સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રમત ગમત ક્ષેત્રમાં ઈતિહાસમાં સૌ પ્રથમ વખત રાજકોટની વિદ્યાર્થીનીએ દોડની સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં આંતર યુનિવર્સિટી કક્ષાની એથ્લેટિક્સની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિની દેવયાનીબા ઝાલાએ 400 મીટર દોડની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજુ સ્થાન મેળવ્યું
ઓડિશાના ભુવનેશ્વર ખાતે આંતર યુનિવર્સિટી એથ્લેટિક્સની સ્પર્ધાઓ ચાલી રહી છે, જેમાં રાજકોટની સદગુરૂ મહિલા કોલેજની વિદ્યાર્થિની દેવયાનીબા ઝાલાએ 400 મીટર દોડ 52.28 સેકન્ડમાં પુરી કરી રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજુ સ્થાન મેળવતા તેઓને બોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાનું શિક્ષણ રાજકોટમાં લીધા બાદ દેવયાનીબા ઝાલાએ સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધામાં ભાગ લઈ મેડલ મેળવ્યા બાદ યુનિવર્સિટી કક્ષાએ 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડમાં નવા રેકર્ડ સ્થાપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે બ્રોન્ઝ મેડલ મેળવ્યા બાદ હવે ફરી ભૂવનેશ્વર ખાતે 200 મીટર દોડની સ્પર્ધામાં ભાગ લેશે. દેશભરમાંથી 190 ગર્લ્સે ભાગ લીધો હતો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પર્ધકો પહેલા ઈન્ટર યુનિવર્સિટી બાદ ઝોન કક્ષાએ અને ત્યાર બાદ ઓલ ઈન્ડિયા નેશનલ ગેમ રમવા માટે સિલેક્ટ થતા હોય છે. આ મહિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકૂદ મહોત્સવમાં 400 મીટર દોડમાં યુનિવર્સિટી લેવલે ગત વર્ષનો પોતાનો જ રેકોર્ડ તોડી દેવ્યાનીબા ઝાલા ઓલ ઈન્ડિયામાં દોડવા માટે પહોચ્યા હતા. જ્યાં દેશભરમાંથી 190 ગર્લ્સે ભાગ લીધો હતો. એશિયન ગેમ્સમાં ચેમ્પિયન થવુ છેઃ વિદ્યાર્થિની
દેવ્યાનીબાએ જણાવ્યું હતું કે, 400 મીટર દોડમાં સવારે સેમી ફાઈનલ અને બે-અઢી કલાકના સમય ગાળામાં ફાઈનલ યોજાઈ હતી. જેના કારણે થોડો થાક હતો પરંતુ મે પુરો પ્રયત્ન કર્યો હતો. રોજની ત્રણ કલાકની પ્રેક્ટિસનું આ ફળ છે. આગામી એશિયન ગેમ્સમાં ચેમ્પિયન થવુ અને ઓલ્પિકમાં ભાગ લેવો મારુ મુખ્ય ધ્યેય છે.