back to top
Homeબિઝનેસધીરુભાઈ અંબાણી અને રતન ટાટાનો આજે જન્મદિવસ:ટાટાએ સૌથી સસ્તી કાર તો ધીરુભાઈએ...

ધીરુભાઈ અંબાણી અને રતન ટાટાનો આજે જન્મદિવસ:ટાટાએ સૌથી સસ્તી કાર તો ધીરુભાઈએ સૌથી મોટું પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ બનાવ્યું; બંનેનાં 3-3 ઇનોવેશન

આજે, એટલે કે 28મી ડિસેમ્બરે ભારતના બે મોટા બિઝનેસ ટાયકૂન્સના જન્મદિવસ છે. રતન ટાટા… એક એવું વ્યક્તિત્વ, જેમણે વારસો લીધો અને તેમને નવા સ્તરે પહોંચાડ્યા. વિદેશી કંપની ફોર્ડની લક્ઝરી કાર બ્રાન્ડ લેન્ડરોવર અને જેગુઆરને તેના પોર્ટફોલિયોમાં ઉમેરીને મધ્યમવર્ગ માટે દેશની સૌથી સસ્તી કાર બનાવી. આજે તેમનો 87મો જન્મદિવસ છે. ધીરુભાઈ અંબાણીનો આજે 92મો જન્મદિવસ છે. કપડાના વ્યવસાયમાંથી તેમણે એક કંપની બનાવી, જેની સફર ઊર્જા, રિટેલથી લઈને મીડિયા-મનોરંજન અને ડિજિટલ સેવાઓ સુધી ફેલાયેલી છે. આ કંપનીઓ સવારના નાસ્તાથી લઈને સૂવાના સમય સુધીના રોજિંદા જીવનનો એક ભાગ છે. આ કહાનીમાં રતન ટાટા અને ધીરુભાઈ અંબાણીની નવીનતાઓ… રતન ટાટા 1. ઇન્ડિકાઃ ભારતની પ્રથમ સ્વદેશી કાર 30 ડિસેમ્બર 1998ના રોજ લોન્ચ કરાઈ હતી
ભારતની પ્રથમ સ્વદેશી કાર ટાટા ઇન્ડિકા 30 ડિસેમ્બર, 1998ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ કાર રતન ટાટાના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવી હતી, જે ભારતીય બજાર માટે સસ્તી અને પેસેન્જર કાર્યક્ષમ કાર બનાવવાના તેમના સ્વપ્નનો એક ભાગ હતો. જોકે શરૂઆતમાં લોન્ચ કરાયેલા મોડલમાં કેટલીક મેન્યુફેક્ચરિંગ ખામીઓ હતી. આવી સ્થિતિમાં ટાટાએ અધિકારીઓની બેઠક બોલાવી અને ઉકેલ પર કામ કરવાનું શરૂ કર્યું. ટૂંકા ગાળામાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કંપની દેશવ્યાપી ગ્રાહક શિબિરો સ્થાપશે અને તમામ ખામીયુક્ત ભાગોને બદલશે. આ માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વધુમાં એન્જિનિયરોએ મેન્યુફેક્ચરિંગ ખામીને દૂર કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું અને 2001માં ઈન્ડિકા V2 લોન્ચ મોડલ કર્યું. એ ભારતીય ઈતિહાસની સૌથી સફળ કાર બની ગઈ. કંપનીએ 2018માં આ કારનું પ્રોડક્શન બંધ કરી દીધું હતું. 2. નેનોઃ પરિવારને વરસાદમાં ભીંજાતા જોઈને લખતકિયા કાર બનાવી
એક ઇન્ટરવ્યૂમાં રતન ટાટાને પૂછવામાં આવ્યું કે તેમને 1 લાખ રૂપિયાની કાર બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? તેમણે કહ્યું, ‘હું ઘણા ભારતીય પરિવારોને સ્કૂટર ચલાવતા જોતો હતો. લોકો સ્કૂટર પર મુસાફરી કરતા, તેમની આગળ એક બાળક ઊભું રહેતું હતું, પાછળ પત્ની બાળકને બાથમાં ભીડીને લઈને વરસાદમાં ભીંજાતા લપસણા રસ્તાઓ પર મુસાફરી કરતા હતા. અકસ્માતનો ભય રહેતો હતો. મેં વિચાર્યું કે પરિવાર માટે આ કેટલી ખતરનાક મુસાફરી હશે. શું આપણે આવા પરિવારોને સલામત સવારી આપી શકીએ? આ પછી અમે 1 લાખ રૂપિયાની નવી નાની કાર બનાવવાનું નક્કી કર્યું, જોકે એ એટલું સરળ નહોતું. 