14,000થી વધુ રોકાણકારોના 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને એક મહિના બાદ CID ક્રાઇમે મહેસાણાના દવાડા ગામની સીમમાં આવેલા એક ફાર્મહાઉસમાંથી ઝડપી પાડ્યો છે. આ સાથે તેને સાચવનાર અને ફાર્મહાઉસના માલિક કિરણસિંહ ચૌહાણને પણ CID ગાંધીનગર લઇ ગઇ છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે જ્યાં ભૂપેન્દ્ર ઝાલા છુપાયો હતો એ ફાર્મહાઉસની મુલાકાત લેતાં અહીં રોજ દારૂની પાર્ટીઓ થતી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત કિરણ ચૌહાણે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા માટે ફાર્મહાઉસમાં વાઇફાઇ, ટીવી, ફ્રિજ સહિતની વીઆઇપી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી હોવાનું દિવ્ય ભાસ્કરના કેમરામાં કેદ થયું છે. દિવ્ય ભાસ્કરને શું જોવા મળ્યું?
મહેસાણાથી 23 કિલોમીટર આવેલા દવાડા ગામથી દોઢ કિલોમીટર દૂર કિરણસિંહ ચૌહાણનું ફાર્મહાઉસ આવેલું છે, જેમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા છુપાયો હતો. દિવ્ય ભાસ્કરની ટીમ આ ફાર્મહાઉસ પર પહોંચી તો ફાર્મના દરવાજે એક વૃદ્ધ મળ્યા હતા, તેમને કિરણસિંહ અંગે પૂછતાં તેમણે કંઇપણ કહેવાનું ટાળ્યું હતું અને ત્યાંથી રવાના થઇ ગયા હતા. ત્યાર બાદ અમારી ટીમ ફાર્મહાઉસનો દરવાજો ખોલીને અંદર ગઇ તો કેટલીક દારૂની બોટલો અને અસંખ્ય નાસ્તાની ખાલી ડીસો જોવા મળી હતી. એ જોઇને ચોક્કસથી કહી શકાય કે અહીં દરરોજ દારૂની પાર્ટીઓ થતી હશે. આ બાદ અમારી ટીમે ફાર્મહાઉસનના પાછળના ભાગે તપાસ કરી તો એક ખાટલો ઢાળેલો જોવા મળ્યો હતો, જેના પર એક ગોદડું અને શાલ પડેલી હતી. આ ઉપરાંત કિરણસિંહે કૌંભાંડી ભૂપેન્દ્રસિંહ માટે તાજેતરમાં જ વાઇફાઇની સુવિધા ઊભી કરી હોય એવું અમારા કેમરામાં કેદ થયું હતું. ફાર્મહાઉસના રૂમને તાળું મારેલું હતું, જોકે એક બારી ખુલ્લી હતી, જેમાંથી અમે અંદર જોયું તો રૂમમાં એક મોટું ટીવી, ફ્રિજ, બેડ, ઓઢવા માટે ધાબળો અને એક સ્વેટર જોવા મળ્યું હતું. આમ કૌંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે કિરણસિંહ ચૌહાણે અહીં તમામ પ્રકારની વીઆઇપી સુવિધાઓ ઊભી કરી હોવાનું દિવ્ય ભાસ્કરના કેમરામાં કેદ થયું છે. શું છે સમગ્ર મામલો
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્ઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોના કરોડો રૂપિયા ડુબાડી દે એ પહેલાં જ CID ક્રાઇમે તેની BZ ગ્રુપની ઓફિસ પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર પોન્ઝી સ્કીમ શૂન્યથી 6 હજાર કરોડના સામ્રાજ્ય સુધી કેવી રીતે પહોંચી એ અંગે આપને જણાવીશું. CID ક્રાઈમનાં IG પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે BZ પોન્ઝી સ્કીમના 6 હજાર કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હતો, જેને મહેસાણાના દવાડા ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી લેવાઇ છે અને પૂછપરછ ચાલે છે. આરોપી ભૂપેન્દ્ર ઝાલા 1 મહિનાથી ફરાર હતો. ટેક્નિકલ સર્વેલન્સથી મહેસાણા જિલ્લાના દવાડા ગામમાં હોવાના અહેવાલો મળતાં વોચ ગોઠવીને એને ઝડપી પાડવામાં આવ્યો છે. BZ ફાઇનાન્સ સર્વિસના કૌભાંડમાં જે લોકોનાં નાણાં ફસાયેલાં છે તેવા ભોગ બનનારા લોકો ફરિયાદ આપી શકે છે. લોકોના 95 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા મિલકતો ટાંચમાં લઇ ભોગ બનનારનાં નાણા પરત કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપનેતાના કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું
તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. તે સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો એ ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. એમાં તેણે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળતાં સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી, જોકે ચૂંટણી લડવાને બદલે તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે. ઝાલાનગર સ્થિત વૈભવી બંગલો સૂમસામ
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એપ્રિલ 2024માં કરેલા સોગંદનામામાં દર્શાવ્યા અનુસાર, તેના પરિવારમાં પિતા પરબતસિંહ અને માતા મધુબેન છે. સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ હાલ રાયગઢના ઝાલાનગર સ્થિત તેમનો વૈભવી બંગલો સૂમસામ છે અને બંગલાની બહાર લક્ઝુરિયસ ગાડીઓ પાર્ક થયેલી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સોગંદનામા અનુસાર ગત લોકસભા ચૂંટણી સુધીમાં તેમની સામે કોઇ ફોજદારી ગુનો પણ નથી નોંધાયેલો. બે વર્ષમાં 10 એકર જમીન ખરીદી
આરોપી ભૂપેન્દ્રસિંહ પાસે પોતાનાં જુદી જુદી બેંકમાં 9 બેંક એકાઉન્ટ છે, જ્યારે પિતા પરબતસિંહના નામે 3 બેંક ખાતાં છે, પરંતુ માતાના નામે એકપણ બેંક એકાઉન્ટ નથી. ત્યાં સુધી કે ભૂપેન્દ્રએ પોતાના નામે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ કોઇ રોકાણ નથી કર્યું એમ સોગંદનામામાં દર્શાવ્યું હતું. પોતાની પાસે એક અર્ટિંગા કાર અને પિતાના નામે સ્કોર્પિયો કાર હોવાનું જણાવ્યું હતું. આરોપીએ પોતાની પાસે માત્ર 47 ગ્રામ, પિતા પાસે 40 ગ્રામ અને માતા પાસે 25 ગ્રામ જ સોનું હોવાનું જણાવ્યું હતું, જોકે ભૂપેન્દ્રસિંહે વર્ષ 2021થી 2023 સુધીમાં 10 એકર જેટલી જમીન હિંમતનગર અને મોડાસાના મહાદેવપુરા, ગામડી, અડપોદરા, સજાપુર અને સાકરિયા ગામે ખરીદી હોવાનું જણાવ્યું છે. એક કા તીન કરવામાં આવતા
BZ ગ્રુપની અલગ અલગ બ્રાંચમાં દરોડા પડવાની ઘટનાથી ગુજરાતના એવા રાજકારણીઓ પણ હચમચી ગયા છે, જેમનું સીધું જોડાણ BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે છે. એક કા ડબલ સ્કીમ આપી અને લોકો સાથે છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી તો અત્યારસુધી જોવા મળી હતી, પરંતુ આ સ્કીમમાં તો એક કા તીન કરવામાં આવતા હતા. આ સ્કીમમાં ખાસ કરીને નિવૃત્ત કર્મચારી અને શિક્ષકોને લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવવામાં આવતું હતું, પરંતુ આ અધૂરું સત્ય છે. હકીકતમાં તો અનેક રાજકારણીઓ તથા પોલીસકર્મચારીઓ પણ છે, જેમનાં નાણાં ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં રોકાયેલાં છે. બાંયધરી ફ્રેન્કિંગ કરીને આપવામાં આવતી
