ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી અને છેલ્લી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ટીમે સિરીઝ 3-0થી કબજે કરી લીધી હતી. ભારતીય ટીમે પ્રથમ મેચ 211 રને અને બીજી મેચ 115 રને જીતી હતી. 3 વન-ડેમાં 10 વિકેટ લેનારી રેણુકા સિંહ ઠાકુર પ્લેયર ઓફ ધ સિરીઝ રહી હતી. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 38.5 ઓવરમાં 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 28.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. દીપ્તિ શર્માએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ 39 રન બનાવ્યા અને 6 વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરી હતી. હેનરીની અડધી સદી, દીપ્તિએ 6 વિકેટ લીધી
વેસ્ટ ઈન્ડિઝે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 38.5 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. રેણુકા સિંહે મેચની પહેલી જ ઓવરમાં બંને ઓપનરોને આઉટ કર્યા હતા. કેના જોસેફ અને હેલી મેથ્યુઝ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયાં હતાં. ટીમ તરફથી શિનેલ હેનરીએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. શમાઈન કેમ્પબેલે 46 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ 6 વિકેટ લીધી હતી. રેણુકા સિંહે 4 વિકેટ લીધી હતી. દીપ્તિએ અણનમ 39 રન બનાવ્યા
ટાર્ગેટ ચેઝ કરતા ભારતે 55 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. સ્મૃતિ મંધાના 4, હરલીન દેઓલ 1 અને પ્રતિકા રાવલે 18 રન બનાવ્યા હતા. અહીંથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 32 અને જેમિમાહ રોડ્રિગ્સે 29 રન બનાવ્યા હતા. જ્યારે દીપ્તિએ 48 બોલમાં 39 રન અને રિચા ઘોષે 11 બોલમાં 23 અણનમ રન બનાવ્યા હતા. ભારતે બીજી વન-ડે 115 રને જીતી હતી
ભારતીય મહિલાએ બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રનથી હરાવ્યું. ટૉસ જીત્યા બાદ ભારતીય ટીમ બેટિંગ કરવા આવી હતી અને તેણે પોતાના સર્વોચ્ચ સ્કોરની બરાબરી કરી હતી. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ભારતે 5 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 46.2 ઓવરમાં 243 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે T20 સિરીઝ 2-1થી જીતી
ODI પહેલા બંને ટીમ વચ્ચે 3 T-20 સિરીઝ પણ રમાઈ હતી. ભારતે પ્રથમ અને ત્રીજી T20 જીતી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે બીજી T20 જીતી હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ ત્રણેય મેચમાં ફિફ્ટી ફટકારી હતી.