18 મે, 2006ના રોજ રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં ટાટા નેનો કાર પ્લાન્ટ સ્થાપશે. ત્યારે પશ્ચિમ બંગાળમાં સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નેતૃત્વમાં ડાબેરી સરકાર હતી. મમતા બેનર્જી વિરોધમાં હતાં. બુદ્ધદેવે નેનો પ્રોજેક્ટને આવકાર્યો હતો, પરંતુ મમતા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના વિરોધમાં હડતાળ પર બેસી ગયાં હતાં. મમતાની ભૂખહડતાળ 24 દિવસ સુધી ચાલી હતી. એક હજાર એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ વિરોધના કારણે કામ શરૂ થઈ શક્યું નહિ. 3 ઓક્ટોબર, 2008ના રોજ રતન ટાટાને જાહેરાત કરવી પડી કે તેઓ નેનો પ્લાન્ટને સિંગુરથી બીજે ક્યાંક ખસેડશે. આ પછી નરેન્દ્ર મોદીએ રતન ટાટાનું ગુજરાતમાં સ્વાગત કર્યું. તેમણે ટાટાને પ્રતિ એકર રૂ. 3.5 લાખના દરે પ્લાન્ટ સ્થાપવા માટે 1100 એકર જમીન ઓફર કરી હતી. થોડા જ દિવસોમાં નેનો નામની લખટકિયા કાર ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં તૈયાર થઈ ગઈ. એ 10 જાન્યુઆરી, 2008ના રોજ દિલ્હીમાં ઓટો એક્સપોમાં લોન્ચ કરવામાં આવી, એના બેઝ મોડલની કિંમત લગભગ 1 લાખ રૂપિયા હતી. વેચાણ ઘટ્યા બાદ એને 2019માં બંધ કરી દેવામાં આવી હતી. 3. એકા: ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર
ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ‘એકા’ 2007માં ટાટા સન્સની પેટાકંપની કોમ્પ્યુટેશનલ રિસર્ચ લેબોરેટરીઝ (CRL) દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. ભારતમાં ઉચ્ચ પ્રદર્શન કોમ્પ્યુટિંગ માટે આ એક મોટી સિદ્ધિ હતી. ‘એકા’ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘એક’. રતન ટાટા એકા સુપર કોમ્પ્યુટરના વિકાસમાં સીધા સંકળાયેલા નહોતા, પરંતુ ટાટા ગ્રુપના ચેરમેન તરીકે તેમની વિચારસરણી અને દૃષ્ટિએ આ પ્રોજેક્ટને વાસ્તવિકતા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રતન ટાટા હંમેશાં ભારતને તકનીકી રીતે આત્મનિર્ભર બનાવવાના પક્ષમાં હતા. તેમણે સુપર કોમ્પ્યુટર જેવા અદ્યતન ટેક્નોલોજી પ્રોજેક્ટને પ્રોત્સાહન આપીને હાઈ પર્ફોર્મન્સ કોમ્પ્યુટિંગ (HPC)માં ભારતને વૈશ્વિક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો. રતન ટાટાનું વૈશ્વિક વિઝન ‘એકા’ને માત્ર એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ પૂરતું સીમિત ન રાખ્યું, પરંતુ એને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવ્યું. 2007માં એ વિશ્વના ટોચના 500 સુપર કોમ્પ્યુટર્સમાં ચોથા ક્રમે હતું, જે ભારત માટે ગર્વની ક્ષણ હતી. ધીરુભાઈ અંબાણી 1. ટેક્સટાઇલ: ભારતના પ્રથમ પોલિયેસ્ટર ફિલામેન્ટ યાર્નમાંથી ક્રાંતિ
