બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ભારતીય ટીમ પર ફોલોઓનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ટીમે બીજા દિવસે સ્ટમ્પસ સુધીમાં 164 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. રિષભ પંત 6 રને અને રવીન્દ્ર જાડેજા 4 રને અણનમ પરત ફર્યા હતા. ભારતે ફોલોઓનથી બચવા માટે વધુ 111 રન બનાવવા પડશે. આ મેચમાં ફોલોઓન માર્ક 275 રન છે. મેલબોર્નના MCG સ્ટેડિયમમાં રમાઈ રહેલા ચોથી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 474 રન બનાવ્યા હતા. જેમાં સ્ટીવ સ્મિથે 140 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી. આકાશ દીપે 2 અને વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયા તરફથી પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 82 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 36 રન કર્યા હતા. બન્ને વચ્ચે 102 રનની પાર્ટનરશિપ થઈ હતી. રોહિત શર્મા (3 રન) અને કેએલ રાહુલ (24 રન)ને પેટ કમિન્સે પેવેલિયન મોકલ્યા હતા. સ્કોટ બોલેન્ડને 2 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથે 197 બોલમાં 140 રન બનાવ્યા હતા. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની 34મી સદી ફટકારી હતી. ભારત સામે આ તેની 11મી સદી છે. ભારતે 6 રનમાં 3 વિકેટ ગુમાવી
ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ રોહિત શર્મા ઇનિંગની બીજી ઓવરમાં કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સના બોલ પર આઉટ થયો હતો. જ્યારે કેએલ રાહુલ યોગ્ય લયમાં હોય તેવું લાગતું હતું પરંતુ તેને પણ પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો. આ પછી કોહલી અને યશસ્વીએ મળીને 102 રનની ભાગીદારી કરી હતી. પરંતુ તે પછી યશસ્વી જયસ્વાલ રન લેવાનો પ્રયાસ કરતી વખતે 82 રને રનઆઉટ થયો હતો. આ પછી સ્કોરબોર્ડમાં વધુ એક રન ઉમેરાયો જ્યારે સ્કોટ બોલેન્ડે પિચ પર સેટલ થયેલા વિરાટ કોહલીને એલેક્સ કેરીના હાથે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ નાઈટવોચમેન આકાશ દીપ (0) આઉટ થયો હતો. આ રીતે યશસ્વી, કોહલી અને આકાશ દીપની વિકેટ 6 રનમાં જ પડી ગઈ હતી. મેલબોર્ન ટેસ્ટ માટે બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ. ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.