હવામાન વિભાગની આગાહી વચ્ચે ગતરાત્રી સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ખેડબ્રહ્માના દમાવાસમાં બરફના કરા પડ્યા હતા. કમોસમી વરસાદને લઈને વરીયાળી, જીરું, ઘઉં, રાયડો, ચણા અને બટાકાના પાકને નુકશાનની ભીતિ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારથી વાતવરણમાં પલટો આવ્યો હતો. પવન પણ ફૂંકાયો હતો. ત્યારે રાત્રી દરમિયાન હિંમતનગર, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વિજયનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકાના દમાવાસ ગામે રાત્રી દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. વાસણા કમ્પા ધનાલ કમ્પા, પ્રતાપગઢ કમ્પા, જામરેલા કમ્પા, દેરોલ કમ્પા, તાંદલિયા કમ્પા, આંતરી કમ્પા સહિતના વિસ્તારમાં માવઠું થયું હતું. જેને લઈને વરીયાળી, ચણા અને બટાકાના પાકમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. શિયાળામાં માવઠાને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં હિંમતનગર 01 મિમી, ઇડર 06 મિમી, ખેડબ્રહ્મા 04 મિમી અને વડાલી 07 મિમી વરસાદ નોંધાયો છે. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ
હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીથી સવાર દરમિયાન છુટા છવાયા કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે સવારે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના ગાંભોઈ, ચાંદરણી, ગાંધીપુરા, મોર ડુંગરા, ચાપલાનાર,વાવડીમના જ્યારે રાત્રી દરમિયાન હિંમતનગરના રૂપાલ પંથકના રૂપાલકમ્પા,બાવસર,ટીંબા કમ્પા,હાથરોલ,રણાસણ,માઢવા કમ્પા,સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.જેને લઈને ઘઉં,રાયડો,બટાકા સહિતના ખેતી પાકોને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. હિંમતનગરમાં વહેલી સવારથી ધુમ્મસ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાત્રિએ દરમિયાન કમોસમી વરસાદના છાટા પડ્યા હતા.જયારે આજે વહેલી સવારથી ધુમ્મસ છવાયુ હતું વરસાદ બાદ ધુમ્મસમાં વધારો જોવા મળ્યો હતો.જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.