પોલિયેસ્ટર ફિલામેન્ટ યાર્નના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં અને એને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં ધીરુભાઈ અંબાણીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ક્ષેત્રમાં ક્રાંતિ લાવી અને ભારતીય કાપડ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. પોલિયેસ્ટર ફિલામેન્ટ યાર્ન એ પોલિયેસ્ટરમાંથી બનાવેલા સિન્થેટિક ફાઇબર છે. એનો ઉપયોગ કપડાં અને કાપડનાં ઉત્પાદનો (જેમ કે સાડી, ડ્રેસ મટીરિયલ અને હોમ ટેક્સટાઇલ) બનાવવામાં થાય છે. એ એક ટકાઉ, ઓછી જાળવણી અને સસ્તો વિકલ્પ છે, જેનો ઉપયોગ કપાસ અને રેશમ જેવા કુદરતી રેસાના વિકલ્પ તરીકે થાય છે. 1966માં અંબાણીએ પોલિયેસ્ટર ફિલામેન્ટ યાર્ન બનાવવા માટે સરકાર પાસેથી લાઇસન્સ લીધું હતું. એ સમયે ભારતમાં પીએફવાયનું ઉત્પાદન મર્યાદિત હતું અને એ વિદેશથી આયાત કરવામાં આવતું હતું. તેમણે PFY ઉત્પાદન માટે આધુનિક ટેક્નોલોજી અને મશીનરીનો ઉપયોગ કર્યો. ધીરુભાઈએ વિમલ બ્રાન્ડ હેઠળ ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ બનાવવા માટે PFYનો ઉપયોગ કર્યો, જે ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય બની. ભારતીય બજારને સમજીને તેમણે માત્ર ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ જ નથી બનાવી, પરંતુ તેમને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવ્યા. અગાઉ ભારતે PFY માટે વિદેશી દેશો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ ધીરુભાઈના પ્રયત્નોથી ભારત PFY ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું. તેમનું માનવું હતું કે ભારતીય કાપડ ઉદ્યોગે વિશ્વસ્તરીય બનવા માટે કૃત્રિમ ફાઇબર અને PFYમાં નિપુણતા મેળવવી પડશે. 2. પેટ્રોકેમિકલ્સ: વિશ્વના સૌથી મોટા પેટ્રોકેમિકલ્સ સંકુલની સ્થાપના
1980ના દાયકામાં રિલાયન્સે પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં પ્રવેશ કર્યો. જ્યારે કંપનીને કાપડ ઉદ્યોગ માટે પોલિયેસ્ટર ફાયબર અને યાર્નનું ઉત્પાદન વધારવા માટે કાચા માલ (PTA અને MEG)ની જરૂરિયાત સમજાઈ ત્યારે પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવામાં આવી. આનાથી કંપનીને કાચા માલની આયાત પર નિર્ભરતા દૂર કરવામાં અને ખર્ચ ઘટાડવામાં મદદ મળી. રિલાયન્સે ગુજરાતના હજીરામાં પ્રથમ મોટા પેટ્રોકેમિકલ્સ સંકુલની સ્થાપના કરી, જ્યાં પોલિયેસ્ટર સ્ટેપલ ફાઇબર (PSF) અને પોલિયેસ્ટર ફિલામેન્ટ યાર્ન (PFY)નું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ ભારતમાં પેટ્રોકેમિકલ્સના સ્થાનિક ઉત્પાદનનો આધાર બન્યો. જામનગર રિફાઈનરી આજે વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી છે. 3. ટેલિકોમ્યુનિકેશનઃ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સાથે ભારતનું ટેલિકોમ સેક્ટર બદલાયું
