સિરિયામાં બશર અલ-અસદના પ્રમુખપદ દરમિયાન કુખ્યાત સેડનાયા જેલમાં હજારો લોકોને મોતની સજા આપનાર ટોચના લશ્કરી ન્યાયાધીશ મોહમ્મદ કંજુ અલ-હસનની ધરપકડ કરવામાં આવી છે. કંજુ હસનની ધરપકડ સિરિયામાં તાજેતરના વિદ્રોહ પછી સૌથી ઉચ્ચ સ્તરની ધરપકડ છે. કંજુ અલ-હસન 2011થી 2014 સુધી સિરિયન મિલિટરી કોર્ટના જજ હતા. આ સમયગાળા દરમિયાન તેમણે હજારો લોકોને મોતની સજા સંભળાવી હતી. કંજુ હસન પર આરોપ છે કે તેમણે કેદીઓના સંબંધીઓ પાસેથી અલગ-અલગ માધ્યમથી 1500 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. બ્રિટન સ્થિત સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, ગુરુવારે કંજુ હસનને અન્ય 20 લોકોની સાથે ધરપકડ કરવામાં આવી હતી. સિરિયાના વચગાળાના ગૃહમંત્રી મોહમ્મદ અબ્દેલ રહેમાને જણાવ્યું હતું કે, ટાટુન્સ પ્રાંતમાં છુપાયેલા કંજુ અલ-હસનની ધરપકડ કરતી વખતે 14 સરકારી સૈનિકો માર્યા ગયા હતા. સિરિયામાં નાગરિકોના દમનને કારણે 2023માં બ્રિટિશ સરકારે કંજુ અલ-હસન પર પ્રતિબંધ મૂક્યો હતો. કંજુ સેડનાયા જેલમાં અમાનવીય ગુનાઓ માટે જવાબદાર હતો. 30 મિનિટમાં સુનાવણી, કેદીને બોલવાની તક પણ મળતી નથી
જજ કંજુ હસન માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપોનો સામનો કરે છે. કાયદાનો અભ્યાસ કર્યા બાદ તેણે સિરિયન આર્મીની મિલિટરી કોર્ટમાં ફરજ બજાવી હતી. 2011માં જ્યારે સિરિયામાં અસદ વિરુદ્ધ આરબ વસંત ફાટી નીકળ્યો, ત્યારે હસન દમાસ્કસની પ્રાદેશિક આર્મી કોર્ટમાં ન્યાયાધીશ હતા. એક સાક્ષીના જણાવ્યા મુજબ, હસને રાજકીય કેદીઓ સામે અન્ય લોકો પાસેથી ખોટી જુબાની મેળવવા માટે ગુપ્તચર એજન્સીઓ સાથે કામ કર્યું હતું. કોર્ટમાં સુનાવણી માત્ર 30 મિનિટ સુધી ચાલે છે, જેમાં આરોપીને બોલવાની મંજૂરી નથી. રાષ્ટ્રપતિની માફી પછી પણ તેમને મુક્ત થવા દેવામાં આવ્યા ન હતા
કંજુ હસન પર આરોપ છે કે તેમણે રાષ્ટ્રપતિની માફી બાદ કેદીઓ પરના આરોપો બદલ્યા હતા, જેથી તેઓને છોડી ન શકાય. આ પછી તે પરિવારના સભ્યોને છોડાવવા માટે પૈસા પડાવતો હતો. તમને જણાવી દઈએ કે અસદના ભાગી ગયા બાદ તેની નજીકના ઘણા લોકો પાછળ રહી ગયા હતા. જેમાં અસદનો ભાઈ મહેર અલ અસદ પણ સામેલ હતો.