય દેશમાં થનાર ઓલિમ્પિકમાં અમારા સરકારી શાળાના બાળકો પણ ભાગ લે એ છે. રમતોત્સવમાં 9 નવી રમતોનો સમાવેશ
આ પહેલથી સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રમતગમત ક્ષેત્રે નવી તકો ઉભી થશે અને ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ લાવવાની શક્યતા વધશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આ વર્ષે આયોજિત રમતોત્સવમાં 9 નવી રમતોનો સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રમતોત્સવ માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી, અત્યાર સુધી સમિતિના રમતોત્સવમાં પરંપરાગત અને દેશી રમતોનો સમાવેશ થતો હતો. હવે હોકી, સ્વિમિંગ, યોગા, જૂડો, કરાટે, વોલીબોલ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ અને ચેસ જેવી રમતો પણ ઉમેરવામાં આવશે. રમતોત્સવમાં નવતર રમતોના ઉમેરા સાથે સાથે એનસીસી કેડેટ્સ અથવા સ્કાઉટ્સ પ્રોગ્રામ શરૂ કરવાની પણ તૈયારી હાથ ધરવામાં આવી છે. આ નવા પહેલથી શાળાના વિદ્યાર્થીઓને વધુ વિસ્તૃત ક્ષેત્રે રમતો અને શિસ્તબદ્ધ તાલીમ મળે તે માટેનું આયોજન છે. વિશેષ સુવિધાઓ અને ટેલેન્ટ શોધવાનો પ્રયાસ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં સરકારી શાળાઓમાં સ્વિમિંગ પૂલની સુવિધા નથી, પરંતુ સુરત મહાનગરપાલિકાની સ્વિમિંગ પૂલમાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. માછીમાર પરિવારોના બાળકો સ્વિમિંગમાં કુશળ હોય છે. તેમની પ્રતિભાને આગળ લાવવાની અમારા સમિતિ કટિબદ્ધ છે. ટ્રેનિંગ અને સહાયક ટિમની ભરતી
સાથે તેઓએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને વધુ સારી ટ્રેનિંગ મળે તે માટે 50થી વધુ સ્પોર્ટ્સ ટીચર સાથે 25 થી વધુ સહાયક સ્પોટ ટીચરની ભરતી કરવામાં આવી છે. ઝોન વાઇસ રમોત્સવ યોજાશે અને જે વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરશે તેમને વધુ પડતી ટ્રેનિંગ માટે યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે.