ચિંતન આચાર્ય
ગુજરાત ભાજપમાં સંગઠનપર્વ શરૂ થાય તે પહેલાં પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવાયો કે વોર્ડ અને તાલુકાના પ્રમુખો બનાવવા માટે 40થી વધુ વયના કાર્યકરોની પસંદગી ન કરવી. યુવાનેતાઓને સંગઠનમાં તક મળે તે માટે આ નિર્ણય લેવાયો તેનો કાર્યકર્તાઓમાં કચવાટ પણ જોવા મળ્યો. જોકે કેટલાક હોશિયાર ભાજપ નેતાઓએ આ માપદંડમાં ગોઠવાઈ જવા માટે નકલી જન્મપ્રમાણપત્રો તૈયાર કરાવી દીધાં. 40થી વધુ વયના જ વોર્ડ અધ્યક્ષ બની શકે એ માટે રાજકોટ બાદ અમદાવાદના ભાજપ નેતાએ પણ નકલી જન્મ પ્રમાણપત્ર રજૂ કરી ઉમર ઓછી કરી દીધી છે. આ માટે ચાલાકી વાપરી પોતાના સંપર્કો સંબંધિત પાલિકા કે પંચાયતના પદાધિકારી સાથેના હોવાથી તેમની સાથે મિલીભગત કરી પોતે 40થી ઓછી વયના હોય તેવા સર્ટિફિકેટ ઇસ્યૂ કરાવી દીધાં. જોકે ભાજપના જ તેમના હરીફોએ આવા કાર્યકરોનાં તેમના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ જેવા દસ્તાવેજો બહાર પાડી દીધા અને પોલ ખોલી છે. અગાઉ રાજકોટના એક કાર્યકરે વોર્ડપ્રમુખ બનવા માટે પોતાનો દાવો રજૂ કરતી વખતે ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. હવે અમદાવાદમાં પણ નવા નિયુક્ત કરાયેલા વોર્ડપ્રમુખનું નકલી પ્રમાણપત્ર હોવાનું બહાર આવ્યું છે.
તાલુકા અને વોર્ડ બાદ હવે મહાનગરો અને જિલ્લાના પ્રમુખની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન શનિવારે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલની હાજરીમાં એક માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનના પ્રદેશ મહામંત્રી રત્નાગરે ઉંમરને લઈને થયેલા વિવાદો અંગે સ્પષ્ટતા કરવી પડી હતી. તેમણે કહ્યું કે વયમર્યાદા માત્ર પ્રાથમિક બાબત હતી. પ્રમુખની પસંદગી માટેનો તે મુખ્ય માપદંડ ન હતો પરંતુ તેને કેન્દ્ર સ્થાને રાખીને વિવાદો ઊભા થાય તેવું બન્યું છે. તેમને આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે હવે ઉંમરના મુદ્દે જ પ્રેક્ટિકલ બનીને નિર્ણય લેવો. યોગ્ય ઉમેદવાર મળે તો ઉંમરમાં પણ બાંધછોડ કરીને પણ પક્ષમાં સક્રિય હોય તેવી વ્યક્તિને પસંદ કરવી. અમદાવાદ મહાનગરપાલિકાના 40 વોર્ડના અધ્યક્ષોની યાદી શુક્રવારે બહાર પડી તેના ગણતરીના કલાકોમાં જ કુબેરનગર વોર્ડના અધ્યક્ષ રામપ્યારે ઠાકુરની ચાલાકી બહાર પડી છે. તેમનાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધારકાર્ડમાં જન્મ તારીખ 6 જુલાઈ 1975 છે. તેની સામે તેમણે પાલિકામાંથી મેળવેલા પ્રમાણપત્રની તારીખ 6 જુલાઈ 1980 કરી નાંખી છે. આ અગાઉ રાજકોટના વોર્ડમેમ્બર 14મા પ્રમુખ બનવા માટે કાર્યકર્તા વિપુલ માખેલાએ નકલી પ્રમાણપત્ર રજૂ કરી પોતાનો દાવો કર્યો હતો. માખેલાની ઉંમર ખરેખર 50 વર્ષની હતી છતાં તેમણે આમ કરતા પક્ષનું ધ્યાન કોઈ પાર્ટીના કાર્યકરે જ દોર્યું હતું. તે પછી તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી શરૂ કરાઈ હતી. ભાજપના નેતાઓએ વોર્ડપ્રમુખો પસંદ કરવામાં ગુનાહિત ભૂતકાળને અવગણ્યો { અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં પ્રમુખ તરીકે પસંદ કરાયેલા ભાવિક પરમાર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. ભાવિક સામે અગાઉ જુગાર રમતા હોવાની પોલીસ ફરિયાદ પણ થયેલી છે. આ દરમિયાન પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા પણ જપ્ત કર્યા હતા. ભાવિક પોતે કોંગ્રેસમાંથી આવેલા ગિરીશ પરમારના પુત્ર છે. ગિરીશ પરમાર ભાજપના કારોબારી સમિતિના સભ્ય છે. તે ઉપરાંત અમરાઈવાડી વોર્ડના નવા બનાવેલા પ્રમુખ જ્ઞાનેન્દ્ર મિશ્રાની દુકાનમાંથી દારૂ પકડાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અલબત્ત, તેમની સામે ફરિયાદ નોંધાઈ ન હતી પરંતુ તેમના હાથ નીચે કામ કરતા કારીગરોના નામ ફરિયાદમાં નોંધી દેવાયા હતા. અમદાવાદના વટવા ગ્રામ્ય વિસ્તારના મંડળ પ્રમુખ સામે પણ મારામારી અને અન્ય ગુના નોંધાયેલા છે. હવે વાંધા રજૂ કરવા માટે અપીલ અધિકારીની નિમણૂક… અમદાવાદ શહેરમાં લાયકાત નહીં ધરાવતા નેતાઓને વોર્ડ પ્રમુખના પદ મળ્યા બાદ રોષ ફાટી નીકળ્યો છે. નારાજ કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે કમલમ્ પર યોજાયેલી સીઆર પાટીલની બેઠક વખતે પહોંચી ગયા હતાં પરંતુ તેમને રોકી દેવાયા હતા. હવે આ આગ ઠારવા માટે ભાજપે અપીલ અધિકારી તરીકે પોતાના સિનિયર નેતા અને કાયદાના જાણકાર એવા પરીન્દુ ભગતને નિયુક્ત કર્યા છે. જે વોર્ડ પ્રમુખ સામે વિરોધ હોય તેમના વિરૂદ્ધના પુરાવા અધિકારીને રજૂ કરવાના રહેશે અને તેની સુનાવણી હાથ ધરાશે.