સુરતમાં ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં ગુજરાત એટીએસ દ્વારા સુરત પોલીસને ઇનપુટ આપવામાં આવ્યા હતા જેમાં અડાજણ અને વેસુ વિસ્તારમાં આવેલી બે ઓફિસોમાં જીયો કંપની તરફથી આપવામાં આવેલી SIP LINE માં વિદેશથી આવતા કોલને ડાયવર્ટ કરાતા હતા, જે ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરી ભારત સરકારને આર્થિક નુકસાન કરાતું હતુ. JIO કંપની તરફથી આશંકા વ્યક્ત કરવામાં આવતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં JIO કંપનીના ઓથોરાઈઝ કર્મચારી તથા હોમ સેટ અપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઈઝ વ્યક્તિ તરીકે ભગતસિંહ ઇન્દ્રસિંહ પરમારનું નામ બહાર આવ્યું છે. જ્યારે સન ઇન્ફ્રા સાઈટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ તરીકે સોની પાલ અનુભવ શ્રીવાસ્તવનું નામ સામે આવતા બંને વિરુદ્ધ ફરિયાદ લઈ અડાજણ અને વેસુની એક્ચ્યુઅલટ સોપર્સની ઓફિસ નંબર 316 માં તપાસ કરાઈ હતી. જે બંને ઓફિસોમાં SIP LINE ઝડપી પાડવામાં આવી હતી. તેમજ ઓફિસમાંથી સીપીયુ, રાઉટર, ડોંગલ અને મોડેમ કબજે કરાયું છે. અડાજણમાં હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નામે જીઓ પાસે 500 એસઆઇપી લાઇન સેટ કરાવાઇ હતી. એટલે કે અહીં એક સાથે 500 કોલ રિસિવ કરી અને ડાયવર્ટ કરી શકતાં હતાં. આ 500 કોલિંગ લાઇન માટે એક જ નંબર જ અપાયો હતો. આ રીતે વેસુ સ્થિત એલ્યુલ્ટ શોપર્સમાં કાર્યરત સન ઇન્ફ્રાસાઇટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને 250 લાઇન સેટ કરી અપાઈ હતી. આ અઢીસો કોલિંગ લાઈનનો એક જ નંબર આપવામાં આવ્યો હતો. માર્કેટિંગ, ગેમિંગ માટે ઉપયોગ
આ ખાનગી એક્સચેન્જમાં ઈન્ટરનેશનલ જ નહીં ઇન્ટરનેટ કોલને પણ લોકલ કોલમાં ડાયવર્ટ કરાતાં હતાં. આ એક્સચેન્જમાં આવતા કોલને ભારતમાં કોઈપણ નંબર પર ડાયવર્ટ કરવામાં આવે એટલે તે વ્યક્તિનો મોબાઇલ પર લોકલ નંબર ડિસ્પ્લે થતો હતો. આવી લાઇનનો ઉપયોગ જુદી જુદી કંપનીઓના માર્કેટિંગ, જાહેરાતો માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ગેમિંગ અને ગેમ્બલિંગ એપ્લીકેશન માટે પણ આવી લાઈનનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અલગ અલગ કંપનીઓને ઇન્ટરનેશનલ કોલ માટે અલગ અલગ ભાવ હોય છે. અંદાજે 8 થી 10 રૂપિયાનો ભાવ એક ઇન્ટરનેશનલ કોલ નો હોય છે. આ ભેજા બાજો દ્વારા ઇન્ટરનેશનલ કોલ ને લોકલ કોલ માં ડાયવર્ટ કરીને નુકસાન કરાવવામાં આવતું હતું. ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરવામાં આવતા માત્ર 40 થી 50 પૈસામાં જ થઈ જતો હોય છે. જેને પગલે ટેલિકોમ વિભાગ અને જે તે કંપનીને બંનેને નુકસાન થતું હોય છે. સુરતમાંથી 750 લાઈન માંથી ઇન્ટરનેશનલ કોલને ડાયવર્ટ કરવામાં આવતા હતા. જેને પગલે આ મોટું રેકોર્ડ ચાલતું હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે. છેલ્લા બે મહિનાથી એટીએસ અને એસઓજી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી હતી. આ સાથે જ એટીએસ અને એસઓજી દ્વારા આ રેકેટ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ થતી હતી કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. આવા રેકેટ દેશની સુરક્ષા માટે પણ જોખમી હોય તેવી શક્યતા ના પગલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. કોલ ડાયવર્ટ ટેક્નોલોજીના ઉપયોગ કરવાથી કોલ ઓરીજીનલ આંતરરાષ્ટ્રીય નંબરનુ કોઇ નિશાન છોડતુ નથી. કોલ કરનારની ઓળખ પ્રસ્થાપિત થતી નથી. જેથી કોઇને ખ્યાલ પણ આવતો નથી કે કોલ ક્યાંથી કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રવિરોધી કૃત્ય આચરનારાઓ આ પ્રકારના એક્સચેંજનો ઉપયોગ કરતા હોય છે. એક્સચેંજ ચલાવવું રાષ્ટ્રના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાની સાથે રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો ઉભો થતો હોય છે.