BZ ગ્રુપનો ભૂપેન્દ્ર ઝાલા પોતાના પાર્ટનર સાથે મુખ્ય કામ કરતો હતો. ફંડ ઉઘરાવવા માટે તેણે અલગ અલગ એજન્ટની નિમણૂક કરી હતી, જેને તે પગાર આપતો હતો. આ તમામ એજન્ટ (સેલ્સ એક્ઝિક્યુટિવ) માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી ફંડ લાવી આપતા હતા, જેમાં ફંડ આપનારી વ્યક્તિને પ્રતિ માસ 3 ટકા જેટલું વ્યાજ ચૂકવાતું હતું. આ 3 ટકા વ્યાજ આપવા માટેની બાંયધરી ફ્રેન્કિંગ કરીને આપવામાં આવતી હતી. આ ઉપરાંત જે-તે ફંડ આપનારી વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ફંડ લાવે તો જે-તે રેફરન્સ આપનારને 1થી 1.5 ટકા કમિશન મળતું હતું. જે ફંડ રોકાણ માટે આવતું હતું તેનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થાય છે? એની જાણકારી માત્ર ભૂપેન્દ્ર ઝાલા પાસે જ રહેતી હતી. દુબઈ-ગિફ્ટ સિટીમાં ઓફિસ ખોલવાની હતી
સ્કીમમાં જોડાયેલા લોકો કહી રહ્યા છે કે, આ ફંડમાંથી જે પણ મોટી માત્રામાં કમાણી થતી હતી એ પૈકીની સૌથી વધારે રકમની કમાણી ક્રિપ્ટો કરન્સીમાંથી થતી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ધંધો એટલો ફૂલ્યોફાલ્યો હતો કે થોડા સમય પહેલાં જ આણંદમાં જ બ્રાન્ચ ખોલી હતી તેમજ પોતાની નવી ઓફિસ દુબઈમાં ખોલવાની તૈયારી કરી રહ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પણ એક નવી ઓફિસ ખોલવાની ભૂપેન્દ્ર ઝાલા તૈયારી કરતો હતો. પોલીસકર્મચારી તથા ડોક્ટરના પણ રૂપિયા
મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં કેટલાક પોલીસકર્મચારી તથા ડોક્ટરના રૂપિયા પણ રોકાયેલા છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલા સ્થાનિક રાજકીય નેતાઓની અંગત વ્યક્તિ પણ હતી, કેમ કે અનેક રાજકીય માથાના રૂપિયા પણ ઝાલાની સ્કીમમાં ઇન્વેસ્ટ થયેલા હોવાની માહિતી મળી રહી છે. રાજકીય સ્તર પર જિલ્લાના મોટા નેતાઓના રૂપિયા રોકાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમજ હિંમતનગર તથા આસપાસનાં નાનાં ગામના લોકોએ પણ આ સ્કીમમાં નાણાં રોક્યાં હોવાની માહિતી મળી રહી છે. ક્રિપ્ટોમાં ફંડ ટ્રાન્સફર કરતા
ભૂપેન્દ્ર ઝાલાની સાથે એના પાર્ટનર પણ જોડાયેલા છે, જે પણ ફંડિંગનું એડજસ્ટમેન્ટ કરતા હતા. મોટા ભાગનું મેનેજમેન્ટ યુ.એસ.ડી.ટી. તથા ક્રિપ્ટોમાં ફંડ ટ્રાન્સફર કરતા હતા. ભૂપેન્દ્ર ઝાલા તથા તેના પાર્ટનર્સની દુબઈમાં શિફટ થવાની ગણતરી એટલે પણ હતી, કેમ કે દુબઈમાં આ કામગીરી ગેરકાયદે કહેવાતી નથી. ચૂંટણીમાં શક્તિપ્રદર્શન કર્યું હતું
ભૂપેન્દ્ર ઝાલાનું સાબરકાંઠામાં મોટું નામ એટલે હતું કે અનેક સ્તરે સેવાકીય પ્રવૃત્તિ કરતો હતો, મંદિરમાં દાન કરતો હતો, ગરીબો માટે ઘર બનાવવાની શરૂઆત પણ કરી હતી અને આમ સ્થાનિક સ્તરે તેમનું વર્ચસ્વ વધતું જતું હતું. સ્થાનિક સ્તરે સપોર્ટ મળવાને કારણે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અપક્ષમાંથી ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું અને શક્તિપ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા. ભૂપેન્દ્ર ઝાલાની ખ્યાતિ એટલી બધી વધી ગઈ હતી કે ભાજપ તથા કોંગ્રેસ ઉમેદવાર હાર ભાળી જશે એવો ડર પણ પેદા થયો હતો. શક્તિપ્રદર્શન જોતાં રાજકીય લોકોને ડર પેસી ગયો હતો કે જો આ વ્યક્તિ રાજકીય રીતે મોટી થશે તો નડશે.