ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં રિષભ પંતે રિતસરની પોતાની વિકેટ ગિફ્ટમાં આપી દીધી હતી. પંત 36 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો હતો, ત્યારે તેણે સ્કોટ બોલેન્ડની બોલ પર સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટાઇમિંગ બરાબર ન આવ્યું અને બોલ થર્ડ-મેનની દિશામાં ગયો, જ્યાં ઊભેલા નાથન લાયને સરળતાથી કેચ ઝડપી લીધો હતો. આવી રીતે ઓસ્ટ્રેલિયાને ત્રીજા દિવસની પ્રથમ વિકેટ મળી હતી. પંતના શોટ પર ગાવસ્કરની પ્રતિક્રિયા
સુનીલ ગાવસ્કરને રિષભ પંત જે રીતે આઉટ થયો તે બિલકુલ પસંદ ન આવ્યું. જ્યારે વિકેટ પડી ત્યારે ગાવસ્કર ABC સ્પોર્ટ માટે હર્ષા ભોગલે સાથે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. ગાવસ્કરે પોતાની વાત છુપાવી ન હતી અને પંતને તેની બેદરકારી બદલ ઓન-એર ઠપકો આપ્યો હતો. ગાવસ્કરે ગુસ્સામાં કહ્યું, ‘સ્ટુપીડ, સ્ટુપીડ, સ્ટુપીડ.’ ત્યાં બે ફિલ્ડર છે અને તમે હજી પણ તેવી રીતે શોટ રમો છો. તમે છેલ્લો શોટ ચૂકી ગયા અને જુઓ કે તમે ક્યાં કેચ આઉટ થયા છો. તમે થર્ડ-મેન પર કેચ આઉટ થયા છે. તમે તમારી વિકેટ સામેથી આપી દીધી.’ ગાવસ્કરે આગળ કહ્યું, ‘તમારે પરિસ્થિતિને પણ સમજવી પડશે. તમે એમ ન કહી શકો કે આ તમારી નેચરલ ગેમ છે. મને માફ કરજો પણ આ તમારી નેચરલ ગેમ નથી. તે એક સ્ટુપીડ શોટ રમ્યો છે. આ તમારી ટીમને ખરાબ રીતે નિરાશ કરવા માટે પૂરતું છે. તેણે ભારતના ડ્રેસિંગ રૂમમાં ન જવું જોઈએ. તેણે બીજા ડ્રેસિંગ રૂમમાં જવું જોઈએ.’ પંત હજુ સુધી સિરીઝમાં સારું રમ્યો નથી
રિષભ પંતે ક્રિઝ પર 37 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા. આ સિરીઝમાં તેનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે. પ્રથમ ટેસ્ટમાં તેણે 37 અને એક રન બનાવ્યો હતો. બીજી ટેસ્ટમાં પંતે 21 અને 28 રન બનાવ્યા હતા. બ્રિસ્બેનમાં તેના બેટમાંથી 9 રન આવ્યા હતા. પંતે મેલબોર્નમાં પહેલી ઇનિંગમાં 28 રન બનાવ્યા હતા. તેનો અર્થ એ કે તે સિરીઝમાં ચાર વખત સેટ થયો ને પછી આઉટ થયો છે.