ઇલેક્ટ્રૉનિક્સ બાદ હવે ભારતમાં બ્યૂટી અને પર્સનલ કેર સેક્ટરમાં પણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ વધી રહ્યું છે. બે વર્ષથી આ ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, ભારતની બ્યૂટી અને પર્સનલ કેર ઇન્ડસ્ટ્રીમાં 650-700 કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે. પોતાની કોઇ બ્રાન્ડ હોતી નથી. તે બીજી કંપનીઓ માટે પ્રોડક્ટ બનાવે છે. ઠીક એ રીતે જ, જેમ તાઇવાનની કંપની ફૉક્સકૉન ભારતમાં એપલ માટે આઇફોન બનાવે છે. દેશના પર્સનલ કેર સેક્ટરમાં પણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનું માર્કેટ રૂ.5,968 કરોડનું છે. રિપોર્ટમાં ગ્રાન્ડ વ્યૂ રિસર્ચના હવાલાથી બતાવવામાં આવ્યું છે કે વર્ષ 2030 સુધી આ માર્કેટ લગભગ બમણું એટલે કે 12 હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી જશે. ડેલૉય ઇન્ડિયાના પાર્ટનર (કંઝ્યુમર પ્રોડક્ટ્સ અને રિટેલ સેક્ટર) આનંદ રામનાથને જણાવ્યું કે ભારતમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ સપ્લાયર અને વેન્ડરની ઇકોસિસ્ટમ તૈયાર થઇ ચુકી છે. તેમણે જણાવ્યું કે કંપનીઓ ઓછા ખર્ચમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ તૈયાર કરીને બ્રાંડ્સને સપ્લાય કરે છે. તેઓને અલગ અલગ ફોર્મ્યુલેશનમાં નિપુણતા છે, જે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતને પૂરી કરે છે. એશિયા પેસિફિકનું પર્સનલ કેર કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનું માર્કેટ કદ વર્ષ 2023 સુધીમાં અંદાજે $8 અબજની આસપાસ હતું અને તે વર્ષ 2024 થી 2030 વચ્ચે 9.3%ના CAGR દરે વધે તેવી શક્યતા છે. આ ગ્રોથનું કારણ ચીન, ભારત અને જાપાન જેવા વિકાસશીલ અર્થતંત્રમાં પર્સનલ કેર ઇન્ડસ્ટ્રીનું ઝડપી વિસ્તરણ છે. તે ઉપરાંત યુવા વસ્તીમાં પરફ્યુમ, શેવિંગ ક્રીમ જેવી પ્રોડક્ટ્સની વધેલી માંગને કારણે પણ એકંદરે ઇન્ડસ્ટ્રીના ગ્રોથને વેગ મળ્યો છે. વર્ષ 2023માં ગ્લોબલ પર્સનલ કેર કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માર્કેટની આવકમાં APAC પર્સનલ કેર કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માર્કેટનો હિસ્સો 37.8% રહ્યો હતો. માર્કેટમાં ઉપલબ્ધ મહત્તમ લિપસ્ટિક વાસ્તવમાં ગણતરીની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ બનાવે છે. જો તમે નજીકથી જુઓ, તો સામગ્રીની રીતે તે એક જેવી પ્રોડક્ટ છે. બસ અલગ અલગ રીતે તેને પેક કરવામાં આવે છે. પ્રોડક્ટ લોન્ચિંગ બાદ નફા પર ફોકસ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર ખર્ચ ઘટાડવા પ્રયાસ
એક પ્રમુખ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીના સીનિયર પ્રોડક્શન મેનેજરે કામ કરવાની પોતાની રીત અંગે જણાવ્યું હતું. બ્યૂટી પ્રોડક્ટ કંપનીઓની ખાસ રણનીતિ હોય છે. પ્રોડક્ટ લૉન્ચ કર્યા બાદ તેઓ પોતાનું ધ્યાન નફો વધારવા પર કેન્દ્રિત કરે છે. તેના માટે ખર્ચ ઘટાડવા લાગે છે. ગુણવત્તા સાથે પણ સમાધાન કરે છે. હું 400 રૂપિયાના ખર્ચ વાળી પ્રોડક્ટ 100 રૂપિયામાં કઇ રીતે વેચી શકું છું?