મેલબોર્નના MCG સ્ટેડિયમમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર કમબેક કર્યું છે. એક સમયે ટીમ પર ફોલોઓનનો ખતરો તોળાતો હતો. હાલમાં ટીમ 116 રનથી પાછળ છે. ભારતે ત્રીજા દિવસે સ્ટમ્પ્સ સુધી પહેલી ઇનિંગમાં 9 વિકેટે 358 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડી 105 અને મોહમ્મદ સિરાજ 2 રન બનાવીને અણનમ છે. ગઈકાલે પ્રથમ સેશનમાં પંત 28 રન બનાવીને અને રવીન્દ્ર જાડેજા 17 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 221/7 હતો. અહીંથી નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરે આઠમી વિકેટ માટે 285 બોલમાં 127 રનની ભાગીદારી કરીને ફોલોઓન ટાળ્યું હતું. વોશિંગ્ટન સુંદર 162 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 3-3 વિકેટ ઝડપી હતી. નાથન લાયનને 2 વિકેટ મળી હતી. બે દિવસ પહેલાં શુક્રવારે 27 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડીની પ્રથમ ટેસ્ટ સેન્ચુરી
નીતિશ રેડ્ડીએ પોતાની સદી પૂરી કરી લીધી છે. તેણે પોતાની 115મી ઓવર ફેંકી રહેલા સ્કોટ બોલેન્ડના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની પહેલી સેન્ચુરી પૂરી કરી. આ સાથે જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ત્રીજો યંગેસ્ટ ભારતીય બન્યો છે. સદી પૂરી કર્યા પછી, રેડ્ડી જમીન પર ઘૂંટણિયે બેસી ગયો, પોતાનું બેટ જમીન પર દાટી દીધું અને તેના પર હેલ્મેટ લટકાવીને સેલિબ્રેશન કર્યું. તે આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માનતો જોવા મળ્યો હતો. મેલબોર્ન ટેસ્ટ માટે બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ. ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.