back to top
Homeસ્પોર્ટ્સનીતિશને ક્રિકેટર બનાવવા પિતાએ નોકરી છોડી દીધી...:હાર્દિકને મળ્યો ને કારકિર્દીમાં વળાંક આવ્યો;...

નીતિશને ક્રિકેટર બનાવવા પિતાએ નોકરી છોડી દીધી…:હાર્દિકને મળ્યો ને કારકિર્દીમાં વળાંક આવ્યો; આજે હવે ટીમ ઈન્ડિયાનો તારણહાર બન્યો

‘ફાયર નહીં…વાઇલ્ડફાયર હૈ.’ પુષ્પા-2નો આ ડાયલોગ ભારતીય ટીમના ઉભરતા સ્ટાર પ્લેયર નીતિશ કુમાર રેડ્ડી પર એકદમ ફિટ બેસે છે. નીતિશે 80,000+ લોકો વચ્ચે જે પરાક્રમ કર્યું છે, તે કદાચ ભાગ્યે કોઈ ખેલાડી કરી શકે છે. T20ના યુગમાં આ 21 વર્ષીય ખેલાડીએ જે શાંતિથી અને હિંમતથી અડગ રહીને જે બેટિંગ કરી છે, તે ખૂબ જબરદસ્ત છે. 26 મે 2003ના રોજવિશાખાપટ્ટનમમાં જન્મેલા આ છોકરાએ મેલબોર્નના ઐતિહાસિક સ્ટેડિયમ MCGમાં શાનદાર સેન્ચુરી ફટકારી છે. તેણે ટીમ ઈન્ડિયાની લાજ રાખી છે. ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત બોલિંગ લાઇન-અપ સામે કરિયરની પહેલી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સદી પૂરી કરનાર તે ત્રીજો સૌથી યંગેસ્ટ ભારતીય ખેલાડી બન્યો છે. આજે તે અહીં પહોંચ્યો છે, તે તેના અને પરિવાર માટે સરળ રહ્યું નથી. નીતિશ ખૂબ જ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. આજે જ્યારે તેણે સેન્ચુરી ફટકારી, ત્યારે તેના પિતા પણ એ 80 હજાર દર્શકોની વચ્ચે બેઠા હતા અને તેમના દીકરા પર ગર્વ કરી રહ્યા હતા. નીતિશના પિતાએ નોકરી છોડી દીધી
નીતિશ કુમાર રેડ્ડી એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેના પિતાએ તેની કારકિર્દી માટે તેમની નોકરી છોડી દીધી હતી. તેમણે નીતિશને માર્ગદર્શન આપ્યું અને પાલન-પોષણ કર્યું. તેમની મહેનત હવે ફળી રહી છે. નીતિશે એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે તેના પિતા એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે તેના પર વિશ્વાસ કર્યો કે તે એક સારા ક્રિકેટર બની શકે છે. હાર્દિકને મળ્યો, પછી ઓલરાઉન્ડર બનવાનો નિર્ણય કર્યો…
નીતિશના પિતા મુત્યાલા રેડ્ડીએ પુત્રને લઈને મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિકને મળ્યા બાદ નીતિશની કારકિર્દી બદલાઈ ગઈ. મુત્યાલાએ કહ્યું, ‘NCAમાં તેના U19 દિવસો દરમિયાન, તેને હાર્દિક પંડ્યા સાથે વાત કરવાનો મોકો મળ્યો. ત્યાર પછીથી તે માત્ર ઓલરાઉન્ડર બનવા માગતો હતો.’ તેના સિલેક્શન પર સવાલો ઉઠ્યા, પણ પરફોર્મન્સથી દિલમાં જગ્યા બનાવી
નીતિશ કુમાર રેડ્ડી જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે ભારતનો સ્કોર 6 વિકેટે 191 રન હતો અને ફોલોઓનનો ખતરો હતો. પરંતુ નીતિશની હિંમતભરી ઇનિંગ્સે ભારતને સંકટમાંથી ઉગારી લીધું. આ દરમિયાન નીતિશે વોશિંગ્ટન સુંદર સાથે મળીને આઠમી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના કારણે રોહિત બ્રિગેડ ફોલોઓન બચાવવામાં સફળ રહી છે. જ્યારે નીતિશ કુમાર રેડ્ડીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ત્યારે તેના સમાવેશ પર સવાલો ઉભા થયા હતા. જોકે, નીતિશે પર્થ ટેસ્ટમાં પોતાના ડેબ્યૂ પર ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. નીતિશે