સુરત શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે, પાંડેસરા અને ઉધના વિસ્તારમાં થયેલી ગંભીર ઘટનાઓએ શહેરમાં ચકચાર મચાવી છે. આ બંને ઘટનાઓમાં જ્યાં એક તરફ જૂની અદાવતના કારણે યુવકની જીવલેણ હત્યા કરવામાં આવી, ત્યાં બીજી તરફ બીઆરટીએસ બસમાં તોડફોડ કરનારા શખ્સોએ લોકોને ગભરાવી દીધા હતા. આ બંને કિસ્સામાં પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓના વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં 26 ડિસેમ્બરની રાત્રે એક જઘન્ય હત્યાનો બનાવ બન્યો હતો. 26 વર્ષના દિપક રવિન્દ્ર સાવની પાંચ શખ્સોએ મળીને કાતર વડે હત્યા કરી નાખી હતી. હુમલામાં દિપકના ગળા, છાતી, પીઠ અને મોઢા પર ઘાતક ઘા મરાયા હતા. ઘટના દરમિયાન દિપક તેના મિત્ર દિપકસિંહ ઉર્ફે બાટલા સાથે હેલ્થ સેન્ટરના ગેટ નજીક બેઠો હતો. હત્યા માટે આરોપી ક્રિષ્ના તિવારી અને મનીષ પ્રજાપતિ પોતાની જૂની અદાવતને કારણે દિપક સાથે બોલાચાલી બાદ ઝઘડો કરી બેઠા હતા. વાત વકરીને ફિઝિકલ હુમલામાં ફેરવાઈ ગઈ, અને પાંચ શખ્સોએ મળી દિપક પર જીવલેણ હુમલો કર્યો. મૃતકના પરિવારજનોના દાવા અનુસાર, આરોપીઓ ગાંજાના ધંધામાં સંડોવાયેલા છે. પાંડેસરા પોલીસે આ કેસમાં તાત્કાલિક પગલા લઇ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમને આ સ્થળેથી ‘વરઘોડો’ કાઢી શહેરમાં કડક કાયદાની છાપ છોડી હતી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગત મંગળવારે બીઆરટીએસ બસ પર તોડફોડ અને હિંસાના કિસ્સામાં ત્રણ શખ્સોની ધરપકડ કરી પોલીસે કડક કાર્યવાહી કરી છે. તેમાંથી એક શખ્સ સિટિલિંક બસ કંડક્ટર તરીકે નોકરી કરી રહ્યો હતો, જેના કારણે આ ઘટના વધુ ચકચારજનક બની છે. પોલીસ દ્વારા આ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. મંગળવારે ઉધના-ભેસ્તાન બીઆરટીએસ સ્ટેન્ડ નજીક આ ઘટના બની હતી. ભેસ્તાન તરફ જતી એક રિક્શા ચાલક બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશી ગયો હતો, જે ટ્રેક બસ માટે માત્ર ખાસ બનાવવામાં આવ્યો છે. ટ્રેકમાં રિક્શા હળવેથી દોડાવ્યા બાદ બસ ડ્રાઈવરે હોર્ન વગાડી સાઈડ માંગતા રિક્શાચાલક ગુસ્સે ભરાઈ ગયો.
ઉધના ત્રણ રસ્તા પાસે રિક્શાચાલકે ટ્રેકમાં જ વાહન રોકીને પોતાની મદદ માટે બે મિત્રો બોલાવ્યા. એ ત્રણેય શખ્સોએ મળી બસ ડ્રાઈવર સાથે ઝઘડો કર્યો અને મારમાર કરી. બસના આગળના કાચ અને ડ્રાઈવરના પીઠ પાછળનો ઈમરજન્સી કાચ તોડી નાખ્યો. આ તોડફોડમાં લગભગ ₹90,000નું નુકસાન થયું હતું. ત્રણ આરોપીની ધરપકડ
પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરી. આ કેસમાં અનિકેત સંજય ભામરે (શિવનગર, પાંડેસરા), કાર્તિક બંડભાઈ ગાવંડે (છત્રપતિ સ્કૂલની સામે, વિજયાનગર), અને પવન સંતોષ રાઠોડ (શિરડીધામ સોસાયટી, ઉમિયાનગર-2)ની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે અનિકેત સંજય ભામરે સુરત સિટિલિંકમાં કંડક્ટર તરીકે કામ કરી રહ્યો હતો અને સ્ટેન કંડક્ટર તરીકે સ્ટેશન નંબર 603 પર ફરજ બજાવતો હતો. પોલીસે આ ત્રણેય શખ્સોને પકડીને તે વિસ્તારમાં જ વરઘોડો કાઢ્યો જ્યાં તેમણે હિંસા અને તોડફોડ કરી હતી. આ પગલાથી લોકોએ કાયદા અને શિસ્તનું મહત્વ વધુ સારી રીતે સમજ્યું.