ધીરુભાઈ અંબાણીએ 1990ના દાયકામાં ટેલિકોમ સેક્ટરમાં આવવાનું નક્કી કર્યું. તેમનો ઉદ્દેશ દરેક ભારતીયને ઓછા ખર્ચે સંચાર સેવાઓ પૂરી પાડવાનો હતો. ધીરુભાઈ સમજતા હતા કે ભારતની ઔદ્યોગિક અને સામાજિક પ્રક્રિયાઓ માટે ટેલિકોમ એક મુખ્ય ક્ષેત્ર હશે. ભારતમાં 1991ના આર્થિક સુધારા પછી ખાનગી કંપનીઓને ટેલિકોમક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ધીરુભાઈએ આ તકને ઓળખી અને રિલાયન્સને આ ક્ષેત્રમાં લીડર બનાવવાનું આયોજન કર્યું. 2002માં ધીરુભાઈ અંબાણીના અવસાન પછી તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી અને નાના પુત્ર અનિલ અંબાણીએ ટેલિકોમક્ષેત્રમાં તેમના વિઝનને આગળ ધપાવ્યું. 2005માં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ભાઈઓ વચ્ચે વિભાજન થયું ત્યારે ટેલિકોમ સેક્ટર અનિલ પાસે આવ્યું. વિભાજન વખતે નક્કી કરવામાં આવ્યું હતું કે મુકેશ અંબાણી આગામી 10 વર્ષ સુધી ટેલિકોમ ઉદ્યોગમાં દખલ નહીં કરે, પરંતુ અનિલ અંબાણીએ બિઝનેસમાં એવા નિર્ણયો લીધા, જે તેમની કંપનીઓ માટે ઘાતક સાબિત થયા. આખરે નાણાકીય કટોકટીના કારણે રિલાયન્સ કોમ્યુનિકેશને 2019માં નાદારી નોંધાવી. જોકે 2016માં ધીરુભાઈના મોટા પુત્ર મુકેશે રિલાયન્સ જિયોની રચના કરી, જે આજે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. હવે બંને બિઝનેસ ટાયકૂન્સ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો… રતન 21 વર્ષ સુધી ચેરમેન રહ્યા, ટાટા ગ્રુપનો નફો 50 ગણો વધ્યો 50 વર્ષ નાના મિત્રને તેમણે પોતે જ ડ્રાઈવ કરીને ડિનર માટે લઈ ગયા COVID-19 રોગચાળા દરમિયાન 500 કરોડ રૂપિયાનું દાન કર્યું
રતન ટાટા ટાટા ટ્રસ્ટમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા, જે જૂથની પરોપકારી શાખા છે. ટાટા ગ્રુપની આ શાખા શિક્ષણ, આરોગ્યસંભાળ અને ગ્રામીણ વિકાસ જેવાં ક્ષેત્રોમાં કામ કરે છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રતન ટાટાએ એક મુદ્દો બનાવ્યો કે ટાટા સન્સના 60-65% ડિવિડન્ડનો ઉપયોગ સખાવતી કાર્યો માટે કરવામાં આવે. રતન ટાટાએ કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે 500 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. રતન ટાટાએ એક્ઝિક્યુટિવ સેન્ટરની સ્થાપના માટે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલને $50 મિલિયનનું દાન આપ્યું. તેમણે અહીંથી અભ્યાસ કર્યો. તેમના યોગદાનથી તેમને વૈશ્વિક સ્તરે આદર મળ્યો છે, એક પરોપકારી અને સ્વપ્નદ્રષ્ટા તરીકે તેમના વારસાને વધુ વધાર્યો છે. ધીરુભાઈએ ભારતીયોને 600 રૂપિયામાં મોબાઈલ ફોન આપ્યા હતા આ સમાચાર પણ વાંચો… રતન ટાટાનાં માતા-પિતા તેમના બાળપણમાં અલગ થઈ ગયાં હતાં, તેમનો ઉછેર તેમની દાદી દ્વારા થયો હતો; પરિવારને વરસાદમાં ભીંજાતા જોઈને બનાવી સૌથી સસ્તી કાર પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા રતન ટાટાના નેતૃત્વ હેઠળ ટાટા ગ્રુપે દેશની સૌથી સસ્તી કાર લોન્ચ કરી અને તાજેતરમાં 18,000 કરોડ રૂપિયાના રોકડ સોદામાં દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાને ખરીદી. બિઝનેસમાં ખૂબ જ સફળ રહેલા રતન ટાટાને તેમના અંગત જીવનમાં સાદગી પસંદ હતી અને તેઓ મુંબઈમાં તેમના નાના ફ્લેટમાં રહેતા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments