આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે આજે જૂનાગઢની મુલાકાતે આવ્યાં હતા. જ્યાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સરકાર દ્વારા લોકોને જે સુવિધા આપવામાં આવે છે તે લોકો સુધી પહોંચે છે કે નહીં, તેમજ હોસ્પિટલ તંત્રની કામગીરીનું નિરિક્ષણ કરવા માટે મંત્રી હોસ્પિટલમાં પહોંચ્યાં હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુવિધામાં વધારો કરવો, હોસ્પિટલ સંચાલનમાં પડતી મુશ્કેલીને દૂર કરવા, અને કેન્દ્ર સરકારની આરોગ્ય લક્ષી યોજનાનું મોનેટરીંગ કરવું તે આ મુલાકાતનો મુખ્ય હેતુ હતો. સિવિલ હોસ્પિટલમાં હોમિયોપેથીક આયુર્વેદિક અને યોગ સેન્ટર એક સાથે કાર્યરત છે તેવી જુનાગઢ સિવિલ હોસ્પિટલ માત્ર એક છે. આ સારવાર પદ્ધતિને પણ આરોગ્ય મંત્રીએ બિરદાવી હતી. જૂનાગઢ કલેક્ટરની ટીમ દ્વારા 1400 જેટલા કેન્સરના દર્દીઓનું ઓડિટ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. PMJY યોજનાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાનું નિવેદન આપ્યું હતું કે, જુનાગઢ PMJY યોજના અંતર્ગત અંદાજે 1400 જેટલા દર્દીઓએ કેન્સરની સારવાર લીધી છે તે દર્દીઓની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. જૂનાગઢ કલેક્ટરની ટીમ દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કયા દર્દીઓએ લાભ લીધો હતો તે તમામ બાબતે હાલ જુનાગઢ કલેક્ટર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. PMJAY યોજનામાં કોઈપણ ગંભીર બાબતો કે બેદરકારી સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવાશે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની અંદર તમામ મેડિકલ હોસ્પિટલ, મેડિકલ કોલેજો અને જિલ્લાની આરોગ્ય વ્યવસ્થાની ચકાસણી માટે આજે અહીં મુલાકાત લેવાનું થયું છે. જે પ્રમાણે અહીંથી રિપોર્ટ મળતા હોય તે પ્રમાણે નીચે ગ્રાઉન્ડ લેવલ સુધી એ વાત પહોંચી છે કે નથી પહોંચી અને ડોક્ટરો દવાઓ અને દર્દીઓની વ્યવસ્થા, સગવડ આ તમામ બાબતોને આવરી લેતા એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ભાવનગર બાદ આજે જુનાગઢ અને બપોર પછી રાજકોટની મુલાકાત લેવાનો છું. કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય લક્ષી કાર્યક્રમોનું મોનેટરીંગ થઈ જાય અને હોમિયોપેથીક આયુર્વેદ, યોગ સેન્ટર ત્રણે એક જ જગ્યાએ ચલાવવામાં આવે છે. તેમજ આરોગ્ય વિભાગમાં જે પ્રમાણે સારી પદ્ધતિથી કામ કરવામાં આવી રહ્યું છે તેની પણ માહિતી મળે, અને દવા, દર્દીને અપાતી સગવડ અને માનવીય સંવેદના, સારવાર આ તમામ બાબતોને શહેરથી લઈ ગ્રામ્ય કક્ષા સુધીનો તમામ રિવ્યૂ મેળવવામાં આવશે. જૂનાગઢ હોસ્પિટલોમાં ચાલતી પીએમજેવાય યોજનાની તપાસ સમિતિની રચના મામલે પૂછતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ તપાસ કમિટી કામ કરી રહી છે. ગઈકાલે દિવ્યભાસ્કર દ્વારા મને આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું પરંતુ મારા સુધી વિગત આવી ન હતી અને મેં કહ્યું હતું કે, મારા ધ્યાનમાં નથી. પરંતુ જુનાગઢ કલેક્ટરને પૂછપરછ કરતા તેમની કમિટીએ આ બાબતે ઓડિટ કર્યું છે. જેમાં 1400 જેટલા કેન્સરના દર્દીઓને સારવાર આપવામાં આવી છે. એવા દર્દીઓને વ્યક્તિગત રીતે મળી તેને ફોન કરી માહિતી એકત્રિત કરી છે. તેમજ આ મામલે જ્યાં અનિયમિતતા મળશે જેમાં દર્દીઓને પોતાના ઘરે જતી વખતે ₹300 યોજના અંતર્ગત આપવાના હોય છે, તેમજ પીએમજેવાય યોજનામાં સારવાર કર્યા બાદ કઈ હોસ્પિટલ દ્વારા વધારાના પૈસા વસૂલવામાં આવ્યાં છે, આવી બાબતો ધ્યાનમાં આવી છે. જે મામલે હાલ જુનાગઢ જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી વિગત મેળવી રહી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન કર્યા બાદ પ્લેટ આપવામાં આવતી નથી, દર્દીઓ પાસેથી રૂ. 1000 જેટલા વસૂલવામાં આવે છે અને દર્દીઓને મોબાઈલમાં રીપોર્ટ આપવામાં આવે છે. જે મામલે પૂછતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એ કોઈ પ્રશ્ન અત્યારે નથી તેવું કહી ચાલતી પકડી હતી.