ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGCI) દ્વારા સુરત અને દમણમાં બોગસ બિલિંગ કૌભાંડમાં વિશાલ એન્જિનિયરિંગના માલિક નઝીમ બરકતઅલી લાખાણીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ 12 કરોડ રૂપિયા સુધીની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવા માટે બોગસ બિલિંગનો મોટાપાયે ધંધો ચલાવવાનો તેના પર આરોપ છે. DGCIના અધિકારીઓએ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નઝીમ બરકતઅલી લાખાણી પોતાની ફર્મ દ્વારા ફક્ત વેચાણના બોગસ બિલ જારી કરીને આઈટીસી મેળવી રહ્યો હતો અને તેને અન્ય ફર્મ્સને પાસઓન કરતો હતો. આ કૌભાંડમાં 100 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું અનુમાન છે. અધિકારીઓ દ્વારા દરોડા અને પૂછપરછ
અધિકારીઓએ વિશાલ એન્જિનિયરિંગના મોટા પ્રમાણમાં દસ્તાવેજો પકડી પાડી ફર્મના તમામ વ્યવહારોની પુછપરછ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે લાખાણીની ફર્મે અનેક પેઢીઓને બોગસ બિલ આપ્યા છે, જે બિલ પર આધાર રાખીને આ પેઢીઓએ પણ આઈટીસીનો ફાયદો લીધો છે. DGCI ટીમ હવે આ પેઢીઓની પણ તપાસ કરી રહી છે. કોર્ટમાં રજૂઆત અને જ્યુડિશિયલ કસ્ટડી
આરોપી નઝીમ બરકતઅલી લાખાણીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં DGCIએ આરોપીના રિમાન્ડની માગ નહીં કરતા ચીફ મેજિસ્ટ્રેટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. અધિકારીઓની તપાસ અને વધુ ધરપકડની શક્યતા
DGCIની ટીમ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ કેસમાં વધુ આરોપીઓને પકડી પાડવાની સંભાવના છે. આ સાથે, બોગસ બિલિંગ દ્વારા આઈટીસી મેળવેલા તમામ વેપારીઓ અધિકારીઓના રડારમાં આવી ગયા છે. જીએસટીમાં સુધારા છતાં કૌભાંડ ચાલુ
જીએસટી એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જીએસટી લાગુ થયા બાદ બોગસ બિલિંગ અટકાવવા અનેક સુધારા કરાયા છે. ખાસ કરીને નવો રજીસ્ટ્રેશન મેળવવા માટે થમ્બ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ અમલમાં મૂકી છે, જેથી ડોક્યુમેન્ટ્સના દુરૂપયોગને અટકાવી શકાય. તેમ છતાં આવા કૌભાંડ હજુ પણ ખુલ્લામાં આવી રહ્યા છે, જે સરકાર અને વેપારી જૂથ માટે ચિંતાજનક છે.