પર્થ ટેસ્ટમાં 41 અને 38* રન બનાવ્યા હતા. આ પછી તેણે એડિલેડ ટેસ્ટમાં પણ બંને ઇનિંગ્સમાં 42-42 રન બનાવ્યા હતા. ગાબા ટેસ્ટમાં નીતિશના બેટમાંથી 16 રન આવ્યા જે ખૂબ જ કિંમતી હતા. ત્યારે નીતિશે રવીન્દ્ર જાડેજા સાથે સાતમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરીને ભારતને ફોલોઓન બચાવવામાં મદદ કરી હતી. જો કે, પ્રથમ 3 ટેસ્ટ મેચમાં તેના શાનદાર પ્રદર્શન છતાં એવી ચર્ચા હતી કે નીતિશ કુમાર રેડ્ડીને મેલબોર્ન ટેસ્ટ માટે પડતો મૂકવામાં આવી શકે છે. પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટને આ યુવા ખેલાડી પર વિશ્વાસ જારી રહ્યો હતો. હવે 21 વર્ષના નીતિશે મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. વિરાટ કોહલીનો બાળપણથી જ મોટો ફેન
નીતિશ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના શરૂઆતથી જ મોટો ફેન છે. તેણે BCCIના એક સેરેમનીમાં કોહલીને પહેલીવાર મળ્યો હતો. તે બાળપણથી જ વિરાટનો મોટો ચાહક રહ્યો છે. જોગાનુજોગ નીતિશને ટેસ્ટ ડેબ્યૂ કેપ પણ વિરાટના હાથે મળી હતી. ઉપરાંત કોહલીએ જ્યારે પર્થ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી, ત્યારે પણ સામે છેડે નીતિશ રેડ્ડી જ હતો. નીતિશના નામે અનેક મોટા રેકોર્ડ
નીતિશ કુમાર રેડ્ડીએ આંધ્રપ્રદેશ માટે તેના એજ (વય) ગ્રૂપમાં ટોપ ઓર્ડર પર પ્રભુત્વ જમાવ્યું હતું. નીતિશે 2017-18ની સિઝનમાં વિજય મર્ચન્ટ ટ્રોફીની રેકોર્ડ બુકમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. હકીકતમાં, નીતિશે 176.41ની જબરદસ્ત એવરેજથી 1,237 રન બનાવ્યા હતા, જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ રન છે. આ દરમિયાન તેણે ત્રેવડી સદી, બે સદી, બે અડધી સદી અને નાગાલેન્ડ સામે 366 બોલમાં 441 રન ફટકાર્યા હતા. 2018માં વાર્ષિક એવોર્ડ સેરેમનીમાં BCCIએ ‘અંડર-16 કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રિકેટર’ તરીકે પસંદ કર્યો હતો. ત્યારે નીતિશ તેના બેટિંગ આઇડલ વિરાટ કોહલીને મળ્યો હતો. ડેબ્યૂ T20I સિરીઝમાં અજાયબીઓ કરી
નીતિશ કુમાર રેડ્ડીની ડોમેસ્ટિક ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી. નીતિશે આ વર્ષે ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામેની મેચમાં T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ગ્વાલિયરમાં રમાયેલી મેચમાં નીતિશ 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. ત્યારબાદ તેની બીજી T20 ઈન્ટરનેશનલમાં નીતિશે 74 રનની ઈનિંગ રમી હતી. નીતિશ કુમાર રેડ્ડી માત્ર તેના બેટથી જ અજાયબી નથી કરતા, તે બોલથી પણ શાનદાર પ્રદર્શન કરે છે. નીતિશે રણજી ટ્રોફી દરમિયાન મુંબઈ સામેની તેની બીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં 5 વિકેટ લીધી હતી. નીતિશે બાંગ્લાદેશ સામેની ડેબ્યૂ T20 સિરીઝમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં નીતિશે ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ઝડપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments