જૈનુલ અન્સારી
પાંજરાપોળ જંકશનથી આઈઆઈએમ વચ્ચે ફ્લાયઓવર માટે મ્યુનિ.એ જીદ પકડી છે. આ માટે 4 વર્ષમાં કરાવાયેલા બે સરવેના તારણોમાં આભ-જમીનનો તફાવત છે. 2024માં એસવીએનઆઈટી પાસે કરાવેલા સરવેમાં યુનિવર્સિટી રોડથી નહેરુનગર વચ્ચે બંને સાઈડે ટ્રાફિક 54 ટકા ઘટ્યાનું બતાવી દેવાયું છે. આ સરવે મુજબ સવારે પિકઅવરમાં આ રૂટ પર 1261 વાહનની અવરજવર બતાવાઈ છે. પરંતુ 2020માં આઈઆઈટી રામે કરેલા સરવેમાં યુનિવર્સિટી રોડથી નહેરુનગર વચ્ચે બંને સાઈડે પિકઅવરમાં 2758 વાહનનો ઉલ્લેખ હતો.
નવી દિલ્હીની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (સીઆરઆરઆઈ)એ 2012માં 34 જંક્શન પર બ્રિજ બનાવવા સૂચવ્યું હતું. જેમાં પાંજરાપોળ જંક્શન પર નેહરૂનગરથી યુનિવર્સિટી રોડ તરફ બ્રિજનું સૂચન હતું. તે સમયે પાંજરાપોળ જંક્શન પર 10,175 વાહનો પસાર થતા હતા. પછી 2020માં સરવે કરાયો હતો. જેમાં વાહનોની સંખ્યા ઘટીને 8582 થઈ. તે સરવેના આધારે બ્રિજની દિશા બદલીને પોલિટેક્નિકથી આઈઆઈએમ તરફ કરવામાં આવી હતી. IIT રામ અને SVNITએ કરેલા સરવે મુજબ ટ્રાફિકના ફ્લોની સ્થિતિ 10 હજારથી વધુ વાહન હોય તો જ બ્રિજ બને
હવે ઓક્ટોબર 2024માં આવેલા સરવે મુજબ, પાંજરાપોળ પર વાહનોની સંખ્યા ઘટીને 6421 પર આવી ગઈ છે. એટલે કે, 12 વર્ષમાં 3754 એટલે કે, વાહનોની સંખ્યામાં 37 ટકાનો ઘટાડો થયો છે. ઈન્ડિયન રોડ કોંગ્રેસ મુજબ, 10 હજારથી વધુ વાહનો જે જંક્શન પરથી પસાર થતા હોય ત્યાં જ બ્રિજની જરૂર પડે છે. પાંજરાપોળ બ્રિજ માટે આ કારણ અપાયું
2024ના સરવે મુજબ આંબાવાડીથી આઈઆઈએમ તરફની લેન પર વધુ ટ્રાફિક છે અને વેઈટિંગ ટાઈમ પર વધારે બતાવે છે. તેથી આ લેન પર બ્રિજ બને તો વેઈટિંગ ટાઈમ ઘટી શકે છે. માટે પોલિટેકનિકથી આઈઆઈએમ વચ્ચે બ્રિજ સૂચવાયો છે.> જિજ્ઞેશ શાહ, બ્રિજ પ્રોજેક્ટ ઈન્ચાર્જ, સિટી એન્જિનિયર